પ્રધાનમંત્રીનું કાર્યાલય
'મન કી બાત'ના 126મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28.09.2025)
प्रविष्टि तिथि:
28 SEP 2025 11:48AM by PIB Ahmedabad
મારા વ્હાલા દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપ સૌ સાથે જોડાવું, આપ સૌ પાસેથી શીખવું, દેશના લોકોની ઉપલબ્ધિઓ વિશે જાણવું, વાસ્તવમાં મને ખૂબ જ સુખદ અનુભવ કરાવે છે. એક બીજા સાથે પોતાની વાતો વહેંચતા-વહેંચતા, મારા ‘મનની વાત’ કહેતાં, આપણને ખબર જ ન પડી કે આ કાર્યક્રમે 125મી કડી પૂરી કરી. આજે આ કાર્યક્રમની 126મી કડી છે અને આજના દિવસે કેટલીક વિશેષતાઓ પણ જોડાઈ છે. આજે ભારતની બે મહાન વિભૂતીઓની જયંતિ છે. હું જેની વાત કરી રહ્યો છું તેમનું નામ છે શહીદ ભગત સિંહ અને લતા દીદી.
મિત્રો,
અમર શહીદ ભગત સિંહ, દરેક ભારતવાસીઓ માટે, વિશેષ રૂપે દેશના યુવાનો માટે પ્રેરણાજનક છે. નિડરતા, તેમના સ્વભાવમાં અખૂટ હતી. દેશ માટે ફાંસીને માચડા પર લટકતા પહેલા ભગત સિંહજીએ અંગ્રેજોને એક પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે તમે મને અને મારા સાથીઓ સાથે યુદ્ધબંદી જેવો વ્યવહાર કરો. માટે અમારા પ્રાણ ફાંસીથી નહીં, પણ ગોળી મારીને લેવામાં આવે. આ વાત તેમના અદભૂત સાહસનું પ્રમાણ છે. ભગત સિંહજી લોકોની પીડા પ્રત્યે પણ ખૂબ સંવેદનશીલ હતા અને તેમને મદદ કરવા હંમેશા આગળ રહેતા. હું શહીદ ભગત સિંહજીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
સાથીઓ,
આજે લતા મંગેશકરની પણ જયંતિ છે. ભારતીય સંસ્કૃતિ અને સંગીતમાં રસ ધરાવનાર કોઈ પણ એમના ગીતોને સાંભળીને અભિભૂત થયા વગર ન રહી શકે. તેમના ગીતોમાં એ તમામ બાબત છે જે માનવીય સંવેદનાઓને ઝંકૃત કરે છે. તેમણે દેશભક્તિના જે ગીતો ગાયા, તે ગીતોએ લોકોને પ્રેરણા પૂરી પાડી. ભારતની સંસ્કૃતિ સાથે તેમનું જોડાણ ખૂબ ઊંડું હતું. હું લતા દીદી માટે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સાથીઓ, લતા દીદી જે મહાન વિભૂતીઓથી પ્રેરિત હતા તેમાં એક નામ વીર સાવરકરનું પણ છે, જેમને તેઓ તાત્યા કહેતા હતા. તેમણે વીર સાવરકરજીના કેટલાય ગીતોને પોતાના સૂરમાં પરોવ્યા છે.
લતા દીદી સાથે મારું સ્નેહનું બંધન હમેશા અકબંધ રહેશે. તેઓ મને ભૂલ્યા વગર દર વર્ષે રાખડી મોકલતા હતા. મને યાદ છે મરાઠી સુગમ સંગીતના મહાન વિભૂતી સુધીર ફડકેજીએ સૌથી પહેલા લતા દીદી મારો પરીચય કરાવ્યો હતો અને મેં લતા દીદીને કહ્યું હતું કે, મને તમારું ગાયેલું અને સુધીરજીએ સંગીતબદ્ધ કરેલું ગીત ‘જ્યોતિ કલશ છલકે’ ખૂબ પસંદ છે.
સાથીઓ, આપ સૌ પણ મારી સાથે આ ગીતનો આનંદ માણો....
(Audio)
મારા વ્હાલા દેશવાસીઓ, નવરાત્રીના આ પર્વમાં આપણે શક્તિની ઉપાસના કરીએ છીએ. આપણે નારી-શક્તિનો ઉત્સવ ઊજવીએ છીએ. બિઝનેસથી લઈને સ્પોર્ટ્સ સુધી અને એજ્યુકેશનથી લઈને સાયન્સ સુધી કોઈ પણ ક્ષેત્ર પસંદ કરો – દેશની દિકરીઓ દરેક ક્ષેત્રે પોતાનો ડંકો વગાડી રહી છે. આજે તેઓ એવાં પડકારને સફળતાપૂર્વક પૂરા કરી રહી છે, જેની કલ્પના કરવી પણ અઘરી છે. કદાચ, હું તમને સવાલ કરું કે, શું તમે સમુદ્રમાં સતત 8 મહિના સુધી રહી શકો! શું તમે સમુદ્રમાં સઢવાળી નૌકા, એટલે કે પવનના વેગથી આગળ વધતી નૌકાથી 50 હજાર કિલોમીટર સુધીની મુસાફરી કરી શકો , અને એ પણ ત્યારે, જ્યારે સમુદ્રનું હવામાન ક્યારેય પણ બગડવાની સંભાવના હોય! આવું કરતા પહેલા તમે હજાર વખત વિચારશો, પરંતુ ભારતીય નૌસેનાની બે બહાદુર ઓફિસર્સે નાવિકા સાગર પરિક્રમા દરમિયાન આવું કરી બતાવ્યું. તેમણે સમજાવ્યું કે, સાહસ અને દ્રઢ સંકલ્પ એટલે શું.
