માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

જાફરાબાદ ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનનું ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે થયું ઉદ્ઘાટન


વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરે છે, કેન્દ્ર સરકારની વિભિન્ન યોજનાઓ : ધારાસભ્ય હીરાભાઈ સોલંકી

પોષણ માહ - સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો થયો આરંભ

Posted On: 17 SEP 2025 4:19PM by PIB Ahmedabad

ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ દ્વારા ઈન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ જાફરાબાદ ખાતે પારેખ અને મહેતા હાઇસ્કુલ કેમ્પસમાં મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન હાથ ધરાયું છે.  આ ત્રણ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન રાજુલા- જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે નગરપાલિકા તેમજ તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સામાજિક આગેવાનોની  ઉપસ્થિતિમાં કરવામાં  કરવામાં આવ્યું.

દેશના છેવાડાના માનવી સુધી સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી પહોંચે અને નાનામાં નાનો વ્યક્તિ પણ સરકારની વિભિન્ન યોજનાઓનો લાભ લઈ શકે તેવા આશય સાથે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તાર એવા જાફરાબાદમાં ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન એ ખરેખર સરાહનીય બાબત છે એવું જણાવતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પ્રદર્શનના આયોજનને બિરદાવ્યું હતું. વધુમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યાન્વિત છે જેનો લાભ લઇ દેશનો પ્રત્યેક નાગરિક રાષ્ટ્રના વિકાસમાં પણ સહભાગી થઈ રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આજરોજ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ અભિયાન અંતર્ગત પ્રથમ કાર્યક્રમ જાફરાબાદમાં યોજાઇ રહ્યો છે જેનો વિશેષ આનંદ છે.

 કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢનાં અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે  જાફરાબાદ ખાતે પોષણ માહ - સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન તેમજ ભારત સરકારનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં 11 વર્ષ અંતર્ગત દેશના નાગરિકોનાં જીવન ધોરણમાં સુખદ બદલાવ લાવતી તેમજ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી સિદ્ધિઓની ઝાંખી કરાવતા ત્રિ-દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન હાથ ધરાયું છે. કાર્યક્રમ અંગે વધુ જાણકારી આપતા કહ્યું કે આ કાર્યક્રમ અંતર્ગત આજથી ત્રણ દિવસ સુધી ડિજિટલ આકર્ષણો, આકર્ષક રમતો, સરકારી યોજનાઓની જાણકારી આપતા વિવિધ વિભાગોનાં સ્ટોલ્સ, યોજનાકીય જાણકારી આપતું સાહિત્ય, નાટ્ય પ્રસ્તુતિ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં એક જ સ્થળેથી સરકારની વિભિન્ન યોજનાઓ અને અભિયાન અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

કાર્યક્રમના ભાગરૂપે આઇસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક વાનગી નિદર્શન તેમજ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું . જાફરાબાદ નગરપાલિકા ,તાલુકા પંચાયત, મિશન મંગલમ વિભાગ દ્વારા માહિતીસભર સ્ટોલ્સ પણ લગાવવામાં આવ્યા. આરોગ્ય વિભાગ દ્વારા સરકારની આરોગ્યલક્ષી યોજનાઓની જાણકારી સાથે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું.

 

રાષ્ટ્રીય અભિયાનો માં જનભાગીદારી વધે તે માટેના પ્રયાસો હાથ ધરતા વિભિન્ન કાર્યક્રમ યોજાયા. જે અંતર્ગત પારેખ અને મેહતા હાઈસ્કૂલમાં યોજાયેલ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓને  ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે જ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત હાઇસ્કુલ પરિસરમાં ધારાસભ્યશ્રી અને અન્ય મહેમાન માનશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

ઉદ્ઘાટન સમારોહમાં જાફરાબાદ નગર તેમજ તાલુકાના પદાધિકારીઓ અને સામાજિક આગેવાનો જેવા કે પ્રફુલભાઈ બારૈયા ,મનહરભાઈ કરણભાઈ બારૈયા, જીવનભાઈ સામતભાઇ બારૈયા,કનૈયાલાલ સોલંકી,નીરવ ઠાકર ,સંદીપભાઈ શિયાળ,યોગેશભાઈ જીણાભાઈ બારૈયા તેમજ સરકારના વિભિન્ન વિભાગના અધિકારીઓ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એમ.બી.ટાંક સીડીપીઓ રેખાબેન ગોહિલ, સુપરવાઇઝર દિપ્તીબેન ભટ્ટ, હેલ્થ સુપરવાઇઝર સંદીપભાઈ જોશી, વિસ્તરણ અધિકારી, મિશન  મંગલમના કોર્ડીનેટર યાસ્મીનબેન, હાઈસ્કૂલના આચાર્યશ્રી વિમલભાઈ અગ્રાવત ઉપસ્થિત રહ્યા હતાં.

 


(Release ID: 2167602) Visitor Counter : 2