આયુષ
આયુર્વેદ દિવસ 2025ની ઉજવણી: વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ
આયુર્વેદ દિવસ 2025 નિમિત્તે આર.એ.આર.આઇ. (RARI) અમદાવાદ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
"આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ" થીમ સાથે આરોગ્ય જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણ પર ભાર
Posted On:
23 SEP 2025 5:16PM by PIB Ahmedabad
આયુષ મંત્રાલય, નવી દિલ્હી હેઠળની સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ (CCRAS) સંલગ્ન પ્રાદેશિક આયુર્વેદ સંશોધન સંસ્થા (RARI), અમદાવાદ દ્વારા આયુર્વેદ દિવસ 2025 નિમિત્તે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ “આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ” હતી.

પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્થાના આયુર્વેદ ક્ષેત્રે થતા સંશોધન કાર્ય, આરોગ્યસંભાળ સેવાઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલ સિદ્ધિઓને જનસમક્ષ રજૂ કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન, સંસ્થાના અધિકારીઓએ આયુર્વેદના પ્રાચીન જ્ઞાનને આધુનિક સંશોધન સાથે જોડવા માટે લેવાતા પ્રયાસોની વિસ્તૃત વિગતો આપી હતી.

આ પ્રસંગે, સંસ્થાના પ્રભારી સહાયક નિર્દેશક (આયુ.) ડૉ. કિરણ વિનાયક કાલે અને સંશોધન અધિકારીઓ ડૉ. અશોક કુમાર પંડા, ડૉ. પાર્થ દવે, અને ડૉ. સોજીત્રા નિરલએ આયુર્વેદના સિદ્ધાંતો પર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આયુર્વેદ એ 'જીવનનું વિજ્ઞાન છે, જેમાં જીવન કેવી રીતે જીવવું તે વિશે વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. આયુર્વેદ એ એક સંપૂર્ણ જીવનશૈલી છે," ડૉ. કિરણ કાલેએ ભારપૂર્વક કહ્યું હતું. "તેના સિદ્ધાંતો ફક્ત માણસો અને પશુઓ માટે જ નહીં, પરંતુ ખેતી અને છોડના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ઉપયોગી છે.

આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંત "સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણં આતુરસ્ય વિકાર પ્રશમનં ચ" (સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને રોગી વ્યક્તિના રોગને દૂર કરવો) પર ભાર મૂકતા, તેમણે સમજાવ્યું કે આયુર્વેદ માત્ર રોગોનો ઉપચાર જ નહીં, પરંતુ રોગોને થતા અટકાવવા અને તંદુરસ્ત જીવન જીવવાની રીતો પણ શીખવે છે.
આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ, જાગૃતિ વ્યાખ્યાનો અને યોગ કેમ્પ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં ની:શુલ્ક દવા વિતરણ, વ્યક્તિગત પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ સ્વાસ્થ્ય માટે લાભદાયક વાનગીઓ તથા વિવિધ ઔષધીય છોડના પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રંગોળી, નિબંધ અને સ્લોગન જેવી વિવિધ સ્પર્ધાઓ દ્વારા લોકોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન મળ્યું હતું.
આ સમગ્ર આયોજનનો ઉદ્દેશ્ય લોકોમાં આયુર્વેદિક પરંપરા અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે નવી ચેતના જગાવવાનો હતો.
(Release ID: 2170185)