આજે હું ‘મન કી બાત’ના શ્રોતાઓને એ બંન્ને સાહસી ઓફિસર્સ સાથે મળાવવા માગું છું. એક છે લેફ્ટનન્ટ કમાન્ડર દિલના અને બીજા છે લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા. આ બંન્ને ઓફિસર્સ આપણી સાથે ફોનના માધ્યમથી જોડાયેલા છે.
પ્રધાનમંત્રી – હેલો.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – હેલો સર.
પ્રધાનમંત્રી – નમસ્કાર જી.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – નમસ્કાર સર.
પ્રધાનમંત્રી – મારી સાથે લોફ્ટન્નટ કમાન્ડર દિલના અને લેફ્ટન્નટ કમાન્ડર રૂપા બંન્ને, એકસાથે છો?
લેફ્ટન્નટ કમાન્ડર દિલના અને રૂપા – જી સર અમે બંન્ને એકસાથે છીએ.
પ્રધાનમંત્રી – તમને બંન્નેને નમસ્કારમ અને વણક્કમ.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – વણક્કમ સર.
લેફ્ટન્નટ કમાન્ડર રૂપા – નમસ્કાર સર.
પ્રધાનમંત્રી – સૌથી પહેલા દેશવાસીઓ તમારા બંન્ને વિશે જાણવા માંગે છે, જરા કહેશો.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – સર હું લેફ્ટન્નટ કમાન્ડર દિલના છું. અને હું ઇન્ડિયન નેવીમાં લોજીસ્ટિક કેડરમાં છું. હું વર્ષ 2014માં નેવીમાં કમીશન્ડ થઈ હતી સર, અને હું કેરલના કોઝીકોડની છું. સર મારા પિતાજી આર્મીમાં હતા અને મારા માતા હાઊસવાઇફ છે. મારા હસબન્ડ પણ ઇન્ડિયન નેવીમાં ઓફિસર છે સર, અને મારી બહેન એનસીસીમાં નોકરી કરે છે.
લેફ્ટન્નટ કમાન્ડર રૂપા – જય હિન્દ સર, હું લેફ્ટન્નટ કમાન્ડર રૂપા છું અને વર્ષ 2017થી મેં નેવલ આર્મમેન્ટ ઇન્સ્પેક્શન કેડર જોઇન કર્યું છે.
મારા પિતાજી તમિલનાડુના છે અને મારા માતાજી પુડુચેરીના છે. મારા પિતાજી એરફોર્સમાં હતા સર, એક્ચ્યુઅલી ડિફેન્સ જોઈન કરવા માટે મને તેમની પાસેથી જ પ્રેરણા મળી છે અને મારા માતાજી હોમમેકર હતા.
પ્રધાનમંત્રી – અચ્છા, દિલના અને રૂપા તમારી પાસેથી તમારી સાગર પરિક્રમાના અનુભવો વિશે જાણવા માંગુ છું. તમારા અનુભવો દેશ સાંભળવા માંગે છે. અને હાં, હું ચોક્કસપણે માનું છું કે આ બિલકુલ સરળ કાર્ય નહોતું, ખૂબ મુશ્કેલીઓ આવી હશે, જેને તમારે પાર કરવી પડી હશે.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – જી સર, હું તમને જણાવા માંગુ છું કે લાઈફમાં એક વખત એવી તક મળે છે જે આપણું જીવન બદલી દે છે. સર, આ circumnavigation અમારા માટે એક એવી તક હતી જે ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન ગવર્નમેન્ટે અમને આપી છે અને આ એક્સપિડીશનમાં અમે લગભગ 47 હજાર પાંચસો કિલોમીટર સેઈલ કર્યું, સર. અમે 2 ઓક્ટોબર 2024ના દિવસે ગોવાથી નિકળ્યા હતા અને 29 મે 2025ના દિવસે પરત ફર્યા. આ એક્સપિડીશન પૂરું કરવામાં અમને 238 દિવસ લાગ્યા, સર. અમે બંન્ને એકલા 238 દિવસ સુધી નૌકા પર હતા.
