સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વદેશી BSNL 4G નેટવર્કનું આજે ઝારસુગાડા, ઓડિશા ખાતેથી લોન્ચિંગ


પ્રધાનમંત્રીશ્રીના 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરતો આ કાર્યક્રમ સ્વદેશીનો વિચાર તેમજ રાષ્ટ્રીય ગૌરવનો વિષય સાબિત થશે -કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા

પ્રધાનમંત્રીશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી - મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાની મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે વિશેષ ઉપસ્થિતિ

Posted On: 27 SEP 2025 5:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વદેશી BSNL 4G નેટવર્કનું આજે ઝારસુગાડા, ઓડિશા ખાતેથી  દેશ વ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ લોન્ચિંગ કાર્યક્રમમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા જોડાયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે BSNLની સિલ્વર જુબિલી અને ગુજરાતના 4 હજાર સહિત દેશભરમાં 92 હજારથી વધુ સ્વદેશી 4G ટાવરોના ઉદઘાટન પ્રસંગે શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે  આદ્યશક્તિની આરાધનાનું નવરાત્રી પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે પ્રધામંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની મોટી ભેટ આપી છે.

સિલ્વર જ્યુબિલી વર્ષમાં ભારત સંચાર નિગમ લિમિટેડ-BSNL દ્વારા પ્રધાનમંત્રીના આત્મ નિર્ભર ભારત વિઝનને પુષ્ટિ આપતાં 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ 14 હજાર કરતા વધુ સાઇટ્સ સહિત 97,500નવી 4G સાઇટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.

ગુજરાતમાં કાર્યરત થયેલા 4 હજાર 4G ટાવર માંથી 600 થી વધુ ટાવર  અતિ દુર્ગમ અને અંતરિયાળ તેમજ પહાડી અને આદિવાસી વિસ્તારોમાં કાર્યરત થવાના છે. આના પરિણામે રાજ્યના  છેવાડાના વિસ્તારોને પણ સ્વદેશી 4G કનેક્ટિવિટી મળશે.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની પ્રેરણાથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મતિથિથી  શ્રી વાજપેયીની જન્મજયંતી તા. 25 ડિસેમ્બર સુધી 'આત્મનિર્ભર ભારત અભિયાન અને હર ઘર સ્વદેશી’નું જન આંદોલન દેશભરમાં શરૂ થયું છે. સ્વદેશી 4G નેટવર્કના ઉદ્ઘાટનથી આ અભિયાનને વધુ વેગ મળ્યો છે.

તેમણે કહ્યું હતું કે,BSNLની ટેગ લાઇન છે “કનેક્ટિંગ ભારત” આ ટેગ લાઈન પ્રધાનમંત્રીના વિઝનને એકદમ સુસંગત છે. દેશમાં છેલ્લા 11 વર્ષમાં રોડ, રેલ, મેટ્રો ટ્રેન નેટવર્ક, એર નેટવર્ક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક અને સંચાર વગેરે નેટવર્કમાં ક્રાંતિકારી કદમ લ‌ઈને કનેક્ટિંગ ભારતને મૂર્તિમંત કર્યું છે.

પ્રધાનમંત્રીના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયાની સફળતાથી ભારતે વિશ્વમાં ગૌરવ મેળવ્યું છે. દેશમાં અનેક એવા ક્ષેત્રો છે જેમાં ભારત 'આયાતકારમાં થી નિકાસકાર' બન્યું છે. ડિફેન્સ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં અનેક નવા આયામો ખુલ્યા છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારતનું ટેલિકોમ ક્ષેત્ર પણ આવા જ 360 ડિગ્રી બદલાવનું સાક્ષી બન્યું છે. એક સમય હતો કે વિશ્વના દેશો ભારતને ટેલિકોમ માર્કેટ સમજતા હતા.હવે ભારતે વિશ્વ સ્તરે ટેલીકોમ ક્ષેત્રમાં સોલ્યુશન પ્રોવાઇડર અને  પાર્ટનરના રૂપમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

