યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે નવું ભારત એટલે કે 'વિકસિત ભારત, સમૃદ્ધ ભારત'નું નિર્માણ થઈ રહ્યું છે: કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયા

Posted On: 14 SEP 2025 8:14PM by PIB Ahmedabad

ઓલિમ્પિક 2036ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના નારણપુરામાં ₹825 કરોડના ખર્ચે નિર્માણ પામેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું.

વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ અને ગુજરાતને આજે વિશ્વ કક્ષાના સ્પોર્ટ્સ સંકુલની ભેટ મળી રહી છે. સંવિધાનનું 75મું વર્ષ અને દેશમાં હિન્દી દિવસની ઉજવણીના અવસરે અમદાવાદમાં ₹825 કરોડના ખર્ચે નિર્માણ પામેલું સંકુલ ગુજરાતને રમતગમત ક્ષેત્રે નવી દિશા આપશે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી કહે છે કે, "દરેક ક્ષેત્રમાં વિકાસ અને વિકાસ માટે રમતગમત આગવું મહત્વ ધરાવે છે." આપણા ગ્રંથોમાં પણ કૌશલ્ય વિકાસનો ઉલ્લેખ છે. રમતગમતની આપણી વિરાસત સંખ્યાબંધ ઉદાહરણોની સાક્ષી છે. આપણા આ વારસાને વડાપ્રધાનશ્રીએ  'વિરાસત ભી, વિકાસ ભી'ના ધ્યેય સાથે આધુનિક ઓપ આપ્યો છે એમ મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું હતું.

કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગને ગૌરવપૂર્વક ક્ષણ ગણાવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે નવું ભારત એટલે કે 'વિકસિત ભારત, સમૃદ્ધ ભારત'નું નિર્માણ થઈ રહ્યું છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં દેશમાં રમતગમત ક્ષેત્રે અનેક સકારાત્મક પગલાંઓ લેવાયા, જેને લીધે ભારત આજે ખેલકૂદ ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્ન 'વિકસિત ભારત'ની સંકલ્પનામાં રમતગમત ક્ષેત્રે થયેલ વિકાસકાર્યો મહત્વના બની રહેશે એમ કેન્દ્રીય રમતગમત મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, નવનિર્મિત સ્પોર્ટ્સ પોલિસીના માધ્યમથી મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમનું નિર્માણ કરાયું છે જે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં મહત્વનું બની રહ્યું છે.

શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ આગામી દિવસોમાં ખેલાડીઓના સપના અને મેડલનું સાક્ષી બનવાનું છે.

રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયા, રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રમતગમત રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા મેયર શ્રી પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં નારણપુરા ખાતે નિર્માણ પામેલું વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં એક્વેટિક્સ સ્ટેડિયમ, સ્પોર્ટ્સ સેન્ટર ઓફ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, કોમ્યુનિટી સ્પોટ્સ સેન્ટર, આઉટડોર કોર્ટ અને ફિટ ઇન્ડિયા ઝોન જેવા વિવિધ વિભાગોમાં અનેકવિધ રમતો, તેના કોચિંગ, પ્રેક્ટિસ, સહિત નાગરિકો અને ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ, યોગા અને ફિટનેસ એક્ટિવિટીઝ માટે અનેકવિધ સુવિધાઓ અને અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે.


(Release ID: 2166600) Visitor Counter : 2