સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રીએ મોરોક્કોમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી; ઓપરેશન સિંદૂરમાં ભારતના સંયમ અને સંકલ્પ પર ભાર મૂક્યો
Posted On:
22 SEP 2025 12:03PM by PIB Ahmedabad
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 21 સપ્ટેમ્બર, 2025ના રોજ મોરોક્કોના રબાતમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. ભારતીય સમુદાયે ઓપરેશન સિંદૂર દરમિયાન નિર્ણાયક કાર્યવાહી બદલ સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી. સંરક્ષણ મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે પહેલગામમાં નિર્દોષ ભારતીયો પર થયેલા કાયર હુમલા બાદ સશસ્ત્ર દળો સંપૂર્ણપણે તૈયાર હતાં અને તેમને જવાબ આપવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી. ભારતે સંયમિત અને બિન ઉશ્કેરણીજનક પગલાં લીધાં હોવા પર ભાર મૂકતાં તેમણે કહ્યું, "હમને ધર્મ દેખ કે નહીં, કર્મ દેખ કે મારા હૈ." તેમણે દેશના મક્કમ પરંતુ સંયમિત અભિગમનું વર્ણન કરવા માટે રામચરિતમાનસનો ઉલ્લેખ કર્યો હતો.
ભારતીય સમુદાય સાથેની નિખાલસ વાતચીતમાં, શ્રી રાજનાથ સિંહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં ભારત દ્વારા પ્રાપ્ત બહુપક્ષીય પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. વૈશ્વિક અને ભૂ-રાજકીય પડકારો છતાં, તેમણે કહ્યું કે ભારત સૌથી ઝડપથી વિકસતિ મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે, જે વિશ્વની 11મી થી ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે અને ટૂંક સમયમાં ટોચના ત્રણ અર્થતંત્રોમાં સામેલ થવા માટે તૈયાર છે. સંરક્ષણ મંત્રીએ ભારતના ડિજિટલ પરિવર્તન, જ્ઞાન અર્થતંત્રમાં ઝડપી પ્રગતિ અને એક દાયકા પહેલા 18 યુનિકોર્નથી આજે 118 સ્ટાર્ટઅપ્સ સુધીના વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારતના સંરક્ષણ ઉદ્યોગના નોંધપાત્ર વિકાસ પર ભાર મૂક્યો, જેણે ₹1.5 લાખ કરોડનું ઉત્પાદન અને ₹23,000 કરોડથી વધુની સંરક્ષણ નિકાસ 100થી વધુ દેશોમાં હાંસલ કરી છે.
શ્રી રાજનાથ સિંહે ભારતીય સમુદાયની સખત મહેનત, સમર્પણ અને પ્રામાણિકતાની પ્રશંસા કરી, જે સમગ્ર વિશ્વમાં ભારતીય ચારિત્ર્યની શક્તિને પ્રતિબિંબિત કરે છે. વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદના શબ્દોને યાદ કરતાં, તેમણે ભાર મૂક્યો કે ભારતીય સંસ્કૃતિમાં, ચારિત્ર્ય એ વ્યક્તિની સાચી ઓળખ છે. સમુદાયના સભ્યોએ ભારતના વધતા વૈશ્વિક કદ પર ગર્વ વ્યક્ત કર્યો, જે તેના મજબૂત આર્થિક પાયા અને વધતી જતી લશ્કરી શક્તિમાં મૂળ ધરાવે છે.



SM/GP/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2169542)