શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને GST સુધારાઓ પર યુવા સંમેલન યોજાયું


યુવાનો “રાષ્ટ્ર પ્રથમ”ના સંકલ્પ સાથે કાર્ય કરે: કેન્દ્રીય મંત્રી ડૉ મનસુખ માંડવિયાનું આહ્વાન

સ્વદેશી અપનાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા યુવાનોને પ્રેરણા અપાઈ

Posted On: 26 SEP 2025 8:53PM by PIB Ahmedabad

પોરબંદરમાં વી.આર.ગોઢાણીયા કોલેજ ખાતે આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક યુવા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમ્યાન રમત ગમત, યુવા, શ્રમ અને રોજગાર વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદરના યુવાનોને આત્મનિર્ભર ભારત બનાવવા તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા રાષ્ટ્ર પ્રથમના ધ્યેય સાથે કાર્ય કરવા જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ યુવા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુવાનો સાથે ભાષણ નહીં પરંતુ સંવાદ જરૂરી છે. તેમણે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અગત્યની ગણાવી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત બનાવવા માટે સૌપ્રથમ આત્મનિર્ભર ભારત બનાવવું જરૂરી છે. તેના માટે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી સ્વદેશી અપનાવવું આવશ્યક છે. મહાત્મા ગાંધીજીએ સ્વદેશીનો ખ્યાલ આપ્યો હતો અને તેના આટલા વર્ષો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 15 ઓગસ્ટના લાલ કિલ્લાથી તેના માટે આહ્વાન કર્યું છે.

પોરબંદરના ઇતિહાસ સાથે સંકળાયેલા વેપાર, અમદાવાદના મસ્કતી બજારના ઉદાહરણ તથા આઝાદી સંઘર્ષ દરમિયાન લાખો યુવાનો દ્વારા આપેલી શહાદતને યાદ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજના યુવાનોએ દેશ માટે મરવુ નહીં, પરંતુ દેશ માટે જીવવુ પડશે. આગામી 25 વર્ષમાં યુવાનો વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરશે.

સ્વામી વિવેકાનંદના વિચારોનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે આગેવાની લેતા એક લાખ યુવાનો તૈયાર કરવાની જવાબદારી સોંપી છે. માય ભારત પોર્ટલ મારફતે વિકસિત ભારત વિષે ક્વિઝ અને નિબંધ સ્પર્ધાનું આયોજન તથા યુવાનો દ્વારા કરાયેલા પ્રધાનમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશનનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

 

કેન્દ્રીય મંત્રીએ સ્વદેશી અપનાવવાના લાભો સમજાવતાં પ્રધાનમંત્રીના ઐતિહાસિક નિર્ણયોમાં કર્તવ્યપથ, નવું સંસદ ભવન, નવા કાયદા તેમજ સ્વદેશી હથિયારો અને સેટેલાઇટ્સ થકી દેશની આત્મનિર્ભરતા જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.

 

કોરોના કાળ દરમ્યાન આત્મનિર્ભર ભારત થકી સ્વદેશી વેક્સિનની સફળતા અને વિશ્વને સહાયતા, ઓપરેશન સિંદૂરનું પરાક્રમ તથા ભાવનગરમાં વહાણ અંગેના નિર્ણયોનું વિશેષ ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.

 

વધુમાં ડૉ માંડવિયાએ પહેલગામમાં યાત્રિકો ઉપર કરેલા હુમલાના આંતકવાદીઓને ભારતમાં નિર્માણ પામેલા સેટેલાઈટ અને હથિયારો વડે ગીચ જંગલોમાંથી શોધીને ઠાર કરીને આત્મનિર્ભર ભારતની ક્ષમતાના દર્શન કરાવ્યા છે.

 

 તેમણે યુવાનોને "રાષ્ટ્ર પ્રથમ"ના સંકલ્પ સાથે કાર્ય કરવા આહ્વાન કરતાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં તેઓ કોઈપણ સર્વોચ હોદ્દા પર હોય, તેમ છતાં ગામડાના છેવાડાના લોકોના હિતને પ્રાથમિકતા આપશે તો ભારતને વિકસિત બનતા કોઈ રોકી શકશે નહીં.

 

કાર્યક્રમ દરમ્યાન કોન બનેગા કરોડપતિ શોમાં સહભાગી થયેલા જીગ્નાબેન અને વી. આર. ગોઢાણીયા કોલેજના એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

 

કેન્દ્રીય મંત્રી ડૉ મનસુખ માંડવિયાએ ચોપાટી ખાતે વોકલ ફોર લોકલ બજારનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.


(Release ID: 2171973) Visitor Counter : 28