પ્રધાનમત્રી – હમ્મ હમ્મ
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – અને સર એક્સપિડીશન માટે અમે ત્રણ વર્ષથી તૈયારી કરી હતી, નેવિગેશનથી લઈને કોમ્યુનિકેશન ઇમરજન્સી ડિવાઇસને કેવી રીતે ઓપરેટ કરવી, ડાઈવિંગ કેવી રીતે કરવું અને નૌકામાં કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવે, જેમ કે મેડિકલ ઇમરજન્સી કે અન્ય, તો તેને કેવી રીતે મેનેજ કરવી, આ તમામ વિષય માટે ઇન્ડિયન નેવીએ અમને ટ્રેનિંગ આપી હતી સર, અને આ મુસાફરીની સૌથી મેમોરેબલ મોમેન્ટ હું જણાવવા માંગુ છું સર, અમે ભારતના ધ્વજને પોઈન્ટ નેમો (Point Nemo) પર ફરકાવ્યો સર. સર Point Nemo વિશ્વનું સૌથી રિમોટેસ્ટ લોકેશન પર છે, ત્યાંથી સૌથી નજીક કોઈ મનુષ્ય છે તો એ ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનમાં છે અને ત્યાં એક સેઈલ બોટમાં પહોંચનાર પહેલા ભારતીય અને પહેલા એશિયન અને વિશ્વના પહેલા મનુષ્ય, અમે બંન્ને છીએ સર, અને આ અમારા માટે ગૌરવની વાત છે સર.
પ્રધાનમંત્રી – વાહ, ખૂબ ખૂબ અભિનંદન તમને બંન્નેને.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – થેન્ક યુ સર.
પ્રધાનમંત્રી – તમારા સાથીદાર કંઈ કહેવા માંગે છે...
લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા - સાહેબ, હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે સેઇલ બોટ દ્વારા વિશ્વની પરિક્રમા કરનારા લોકોની સંખ્યા એવરેસ્ટ પર પહોંચનારા લોકોની તુલનામાં ઘણી ઓછી છે. અને વાસ્તવમાં, ફક્ત સેઇલ બોટ દ્વારા પરિક્રમા કરનારા લોકોની સંખ્યા અવકાશમાં ગયેલા લોકોની સંખ્યા જેટલી છે. કરવા માટે ખૂબ જ ઓછું છે.
પ્રધાનમંત્રી – ઓહ, આટલી કોમ્પલેક્ષ જર્ની માટે ખૂબ ટીમ વર્કની જરૂર હોય છે અને ત્યાં તો ટીમ તરીકે તમે બંન્ને જ ઓફિસર્સ હતાં. તમે લોકોએ કેવી રીતે મેનેજ કર્યું.
લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા - જી સર, આ મુસાફરી માટે અમારે બંન્નેએ એકસાથે મહેનત કરવી પડતી હતી અને જેમ લેફ્ટન્નટ કમાન્ડર દિલનાએ કહ્યું એમ, આ ઉપલબ્ધિ મેળવવા માટે અમે બંન્ને બોટ પર હતા અને અમે બોટ રિપેર કરતા હતા. ત્યાં હતા, અને એન્જિન મિકેનિક પણ હતા. સેઇલ-મેકર, મેડિકલ આસિસ્ટન્ટ, રસોઈયા, ક્લીનર, ડાઇવર, નેવિગેટર, અને આ બધી જ જવાબદારી એકસાથે નિભાવવી પડતી હતી. અને અમારી આ ઉપલબ્ધિ માટે ઈન્ડિયન નેવીનું સૌથી મોટું યોગદાન હતું. તેમણે અમને દરેક પ્રકારની ટ્રેનિંગ આપી છે. એક્ચ્યુઅલી સર, અમે ચાર વર્ષથી એકસાથે સેઈલ કરી રહ્યા છીએ, એટલે એકબીજાની સ્ટ્રેન્થ અને વિકનેસ પણ સારી રીતે જાણીએ છીએ. માટે અમે બધાને કહીએ છીએ કે અમે બોટ પર એક બોટ પરના સાધનો હતા જે ક્યારેય ફેઈલ ન થયા, એ અમારા બંન્નેનું ટીમ વર્ક હતું
પ્રધાનમંત્રી – અચ્છા, જ્યારે હવામાન ખરાબ થતું હતું, કેમકે સમુદ્રી દુનિયા તો એવી હોય છે, જ્યાં હવામાનનું કંઈ જ નક્કી નથી હોતું. તો તમે એવી સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરતા હતા.
