વહાણવટા મંત્રાલય
કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભારતીય સામુદ્રિક ક્ષેત્રના વિકાસને નવી દિશા આપતા 27 MOU સંપન્ન
ભારત મેરિટાઈમનું સુપર પાવર બનશે-કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ
જેણે સમુદ્ર પર શાસન કર્યું, તેણે દુનિયા પર શાસન કર્યું -કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા
Posted On:
19 SEP 2025 5:51PM by PIB Ahmedabad
ભારત વૈશ્વિક ક્ષેત્રે આજે અગ્રીમ હરોળમાં બિરાજી રહ્યું છે, તેનું કારણ ભારતે તમામ ક્ષેત્રોમાં સાધેલો વિકાસ છે, આવું જ એક ક્ષેત્ર છે સામુદ્રિક ક્ષેત્ર, કે જેમાં એક સમયે ભારતનો ડંકો વાગતો હતો. ભારત હવે સામુદ્રિક ક્ષેત્રે ક્રાંતિકારી પગલાં દ્વારા ફરીથી આ ક્ષેત્રે પોતાનું આધિપત્ય હાંસલ કરવા માટે પ્રયત્નશીલ બન્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ભાવનગરની ધરતી પરથી અનેક વિકાસ કાર્યો દેશને સમર્પિત કરવાના છે, ત્યારે સામુદ્રિક ક્ષેત્રે વિકાસની ગતિ તેજ કરવા માટે શીપ બિલ્ડીંગ, પોર્ટ યાર્ડ અને મેરિટાઈમ ક્ષેત્રનો વિકાસ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે 27 પ્રકારના MOU આજે કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતાં.

આ પ્રસંગે પોર્ટ, શિપિંગ અને વોટરવેઝના કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોગ્ય કાર્યક્રમ, યોગ્ય દિશા અને યોગ્ય દર્શનને લીધે આજે સમગ્ર દેશ જાગૃત થઈ વિકાસની દિશામાં અગ્રેસર બન્યો છે.

ભારતે સામુદ્રિક શક્તિ, સંપદા અને સામર્થ્યને ઓળખી વૈશ્વિક પડકારોનો સામનો કરી સાગર માલા જેવા કાર્યક્રમો દ્વારા સામુદ્રિક ક્ષેત્રમાં પોર્ટ, લોજિસ્ટિક સહિતના વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક માપદંડો હાંસલ કર્યા છે.મલ્ટી મોડલ કનેક્ટિવિટી, ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ સાથેના લક્ષ્ય અને પારદર્શક નીતિ થકી દેશની ગતિ તેજ બની રહી છે તેની ભૂમિકા તેમણે આપી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે જે પણ MOU થયા છે તેના સહભાગીઓ નિશ્ચિત રહે, આ તમામ MOU વાસ્તવમાં સાકાર થવાના છે. સ્વદેશી, આત્મનિર્ભર બનવા માટે 'અમે પણ કોઈથી કમ નથી' ના મંત્ર સાથે સૌ આગળ વધી રહ્યા છીએ.
મેરિટાઈમ વિઝન 2030, ઇન્ડિયા વિઝન 2030 ના વિઝનને સાકાર કરી ભારત વિશ્વના 10 શીપ બનાવતા દેશોમાં ચોક્કસ નામ નોંધાવશે. આ માટે સહકારના મંત્ર સાથે સૌએ સાથે મળીને કાર્ય કરવું પડશે તેવી વિભાવના તેમણે વ્યક્ત કરી હતી.
ભારતે તેની શક્તિ બતાવીને સ્વાશ્રયી બની આયાતકાર નહીં પરંતુ નિકાસકાર દેશ બનશે. આ ઉપરાંત, 21મી સદી ભારતની બની રહેવાની છે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ભારત મેરિટાઇમનું સુપર પાવર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, સામુદ્રિક ક્ષેત્રે આગામી સમયમાં પણ અનેકાનેક પગલાંઓ દ્વારા ભવ્ય ભારતના ઇતિહાસને પુનઃજીવંત કરાશે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે યોજાયેલા 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં ભારતના દરિયાઈ ક્ષેત્રના ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય પર ભાર મૂકતાં જણાવ્યું કે આજે થયેલા 27 મહત્વપૂર્ણ MoU શીપ બ્રેકિંગ, શીપયાર્ડ, શિપ રિપેર સહિત સમગ્ર વહાણવટા ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે.

