ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

“આ સંકટની ઘડીમાં મોદી સરકાર જમ્મુ-કાશ્મીરની જનતાની સાથે છે”: નિમુબેન બાંભણિયા


કેન્‍દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાએ જમ્મુની નઈ બસ્તી વિસ્તારમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી; અખનૂરના સરહદી પર્ગવાલ વિસ્તારનો પણ પ્રવાસ કર્યો

કેન્દ્રીય રાજ્ય મંત્રીએ તંત્રને પીડિતોને તરત રાહત અને પુનર્વસન સુનિશ્ચિત કરવાની સૂચના આપી

Posted On: 13 SEP 2025 6:50PM by PIB Ahmedabad

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયની કેન્‍દ્રીય રાજ્ય મંત્રી, શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાએ પોતાના બે દિવસીય જમ્મુ પ્રવાસના બીજા દિવસે આજે નઈ બસ્તીના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તાજેતરના ભારે વરસાદ દરમિયાન રહેણાંક મકાનો અને કૃષિ જમીનને થયેલ નુકસાનનું મૂલ્યાંકન કર્યું. પ્રવાસ દરમિયાન તેમણે ક્ષતિગ્રસ્ત મકાનોનું નિરીક્ષણ કર્યું અને મહિલાઓ સહિતના પીડિત પરિવારોને મળ્યાં. મંત્રીએ અખનૂરના પર્ગવાલ સરહદી વિસ્તારોની પણ મુલાકાત લીધી અને વરસાદથી સર્જાયેલી અચાનક આવેલા પૂરને કારણે જાહેર મિલ્કત, વેપારી સંસ્થાઓ અને અન્ય માળખાને થયેલ નુકસાનનું નિરીક્ષણ કર્યું હતુંં.

આ અવસરે મંત્રીએ જણાવ્યું કે આ સંકટની ઘડીમાં કેન્‍દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરની જનતાની સાથે ઊભી છે. તેમણે કહ્યું, “પૂરને કારણે લોકોના દુઃખ અને જીવ-માલની હાનિ અંગે મોદી સરકાર સંપૂર્ણપણે જાગૃત છે.” મંત્રીએ વધુમાં જણાવ્યું કે તાજેતરના પૂરગ્રસ્ત લોકો સુધી પહોંચવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસ છે અને તેમના માર્ગદર્શન હેઠળ કેન્‍દ્રીય મંત્રીઓ દરેક અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને જમીનસ્તરની હકીકત સમજવા, નુકસાનનું મૂલ્યાંકન કરવા અને પીડિતોને રાહત તથા પુનર્વસન સુનિશ્ચિત કરવા જઈ રહ્યાં છે. મંત્રીએ કહ્યું કે તેઓ લોકોના દુઃખ અને પીડામાં સહભાગી છે અને તેમને હિંમત તથા ધીરજ આપવાના હેતુથી આવ્યા છે. તેમણે ઉમેર્યું કે લોકોને મોદી સરકાર પર વિશ્વાસ છે અને સરકાર પીડિતોને સમયસર રાહત અને પુનર્વસન આપવા કોઈ કસર છોડશે નહીં.

અખનૂરના પર્ગવાલ જેવા અતિસંવેદનશીલ સરહદી વિસ્તારના લોકોના સાહસ અને હિંમતની પ્રશંસા કરતા મંત્રીએ કહ્યું કે આ વિસ્તારના લોકોને એક બાજુ સરહદ પારથી થતા ગોળીબાર અને બીજી બાજુ ચિનાબ નદીના વારંવાર પૂર જેવી  સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ લોકોનો સંકલ્પ અને સરકાર પ્રત્યેનો વિશ્વાસ જ છે, જેના કારણે તેઓ આવી કઠિન પરિસ્થિતિઓમાં પણ અડગ રહે છે. તેમણે 24 કલાક ફરજ પર તૈનાત બીએસએફ જવાનોનો આભાર માન્યો અને કહ્યું કે આવા પડકારો વચ્ચે પણ અહીં સામાન્ય સ્થિતિ જાળવવામાં તેમનો મહત્વપૂર્ણ ફાળો છે.

મંત્રીએ જાણકારી આપી કે પોતાના બે દિવસીય જમ્મુ પ્રવાસ દરમિયાન તેમણે સાંબા જિલ્લાના સુંબ, જમ્મુની નઈ બસ્તી અને અખનૂરના પર્ગવાલ જેવા અતિસંવેદનશીલ સરહદી વિસ્તારોમાં પૂરથી થયેલ નુકસાનની સમીક્ષા કરી. તાજેતરના પૂરગ્રસ્ત પરિવારો માટે તરત રાહત અને પુનર્વસન સુનિશ્ચિત કરવા માટે તેમણે તંત્રને જરૂરી સૂચનાઓ આપી. આ દરમિયાન તેમણે સ્થાનિક નાગરિકો સાથે તેમજ સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્ર સાથે સંવાદ કર્યો અને સ્થળ મુલાકાત લીધી. પોતાના પ્રવાસ દરમિયાન અખનૂરના ધારાસભ્ય એચ. મોહનલાલ સહિત અન્ય નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગઈકાલે કેન્‍દ્રીય મંત્રીએ સાંબા જિલ્લાના સુંબ વિસ્તારમાં મુલાકાત લીધી હતી અને ત્યાં રાહત તથા પુનર્વસન કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારો, ક્ષતિગ્રસ્ત મકાનો તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું અને પૂરગ્રસ્ત પરિવારો સાથે સંવાદ કરીને તેમને તાત્કાલિક રાહત આપવાનો ભરોસો આપ્યો.


(Release ID: 2166346) Visitor Counter : 2