લેફ્ટન્નટ કમાન્ડર રૂપા – સર, અમારી મુસાફરીમાં ખૂબ પ્રતિકૂળ પડકારો હતા. અમારે આ એક્સપીડિશનમાં અનેક ચેલેન્જિસ ફેસ કરવી પડી હતી. ખાસ કરીને, દક્ષિણ મહાસાગરમાં વાતાવરણ હંમેશા ખરાબ રહેતું હોય છે. અમારે ત્રણ તોફાનનો સામનો કરવો પડ્યો અને સર, અમારી બોટ માત્ર 17 મીટર લાંબી અને 5 મીટર પહોળી છે. તો ક્યારેક એવી લહેરો પણ આવતી હતી કે જે ત્રણ માળ ઊંચી હતી અને અમે ખૂબ જ ગરમી અને ખૂબ જ ઠંડી, બંન્નેનો આ મુસાફરીમાં સામનો કર્યો છે. સર, એન્ટાર્ટિકામાં જ્યારે અમે સેઈલ કરી રહ્યા હતા, ત્યારે અમારે ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ અને પ્રતિ કલાકે 90 કિલોમીટર હવા, આ બંન્નેનો એકસાથે સામનો કરવો પડતો હતો. અને ઠંડીથી બચવા માટે 6 થી 7 લેયર કપડા એક સાથે પહેરતા હતા અને દક્ષિણ મહાસાગરની મુસાફરી એવી જ રીતે 7 લેયર ક્લોથિંગ સાથે કરી. અને ક્યારેક અમે ગેસ સ્ટોવ ચાલુ કરીને હમારા હાથને ગરમ કરી લેતા હતા. સર, ક્યારેક તો એવી સ્થિતી પણ સર્જાઈ હતી કે જ્યારે હવા બિલકુલ ન હોય ત્યારે અમે સઢ નીચું કરીને એકની એક જગ્યાએ હાલકડોલક થતા રહેતા હતા. અને એવી પરિસ્થિતીમાં ખરેખર તો આપણી ધીરજની કસોટી લેવાતી હોય છે સર.
પ્રધાનમંત્રી – લોકોને આ સાંભળીને ખરેખર નવાઈ લાગશે કે આપણા દેશની દિકરીઓ કેટલું કષ્ટ ભોગવી રહી છે. આ પરિક્રમા દરમિયાન, તમે અલગ-અલગ દેશમાં રોકાતા હતા, ત્યાં કેવો અનુભવ થતો હતો, જ્યારે ભારતની દિકરીઓને લોકો જોતાં હતાં ત્યારે તેમનાં મનમાં પણ ઘણી બધી વાતો ઉદભવી હશે ને.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – જી સર, અમને ખૂબ સરસ અનુભવ થયો સર, અમે 8 મહિનામાં 4 સ્થાન પર રોકાયા હતા સર, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, પોર્ટસ્ટેનલી અને સાઉથ આફ્રિકા સર.
પ્રધાનમંત્રી – દરેક જગ્યાએ એવરેજ કેટલો સમય રોકાવું પડતું હતું ?
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – સર, અમે એક સ્થાન પર 14 દિવસનું રોકાણ કર્યું સર.
પ્રધાનમંત્રી – 1 સ્થાન પર 14 દિવસ?
લેફ્ટનન્ટ કમાન્ડર દિલના – કરેક્ટ સર, અને સર, અમે દુનિયાના દરેક ખૂણામાં ભારતીયોને જોયા સર, તેઓ ખૂબ જ એક્ટિવ રહીને અને કોન્ફિડન્સ સાથે, ભારતનું નામ ઉજાગર કરી રહ્યા છે. અને અમને એવું લાગ્યું કે તેઓ અમારી સક્સેસને પોતાની સક્સેસ માનતા હતા અને દરેક સ્થાને અમને અલગ-અલગ એક્સપીરિયન્સ થયાં. જેમ કે, ઓસ્ટ્રેલિયામાં, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટના સ્પીકરે અમને બોલાવ્યાં, આ વાતે જ અમને ખૂબ પ્રેરણા આપી સર, અને હંમેશા આવી જ ઘટનાઓ ઘટતી સર, અમને ખૂબ ગર્વ અનુભવાતો હતો. અને જ્યારે ન્યૂઝિલેન્ડમાં ગયા, ત્યારે માઓરી લોકોએ અમારું સ્વાગત કર્યું અને આપણી ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ રિસ્પેક્ટ બતાવ્યો સર, અને એક ઇમ્પોર્ટ્ન્ટ વાત છે સર, પોર્ટ સ્ટેનલી એક અંતરિયાળ ટાપુ છે સર, જે સાઉથ અમેરિકાની પાસે છે, જ્યાં ટોટલ પોપ્યુલેશન માત્ર ત્રણ હજાર પાંચસો છે સર, પણ ત્યાં અમે એક મિની ઇન્ડિયા જોયું અને ત્યાં 45 ભારતીય હતાં, તેમણે અમને પોતાના માન્યા અને અમને ઘર જેવો જ અનુભવ કરાવ્યો સર.
પ્રધાનમંત્રી – દેશની એવી દીકરીઓ માટે કે જેઓ તમારી જેમ કંઈક અલગ માંગે છે, તેમનાં માટે તમે શું સંદેશ આપવા માંગો છો.
