પંચાયતી રાજ મંત્રાલય
સુરતની પલસાણા ગ્રામપંચાયતનો ડિજિટલ ઇન્ડિયા તરફ એક સશકત પ્રયાસ
રાષ્ટ્રીય ઈ-શાસન પુરસ્કાર (NAeG) 2025 માટે પલસાણા ગ્રામ પંચાયતની પસંદગી
ગુજરાત સહિત 4 રાજ્યોની પંચાયતોને પહેલો રાષ્ટ્રીય ઈ-શાસન પુરસ્કાર
Posted On:
16 SEP 2025 3:06PM by PIB Ahmedabad
ગુજરાતની સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઈ-શાસન પુરસ્કાર (National e-Governance Awards - NAeG) 2025 માટે પસંદ કરવામાં આવી છે. આ પુરસ્કાર, જે ગ્રામ્ય સ્તરે ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપવા માટે પહેલીવાર આયોજિત થઈ રહ્યો છે, જે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ત્રિપુરા અને ઓડિશાની અન્ય પંચાયતોને પણ આપવામાં આવશે. એવોર્ડ વિતરણ સમારોહ 22-23 સપ્ટેમ્બર, 2025ના રોજ વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ ખાતે યોજાનારી 28મી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ દરમિયાન યોજાશે.

પલસાણા ગ્રામ પંચાયતનો આ પ્રયાસ "ડિજિટલ ઇન્ડિયા" તરફ એક સશક્ત કદમ છે. અહીં ઈ-ગ્રામ (E-Gram) પ્રોજેક્ટ હેઠળ સરકારની તમામ ડિજિટલ સેવાઓ ગામના લોકોને ઘરઆંગણે પહોંચાડવામાં આવે છે. NEOR, ડિજિટલ ગુજરાત, ઇ-ઓળખ અને પીએમ કિસાન જેવા પોર્ટલ્સ દ્વારા ગ્રામજનો જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર, આવકનો દાખલો, રેશન કાર્ડ, વિધવા અને વૃદ્ધ સહાય, લાઈટ બિલ, જમીનના રેકોર્ડ અને મનરેગા (MNREGA) જોબ કાર્ડ જેવી સેવાઓ મેળવી શકે છે.
પલસાણા ગ્રામ પંચાયતના આ વિકાસ બાબતે સરપંચ પ્રવીણભાઈ પી. આહીરે જણાવ્યું હતું કે, "અમારા ગામમાં મૂળભૂત સુવિધાઓ ઉપરાંત, મેં એક પહેલ તરીકે ગ્રામ પંચાયતની વેબસાઈટ વિકસાવી છે, જેના પર નાગરિકો સફાઈ, વીજળી કે પાણી જેવી સમસ્યાઓનો ફોટો અપલોડ કરી શકે છે અને પંચાયત તાત્કાલિક તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે."
809I.jpeg)
તલાટી પિનાક મોદીના જણાવ્યા મુજબ, ઈ-ઓળખ પોર્ટલ દ્વારા ગામમાં જન્મ અને મૃત્યુનું રજીસ્ટ્રેશન તાત્કાલિક થાય છે અને વેરિફિકેશન બાદ તરત જ જન્મ પ્રમાણપત્ર ઇશ્યૂ કરવામાં આવે છે.
પલસાણામાં વેરો પણ ડિજિટલ માધ્યમથી ભરવામાં આવે છે. ગ્રામસુવિધા પોર્ટલ દ્વારા ટેક્સની ડિમાન્ડ જનરેટ થાય છે, જેની જાણ મોબાઈલ દ્વારા નાગરિકોને કરવામાં આવે છે. હવે ગ્રામજનો UPI અને QR કોડ દ્વારા સંપત્તિ વેરો અને અન્ય ટેક્સ સરળતાથી ભરી શકે છે.
શિક્ષણ ક્ષેત્રે પણ ગામ આગળ વધી રહ્યું છે. અહીંની શાળાઓમાં બાળકોને સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા વિડીયો આધારિત શિક્ષણ આપવામાં આવે છે. સુરક્ષાની દ્રષ્ટિએ, ગામના તમામ વિસ્તારોમાં CCTV દ્વારા નજર રાખવામાં આવે છે, જેનું લાઈવ મોનિટરિંગ ગ્રામ પંચાયત કચેરી અને સ્થાનિક પોલીસ સ્ટેશન બંનેથી શક્ય છે. પરિણામે અપરાધમાં ઘટાડો થયો છે અને ગામ વધુ સુરક્ષિત બન્યું છે.

ડિજિટલ સાક્ષરતાનો અભાવ અને બજેટની તંગી જેવી પડકારોનો સામનો કરવા માટે, ગ્રામ પંચાયત દ્વારા જાગૃતિ કાર્યક્રમો, નાણાકીય સહાય, હેલ્પડેસ્ક અને વિવિધ સ્થળોએ QR કોડ મૂકવા જેવી પહેલ કરાઈ છે, જેનાથી ગામમાં ડિજિટલ જાગૃતિ આવી છે.
પલસાણા ગ્રામ પંચાયત સુશાસન, પારદર્શિતા અને નાગરિકોની સહભાગીદારી સાથે "ગુડ ગવર્નન્સ"નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
(Release ID: 2167149)
Visitor Counter : 2