આ અવસરે કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્વદેશી 4G નેટવર્કનો લોન્ચિંગ કાર્યક્રમ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ છે. વધુમાં, આજે BSNLની 25મી વર્ષગાંઠની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતો આ કાર્યક્રમ સ્વદેશીનો વિચાર તેમજ રાષ્ટ્રીય ગૌરવનો વિષય છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે, સતત આગળ વધી રહ્યો છે અને નવા ભારતનું નિર્માણ થ‌ઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે આપણે વિકસિત ભારતના માર્ગ પર આગળ વધીએ છીએ, ત્યારે આપણે ફક્ત એક ક્ષેત્રમાં જ નહીં, પરંતુ ઘણા ક્ષેત્રોમાં આપણી આત્મનિર્ભરતાના સહભાગી બનીએ છીએ. એક સમય એવો હતો, કે ભારત સંરક્ષણ માટે દુનિયામાંથી બંદૂકની ગોળીઓ પણ આયાત કરતો હતો. જ્યારે આજે દેશના સંરક્ષણ સાધનો વિશ્વને નિકાસ કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત જ્યારે દેશમાં રસીની જરૂર હતી અને રસી સંશોધન વૈશ્વિક સ્તરે કરવામાં આવતું હતું. તેમજ સંશોધન પછી, રસીઓ ઓછામાં ઓછા પાંચ કે દસ વર્ષ પછી દેશમાં આવતી હતી. પરંતુ કોવિડ સમયગાળા દરમિયાન તા. 16vજાન્યુઆરી, 2021ના રોજ વિશ્વમાં પ્રથમ ડોઝ આપ્યાના એક મહિનાની અંદર ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. ભારતીય કંપનીઓ દ્વારા ઉત્પાદિત એક નહીં પરંતુ બે રસીઓ દેશમાં આપવામાં આવી હતી, જે વિશ્વને ખૂબ મોટો સંદેશ આપ્યો હતો, તેમ તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી માંડવીયાએ ટેકનોલોજી વિશે કહ્યું હતું કે, દેશને આગળ વધારવામાં ડિજિટલ ટેકનોલોજીનો ફાળો ખૂબ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાનાં વિઝન અંતર્ગત સમગ્ર દેશમાં અનેક 4G ટાવર લગાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ભારતની ભૌગોલિક પરિસ્થિતિ વિશે કહ્યું કે, દેશમાં ત્રણ હજાર કિલોમીટર લાંબી હિમાલયની પર્વતમાળા છે, 7 હજાર કિલોમીટરથી વધુ દરિયાકિનારો તેમજ કચ્છ અને રાજસ્થાનમાં વિશાળ રણ પણ છે. દેશમાં એક જ સમયે એક જગ્યાએ બરફ પડે છે, તો તે જ સમયે બીજી જગ્યાએ તાપમાન 50 ડિગ્રી હોય છે તેમજ અન્ય સ્થળે વરસાદ પણ પડે છે. આમ, દેશમાં આવા વિવિધતા ભરેલા વાતાવરણમાં પણ આપણી સ્વદેશી ટેકનોલોજી ખૂબ ઉપયોગી થઈ શકે છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, ડિજિટલ ઇન્ડિયાનો અર્થ એ છે કે દેશના ખેડૂતો તેમના ખેતરમાં ઉભા રહીને તેમના મોબાઇલ ફોન પર હવામાનનો નકશો જોઈ શકે અને દેશના કયા બજારમાં પાકનો વર્તમાન ભાવ શું છે તે જાણી  શકે છે.આ ઉપરાંત આપણા લાખો માછીમારો સમુદ્રમાં જાય છે, ત્યારે હવામાન ખૂબ મહત્વનું હોય છે. ડિજિટલ ટેકનોલોજીની મદદથી સમુદ્રમાં હવામાનની માહિતી તેમજ માછલી પકડવાની ક્ષમતા જેવા વિષયો પર માર્ગદર્શન મળી શકે છે.

આ ઉપરાંત દેશમાં ઘણા જંગલ વિસ્તારો અને આદિવાસી વિસ્તારો છે. ગુજરાતના ડાંગ જેવા દૂરના જિલ્લાઓમાં પણ બાળકો ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રાથમિક કે માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરી શકશે. આમ, ડિજિટલ ટેકનોલોજી જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરી શકે છે, તેમણે ઉમેર્યું હતું.

BSNL ગુજરાતના ચીફ જનરલ મેનેજર શ્રી ગોવિંદ કેવલાણીએ શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2000માં શરૂ કરવામાં આવેલ BSNL, તેના 25 વર્ષ પૂર્ણ કરીને સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરી રહ્યું છે.  પ્રધાનમંત્રીના સ્વદેશી 4G નેટવર્કના વિઝનના પરિણામે આજનો આ લોન્ચિંગ કાર્યક્રમ ભારતના દૂરસંચાર ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. લેન્ડલાઇન અને બ્રોડબેન્ડથી લઈને મોબાઇલ સેવા સુધી BSNLએ  દેશના દરેક નાગરિકને શહેરથી ગામડા સુધી જોડ્યો છે. આ 4G નેટવર્ક માત્ર આત્મનિર્ભરતાનું પ્રતીક નથી, પરંતુ ભારતને તે પાંચ દેશોની શ્રેણીમાં સ્થાપિત કરે છે જેમની પાસે પોતાનું ઘરેલું 4G દૂરસંચાર નેટવર્ક છે, તેમ તેમણે ઉમેર્યું હતું. BSNL ગુજરાતના ADG  શ્રી સંદિપ સાવરકરે આભાર વ્યક્ત કર્યો હતો.

'ગર્વ સે કહો યે સ્વદેશી હૈ' થીમ‌ સાથે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ITI લિમિટેડના CMD શ્રી રાજેશ રાય, રિલાયન્સ જીયોના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણી, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી વિક્રાંત પાંડે, DST સચિવ શ્રી પી. ભારતી, BSNLના અધિકારીશ્રી ઓ - કર્મચારીશ્રીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગુજરાત સહિત આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા.

ભારત સંચાર નિગમ લિમિટેડ આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ 9 જિલ્લાના ગામોમાંથી પદાધિકારીઓ- હોદેદારો તેમજ BSNLના ઉચ્ચ અધિકારીઓ -કર્મયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


(Release ID: 2172173) Visitor Counter : 18