લેફ્ટન્નટ કમાન્ડર રૂપા – સર, હું લેફ્ટન્નટ કમાન્ડર રૂપા બોલી રહી છું. હું તમારા માધ્યમથી સૌને કહેવાં માંગું છું કે મન લગાવીને મહેનત કરશો તો આ વિશ્વમાં કશુંજ અશક્ય નથી. તમે ક્યાંના છો, ક્યાં જન્મ થયો છે, તે મહત્વનું નથી. સર, અમારી બંન્નેની ઈચ્છા છે કે ભારતના દરેક યુવાન અને મહિલાઓ મોટા-મોટા સપનાઓ જુવે અને ભવિષ્યમાં દરેક દિકરીઓ અને મહિલાઓ ડિફેન્સમાં, સ્પોર્ટ્સમાં, એડવેન્ચરમાં પ્રવેશીને દેશનું નામ રોશન કરે.
પ્રધાનમંત્રી – દિલના અને રૂપા તમારા બંન્નેની વાતો સાંભળીને હું પણ રોમાંચનો અનુભવ કરી રહ્યો છું, કેટલું મોટુ સાહસ તમે ખેડ્યું છે.
તમને બંન્નેને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. તમારી મહેનત, તમારી સફળતા, તમારી અચિવમેન્ટ નિશ્ચિત રૂપે દેશના યુવાનો અને દેશની યુવતીઓને ખૂબ પ્રેરણા આપશે. આવી જ રીતે ભવિષ્યના પ્રયત્નો માટે તિરંગો ફરકાવતા રહેજો, તમને મારી અઢળક શુભેચ્છાઓ.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – થેન્ક્યુ સર.
પ્રધાનમંત્રી – ખૂબ ખૂબ ધન્યવાદ. વણક્કમ. નમસ્કારમ.
લેફ્ટન્નટ કમાન્ડર રૂપા – નમસ્કાર સર.
સાથીઓ,
આપણા તહેવાર, ઉત્સવો ભારતની સંસ્કૃતિને જીવંત રાખે છે. છઠ પૂજા આવો જ એક પવિત્ર તહેવાર છે, જે દિવાળી પછી આવે છે. સૂર્ય દેવને સમર્પિત આ મહાપર્વ ખૂબ જ વિશેષ છે. આ પર્વમાં આપણે ડૂબતા સૂર્યની પૂજા કરીએ છીએ, તેમની આરાધના કરીએ છીએ. છઠ માત્ર દેશના અલગ-અલગ સ્થાન પર જ ઉજવવામાં નથી આવતો, પણ સમગ્ર વિશ્વમાં તેની ઊજવણી થતી જોવા મળે છે. આજે આ એક ગ્લોબલ ફેસ્ટીવલ બની ગયો છે.
સાથીઓ,
મને આપને એ જણાવતાં આનંદ થાય છે કે ભારત સરકાર પણ છઠ પૂજા માટે એક વિશેષ પ્રયત્નોમાં જોડાઈ છે. ભારત સરકાર છઠ મહાપર્વને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસો યાદી એટલે કે યુનેસ્કોની સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સમાવેશ કરાવવાનો પ્રયત્નો કરી રહી છે. છઠ પૂજા જ્યારે યુનેસ્કોની યાદીમાં સમાવેશ પામશે ત્યારે વિશ્વના ખૂણે-ખૂણે વસતા લોકો તેની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરી શકશે.
સાથીઓ,
થોડાક સમય પહેલા ભારત સરકારના આવા જ પ્રયત્નોથી કલકત્તાની દુર્ગા પૂજા પણ યુનેસ્કોની આ લિસ્ટમાં સમાવિષ્ટ થઈ શકી છે. આપણે આપણા સાંસ્કૃતિક આયોજનોને આવી જ રીતે વૈશ્વિક ઓળખ અપાવીશું તો વિશ્વ પણ તેના વિશે જાણશે, સમજશે અને તેની ઉજવણીમાં સામેલ થવા આગળ આવશે.
સાથીઓ,
2 ઓક્ટોબરે ગાંધીજયંતિ છે. ગાંધીજીએ હંમેશા સ્વદેશીને અપનાવવા માટે પ્રયાસ કર્યા અને તેમાં ખાદી સૌથી મોખરે હતી. દુર્ભાગ્યવશ, સ્વતંત્રતા પછી, ખાદીની ચમક ઝાંખી થઈ રહી હતી, પરન્તુ છેલ્લા 11 વર્ષમાં ખાદી પ્રત્યે દેશવાસીઓનું આકર્ષણ ખૂબ વધ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખાદીના વેચાણમાં ખૂબ તેજી દેખાઈ છે. હું આપ સૌને આગ્રહ કરું છું કે 2 ઓક્ટોબરના દિવસે ખાદીનું કંઈક ખરીદજો, અને ગર્વથી કહેજો કે આ સ્વદેશી છે. તેને સોશિયલ મીડિયા પર #વોકલ ફોર લોકલ સાથે શેર પણ કરજો.
