સંસ્કૃતિ મંત્રાલય
‘ધર્મ’ અને ‘ધમ્મ’ આ બંને શબ્દો અને તેના ગહન ખ્યાલ, ભારતભૂમિની વિશ્વને દેન: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
ધર્મ અને ધમ્મ એકબીજાના પૂરક છે : કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના પ્રેરક સંબોધન સાથે 9મી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદનો અમદાવાદમાં પ્રારંભ
Posted On:
18 SEP 2025 9:46PM by PIB Ahmedabad
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત 9મી આંતરરાષ્ટરીય ધર્મ-ધમ્મ પરિષદ 2025નો આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાંગણમાં શુભારંભ થયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં આ પ્રતિષ્ઠિત પરિષદનું ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કર્યું હતું, જેમાં આંતરરાષ્ટરીય મહેમાનો અને વિવિધ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદની મુખ્ય થીમ ‘કર્મ, પુનઃજન્મ, દેહાંતરણ અને અવતાર સિદ્ધાંત’ છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલી આ પરિષદમાં ઉપસ્થિત જ્ઞાનપિપાસુ શ્રોતાઓને સંબોધન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, ‘ધર્મ’ અને ‘ધમ્મ’ આ બંને શબ્દો અને તેના ગહન ખ્યાલ, ભારતભૂમિની વિશ્વને દેન છે.
તેમણે ભારતીય શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "ધર્મો રક્ષતિ રક્ષિતઃ" અર્થાત જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે. આ વિભાવનાને વિશાળ દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે. પ્રથમ તો ધર્મની વ્યાખ્યા સમજવી પડે, ધર્મ એટલે શું તે જાણવું પડે. ધર્મ વિશેની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા ભગવદ્ ગીતામાં કરવામાં આવી છે, જે મુજબ, ‘જે હું મારા માટે ઈચ્છું, તે જ બીજા માટે કરું તે ધર્મ.’
પોતાના વક્તવ્યમાં શાસ્ત્રોને ટાંકીને રાજ્યપાલશ્રીએ કહ્યું કે, "श्रूयतां धर्म सर्वस्वं श्रुत्वा च अवधार्यताम् | आत्मन: प्रतिकूलानि परेषां न समाचरेत् ||". અર્થાત્ સત્ય અને દયા પરમેશ્વરે સૌમાં મૂક્યાં છે અને તે સૌને પ્રિય છે. સૌ કોઈ ઈચ્છે છે કે મારી સાથે સત્ય વ્યવહાર થાય, મારી સાથે ક્રૂર વ્યવહાર ન થાય. પણ જેવી તે અપેક્ષા રાખે છે, તેવું તે બીજા સાથે આચરતો નથી. જો મનુષ્ય પોતે પણ તેવું જ આચરે તો ધર્મની માંગલિક સ્થિતિનાં દર્શન થાય.
રાજ્યપાલશ્રીએ વધુમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે, હિંસા-અહિંસા, સત્ય-અસત્ય, પરિગ્રહ-અપરિગ્રહ આમાંથી ધર્મ શું છે અને અધર્મ શું છે તે ચકાસવું હોય તો એ જોવું પડે કે કોણ વધુ ટકે છે અને શું શાશ્વત છે. અહિંસા કે હિંસા, સત્ય કે અસત્ય, જેનો અમલ કરવાથી વ્યવસ્થા અને સંસાર ટકી જાય, તે જ ધર્મ છે.
આ તકે રાજ્યપાલશ્રીએ ઉપનિષદમાં આલેખિત કર્મ અને પુનઃજન્મના ગહન ખ્યાલને સ્પષ્ટ કર્યા હતા અને તેની ઊંડાણપૂર્વકની સમજ ઉપસ્થિતોને આપી હતી.
તેમણે ઈશ્વરના ગુણોનું વર્ણન કરીને સમજાવ્યું કે સદગુણોને જાણવાથી અને અનુસરવાથી ઈશ્વર મળે છે, અને આ થકી તેમણે ભક્તિ માર્ગની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

રાજ્યપાલશ્રીએ પુનઃજન્મ અને કર્મફળ જેવા સિદ્ધાંતો માટે સ્વામી દયાનંદ સરસ્વતીની ટિપ્પણી અને સમજણ અંગે વિશદ છણાવટ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું કે, માનવના અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો અને તેના જવાબ શોધવાની જહેમતે જ વિવિધ માનવ સભ્યતાને આકાર આપ્યો છે. ‘હું કોણ છું?’, ‘હું શા માટે છું?’, ‘મારા અસ્તિત્વનો ધ્યેય શું છે?’ આવા પ્રશ્નો માનવીને હજારો વર્ષોથી થતા આવ્યા છે. આ સવાલોએ જ માનવ સભ્યતા, સંસ્કૃતિ અને પરંપરાઓને આકાર આપ્યો છે અને માનવીની પ્રગતિને દિશા આપી છે. કોઈ સભ્યતા કેવા આધ્યાત્મિક સવાલો પૂછે છે અને તેના જવાબ કેવી રીતે શોધે છે, તેના આધારે તેની પ્રગતિ નક્કી થતી હોય છે.
SM5W.jpeg)
તેમણે ભારપૂર્વક કહ્યું કે, "धर्मेण हीनाः पशुभिः समानाः" અર્થાત્ ધર્મ વિનાનો માનવી પશુ સમાન છે. ધર્મ અને ધમ્મ એકબીજાના પૂરક છે.
પરિષદની મુખ્ય થીમ ‘કર્મ, પુનઃજન્મ, દેહાંતરણ અને અવતાર સિદ્ધાંત’ છે. આ આધ્યાત્મિક ખ્યાલોની માનવ જીવનમાં ઉપયોગીતા અંગે પણ કેન્દ્રીય મંત્રીશ્રીએ વિસ્તૃત વિવેચન કર્યું હતું.
આ ગરિમામય પરિષદમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી શ્રી ગોવિંદ દેવગિરિ મહારાજ, ભૂતાનના રોયલ ગવર્નમેન્ટના ગૃહ મંત્રી શ્રી ત્શેરિંગ, મોરેશિયસના કળા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી મહેન્દ્ર ગોંદીયા, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીમતી અમીબેન ઉપાધ્યાય સહિત વિવિધ ધાર્મિક સંગઠનો સાથે સંકળાયેલા મહાનુભાવો, અગ્રણીઓ, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(Release ID: 2168311)