શ્રી માંડવીયાએ ઐતિહાસિક સંદર્ભ ટાંકતા જણાવ્યું હતું કે, જેણે સમુદ્ર પર શાસન કર્યું, તેણે દુનિયા પર શાસન કર્યું છે. તેમણે ભારતના પૌરાણિક સામ્રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો. જે તેમના વિદેશ વેપાર માટે જાણીતા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત અને ભારતના બંદરોના નામ આજે પણ વિદેશની સ્ટ્રીટમાં જોવા મળે છે ,જે આપણા દરિયાઈ વારસાનો ગૌરવપૂર્ણ પુરાવો છે.તેમણે ઉમેર્યું કે ભારત એકમાત્ર એવો દેશ છે જેના નામ પરથી હિંદ મહાસાગર ઓળખાય છે, જે આપણી મેરિટાઇમ શક્તિનું અનોખું પ્રતિક છે.
તેઓએ વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી છે. પોર્ટ, શિપયાર્ડ, કોસ્ટલ હાઇવે અને રેલવે નેટવર્કના સર્વાંગી વિકાસથી આ ક્ષેત્ર દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે સરકાર ટેક્સ માળખામાં સતત સુધારો કરીને ટેક્સ ઘટાડી રહી છે, ત્યારે આ ઉદ્યોગ સતત વિકાસની રાહ પર આગળ વધી દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
શ્રી માંડવીયાએ તેમના સંબોધનના અંતે જણાવ્યું હતું કે આજે થયેલા આ સમજૂતિ કરારો માત્ર કાગળ પરના કરારો નથી, પરંતુ ભારતના દરિયાઈ ક્ષેત્રે થઈ રહેલા બદલાવ અને પ્રગતિનું જીવંત પ્રતિક છે.
પોર્ટ, શિપીંગ અને વોટરવેઝનાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શાંતનું ઠાકુરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી સામુદ્રિક ક્ષેત્રનો નોંધપાત્ર વિકાસ થયો છે. આ ક્ષેત્રનાં વિકાસ સાથે ભારતે સમગ્ર વિશ્વને જોડ્યું છે. આજે સહી થનારા MOU મેરિટાઈમ ક્ષેત્રની આપણી ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમૃતકાળમાં નીતિ નિર્ધારણ સાથે ઉદ્યોગ અને સરકાર એકસાથે મળીને સામુદ્રિક ક્ષેત્રનો વિકાસ કરતાં શિપીંગનો ઇતિહાસ બદલાઈ રહ્યો છે.
ભૂતકાળમાં વહાણ નિર્માણ એ ભારતની શાન હતો. પછી આપણે તેનાથી દૂર થયા હતા. પરંતુ, આજે આ ક્ષેત્રના વિકાસ સાથે શીપ બિલ્ડીંગ દ્વારા ચીન કરતાં વધુ આગળ વધી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ આ તકે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત દેશ આજે બદલાઈ રહ્યો છે. આવતીકાલે તેમના કરકમલોથી અનેક વિકાસકાર્યો લોકાર્પિત થવાના છે તે ભાવનગર અને ગુજરાત માટે ગૌરવનો અવસર બની રહેવાનો છે.ભાવનગરના રતનપરમાં શીપ બિલ્ડીંગ માટે આજે MOU થયાં છે ત્યારે ભાવનગરમાં અનેક રોજગારીનાં અવસર પ્રાપ્ત થવાનાં છે તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું.

સ્વાગત પ્રવચન કરતા પોર્ટ, શિપિંગ, અને વોટરવેઝ વિભાગના સચિવ શ્રી ટી.કે.રામચંદ્રને જણાવ્યું હતું કે, ભારતીય સામુદ્રિક ક્ષેત્રે ભારે વિકાસની સંભાવનાઓ છે અને ગુજરાત સરકાર દ્વારા આ ક્ષેત્રે લેવાનાર તમામ પગલાઓમાં સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.ગુજરાતના લોથલ ખાતે બની રહેલા નેશનલ હેરિટેજ મેરિટાઇમ કોમ્પલેક્ષના નિર્માણમાં પણ ગુજરાત સરકાર સક્રિય રસ લઈ સહયોગ આપ્યો છે તે બદલ તેઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ તકે પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી વેંકટપતિ એસ. દ્વારા આભાર વિધિ કરાઈ હતી.
આ પ્રસંગે મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, ગૌતમભાઈ ચૌહાણ, સેજલબેન પંડ્યા, દિનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સુશીલકુમાર, બંદર અને પોર્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી આર.સી. મીના, સંયુક્ત સચિવ સર્વશ્રી આર. લક્ષ્મણ, સંદીપ ગુપ્તા, ગુજરાત મેરિટાઇમ બોર્ડના સીઈઓ રાજકુમાર બેનીવાલ, જનરલ મેનેજર શ્રી કલ્પેશ વિઠલાણી સહિત દેશભરના મેરિટાઇમ ક્ષેત્ર સાથે સંકળાયેલા હિતધારકો, સહભાગીઓ, પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2168861)