સાથીઓ,
ખાદીની જેમ જ આપણા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સેક્ટરમાં પણ ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. આજે આપણા દેશમાં એવાં અનેક ઉદાહરણ જોઈ શકાય છે, જે જણાવે છે કે પરંપરા અને ઇનોવેશનને એક સાથે જોડવામાં આવે, તો અદભુત પરિણામ મળી શકે છે. જેમ કે, એક ઉદાહરણ તમિલનાડુના યાઝ્હ નેચુરલ્સનું છે. અહીં અશોક જગદીશનજી અને પ્રેમ સેલ્વારાજજીએ કોર્પોરેટ નોકરી છોડીને એક નવી પહેલ કરી છે. તેમણે ઘાંસ અને કેળાનાં ફાઈબરથી યોગ મેટ બનાવી, હર્બલ રંગોથી કપડાં રંગ્યા, અને 200 પરિવારોને ટ્રેઇનિંગ આપીને તેમને રોજગાર પૂરા પાડયા.
ઝારખંડના આશીષ સત્યવ્રત સાહૂજીએ જોહરગ્રામ બ્રાન્ડના માધ્યમથી આદિવાસી વણાટ અને વસ્ત્રોને ગ્લોબલ રેમ્પ સુધી પહોચાડ્યું. તેમના પ્રયત્નોથી આજે ઝારખંડની સાંસ્કૃતિક ધરોહરને અન્ય દેશોના લોકો પણ ઓળખી રહ્યા છે.
બિહારના મધુબની જિલ્લાના સ્વીટી કુમારીજીએ સંકલ્પ ક્રિએશન શરૂ કર્યું છે. મિથિલા પેઈન્ટિંગને તેમણે મહિલાઓની આજીવિકાનું સાધન બનાવ્યું છે. આજે 500થી વધુ ગ્રામીણ મહિલાઓ તેમની સાથે જોડાયેલી છે અને આત્મનિર્ભરતાના માર્ગે છે. સફળતાની આ દરેક ગાથાઓ આપણને શીખવે છે કે આપણી પરંપરાઓમાં કમાણીના કેટલા બધા સાધન છુપાયેલા છે. જો સંકલ્પ દ્રઢ હોય, તો સફળતા આપણાથી દૂર નથી જઈ શકતી.
મારા વ્હાલા દેશવાસીઓ,
હવે થોડાંક દિવસોમાં જ આપણે વિજયાદશમી ઉજવીશું. આ વખતે વિજયાદશમી એક અલગ કારણથી ખૂબ વિશેષ છે. આ દિવસે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. એક શતાબ્દીની આ યાત્રા જેટલી અદભુત છે, તેટલી અભૂતપૂર્વ છે, તેટલી જ પ્રેરક પણ છે. આજથી 100 વર્ષ પહેલા જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી, ત્યારે દેશ શતાબ્દીઓથી ગુલામીની સાંકળમાં જકડાયેલો હતો. શતાબ્દીઓની આ ગુલામીએ આપણા સ્વાભિમાન અને આત્મવિશ્વાસને ખૂબ ઊંડી ઠેસ પહોંચાડી હતી. વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાની સામે ઓળખનું સંકટ ઊભું કરાઈ રહ્યું હતું. દેશવાસીઓ હીન-ભાવનાનો શિકાર બનવા લાગ્યા હતા. એટલા માટે દેશની સ્વતંત્રતાની સાથે-સાથે એ પણ મહત્વનું હતું કે દેશ વૈચારિક ગુલામીમાંથી સ્વતંત્ર બને.
એવા સમયે, પરમ પૂજ્ય ડૉ. હેડગેવારજીએ આ વિશે મંથન કર્યું અને પછી આ ભગીરથ કાર્યમાં તેમણે વર્ષ 1925માં વિજયાદશમીના પવિત્ર તહેવારે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ની સ્થાપના કરી. ડોક્ટર સાહેબના ગયા પછી પરમ પૂજ્ય ગુરુજીએ રાષ્ટ્રસેવાના આ મહાયજ્ઞને આગળ વધાર્યો. પરમ પૂજ્ય ગુરુજી કહેતા હતા – ‘રાષ્ટ્રાય સ્વાહા, ઇદં રાષ્ટ્રાય ઇદં ન મમ’ એટલે કે, આ મારું નથી, રાષ્ટ્રનું છે. આમાં, સ્વાર્થથી ઉપર ઊઠીને રાષ્ટ્ર માટે સમર્પણનો ભાવ રાખવાની પ્રેરણા છે. ગુરુજી ગોલવરકરજીના આ વાક્યે લાખ્ખો સ્વયંસેવકોને ત્યાગ અને સેવાનો માર્ગ બતાવ્યો. ત્યાગ અને સેવાની ભાવના અને અનુશાસનની શીખ, આ જ સંઘની સાચી શક્તિ છે. આજે RSS સો વર્ષથી, થાક્યા વગર, અટક્યા વગર, રાષ્ટ્રસેવાના કાર્યમાં જોડાયેલું છે. એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે, દેશમાં ક્યાંય પણ કુદરતી હોનારત થઈ હોય, RSSનાં સ્વયંસેવકો સૌથી પહેલાં ત્યાં પહોંચી જાય છે. લાખ્ખો સ્વયંસેવકોના જીવનના દરેક કાર્યો, દરેક પ્રયાસોમાં રાષ્ટ્ર પ્રથમ nation first ની આ ભાવના હંમેશા સર્વોપરી હોય છે. હું રાષ્ટ્રસેવાના મહાયજ્ઞમાં સ્વયંને સમર્પિત કરી રહેલાં દરેક સ્વયંસેવકને મારી શુભકામનાઓ પાઠવું છું.
મારા વ્હાલા દેશવાસીઓ,
આવતા મહિને 7 ઓક્ટોબરના દિવસે મહર્ષિ વાલ્મીકિની જયંતી છે. આપણે સૌ જાણીએ છીએ કે, મહર્ષિ વાલ્મીકિ ભારતીય સંસ્કૃતિનો કેટલો મોટો આધાર છે. મહર્ષિ વાલ્મીકિએ જ આપણને રામની અવતાર કથાઓમાંથી રામનો વિસ્તૃત પરીચય કરાવ્યો. તેમણે માનવતાને રામાયણ જેવો અદભુત ગ્રંથ આપ્યો.
સાથીઓ,
રામાયણનો પ્રભાવ તેમાં સમાવિષ્ટ ભગવાન રામના આદર્શો અને મૂલ્યોના કારણે છે. ભગવાન રામે સેવા, સમરસતા અને કરુણાથી સૌને ગળે લગાવ્યા હતા. એટલાં માટે આપણે જોઈએ છીએ કે, મહર્ષિ વાલ્મીકિના રામયણના રામ, માતા શબરી અને નિષાદરાજ સાથે જ પૂર્ણ બને છે. એટલા માટે સાથીઓ, અયોધ્યામાં જ્યારે રામમંદિરનું નિર્માણ થયું, ત્યારે સાથે જ, નિષાદરાજ અને મહર્ષિ વાલ્મીકિનું પણ મંદિર બનાવવામાં આવ્યું. મારો તમને સૌને આગ્રહ છે કે, તમે સૌ જ્યારે પણ અયોધ્યા રામલલાના દર્શને જાઓ ત્યારે મહર્ષિ વાલ્મીકિ અને નિષાદરાજ મંદિરના દર્શન જરૂર કરજો.
મારા વ્હાલા દેશવાસીઓ,
કલા, સાહિત્ય અને સંસ્કૃતિની સૌથી વિશેષ વાત એ હોય છે કે તે કોઈ પણ એક સીમામાં બંધાતી નથી. તેની સુવાસ દરેક સીમાઓને ઓળંગીને લોકોના મનને સ્પર્શે છે. હમણાં થોડાં દિવસો પહેલાં જ પેરિસના એક કલ્ચરલ ઇન્સ્ટિટ્યુટ ‘સૌન્ત્ખ મંડપા’એ 50 વર્ષ પૂરા કર્યા. આ સેન્ટરે ભારતીય નૃત્યને લોકપ્રિય બનાવવામાં બહોળું યોગદાન આપ્યું છે. તેની સ્થાપના મિલેના સાલવિનીએ કરી હતી. તેમને થોડાં વર્ષ પહેલાં જ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. હું ‘સૌન્ત્ખ મંડપા’ સાથે જોડાયેલ દરેક લોકોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ભવિષ્યના તેમના પ્રયાસો માટે શુભકામનાઓ પણ પાઠવું છું.
સાથીઓ,
હવે હું આપ સૌને બે નાનકડી ઓડિયો ક્લિપ સંભળાવું છું, ધ્યાનથી સાંભળજો.
#Audio Clip 1
હવે બીજી ઓડિયો ક્લિપ સાંભળો -
#Audio Clip 2
સાથીઓ,
આ અવાજ, સાક્ષી છે, એ વાતનો કે ભૂપેન હજારિકાજીના ગીતોથી કેવી રીતે દુનિયાના અલગ-અલગ દેશ એકબીજા સાથે જોડાય છે. શ્રીલંકામાં એક ખૂબ જ પ્રશંસનીય પ્રયાસ થયો છે. જેમાં ભૂપેનદાજીના પ્રતિષ્ઠિત ગીત ‘મનુહે-મનુહાર બાબે’નું શ્રીલંકાના કલાકારોએ સિંહલી અને તમિલ ભાષામાં અનુવાદ કર્યો છે. મેં તમને તેમનો જ ઓડિયો સંભળાવ્યો. થોડાંક દિવસો પહેલાં મને અસમમાં તેમના જન્મ શતાબ્દી ઉત્સવમાં સામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ખરેખર, તે એક યાદગાર કાર્યક્રમ હતો.
સાથીઓ,
અસમ, આજે જ્યારે ભૂપેન હજારીકાની જન્મ શતાબ્દીની ઊજવણી કરી રહ્યું છે, ત્યાં કેટલાક દિવસો પહેલા એક દુખદ સમય પણ આવ્યો હતો. જુબીન ગર્ગજીના આકસ્મિત નિધનથી લોકો શોકમાં છે.
જુબીન ગર્ગ એક લોકપ્રિય ગાયક હતા, જેમણે સમગ્ર દેશમાં પોતાની ઓળખ બનાવી હતી. અસમની સંસ્કૃતિ માટે તેમને ભારે લગાવ હતો. જુબીન ગર્ગ આપણા સ્મરણમાં હમેશા રહેશે અને તેમનું સંગીત આગામી પેઢીઓને મંત્રમુગ્ધ બનાવશે.
जुबीन गार्ग , आसिल
अहोमॉर हमोसकृतिर , उज्जॉल रत्नो ..
जनोतार हृदयॉत , तेयो हदाय जियाय , थाकीबो |
અર્થાત્
જુબીન અસમી સંસ્કૃતિના કોહિનુર હતા. એ ભલે હવે આપણી વચ્ચે શારીરિકરૂપે નથી પરંતુ આપણા હૃદયમાં હંમેશા રહેશે.
સાથીઓ,
થોડાંક દિવસો પહેલા આપણા દેશે એક મહાન વિચારક અને ચિંતક એસ.એલ.ભૈરપ્પાજીને ગુમાવ્યા. ભૈરપ્પાજી સાથે મારો વ્યક્તિગત સંપર્ક હતો અને અમારી વચ્ચે કેટલીય વાર અલગ-અલગ વિષયોં પર વિસ્તારથી વાતચીત પણ થતી હતી. તેમની રચનાઓ યુવાપેઢીના વિચારોને દિશા આપતી હતી. તેમની કન્નડ ભાષાની કેટલીય રચનાઓનાં અનુવાદ પણ ઉપલબ્ધ છે. તેમણે શીખવ્યું કે, પોતાના મૂળીયા અને સંસ્કૃતિ માટે ગર્વ કરવો કેટલું મહત્વપૂર્ણ કાર્ય છે. હું એસ.એલ.ભૈરપ્પાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને યુવાનો તેમની રચનાઓ વાંચે તેવો આગ્રહ કરું છું.
મારા વ્હાલા દેશવાસીઓ,
આગામી દિવસોમાં એક પછી એક ખુશીઓથી ભરપૂર તહેવારો આવશે. દરેક પર્વ પર આપણે ખૂબ ખરીદી કરીએ છીએ. અને આ વખતે તો ‘GST બચત ઉત્સવ’ પણ ચાલી રહ્યો છે.
સાથીઓ,
એક સંકલ્પ સાથે તમે તમારા તહેવારોને વિશેષ બનાવી શકો છો. જો આપણે નિશ્ચય કરીએ કે, આ વખતે તહેવારો માત્ર સ્વદેશી વસ્તુઓથી જ ઊજવીશું, તો જો જો હોં, આપણા ઉત્સવોની રોનક પણ અનેક ઘણી વધી જશે. ‘વોકલ ફોર લોકલl’ને ખરીદીનો મંત્ર બનાવજો. નિશ્ચય કરજો, હંમેશને માટે, દેશમાં જે તૈયાર થાય છે, તે જ ખરીદીશું. જેને દેશના લોકોએ બનાવી છે, તેવી જ ચીજવસ્તુઓ ઘરમાં લાવજો. જેમાં દેશના કોઈક નાગરિકની મહેનત છે, તેવી જ વસ્તુઓનો ઉપયોગ કરજો. જ્યારે આપણે આવું કરીશું ત્યારે આપણે માત્ર કોઈ વસ્તુ નહીં ખરીદીએ, આપણે કોઈક પરિવારની આશાઓને પણ ઘરે લાવીએ છીએ, કોઈ કારીગરની મેહનતનું સન્માન કરીએ છીએ, કોઈક યુવાન ઉદ્યોગ સાહસિકના સપનાઓને પાંખો આપીએ છીએ.
સાથીઓ,
તહેવારોમાં આપણે આપણા ઘરની સાફ-સફાઈમાં લાગી જઇએ છીએ. પરંતુ સ્વચ્છતા માત્ર ઘરની ચાર દિવાલો સુધી સીમિત નહીં રહે. ગલી, મહોલ્લા, બજાર, ગામડાઓ, દરેક જગ્યાની સ્વચ્છતા આપણી જવાબદારી બનવી જોઈએ.
સાથીઓ,
આપણે ત્યાં આ દરેક સમય ઉત્સવોનો સમય હોય છે અને દિવાળી એક રીતે તો મહા-ઉત્સવ બની જાય છે, હું આપ સૌને આગામી દિવાળીની ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું પરન્તુ આ સાથે ફરી એક વખત કહીશ કે આપણે આત્મનિર્ભર બનવાનું છે, દેશને આત્મનિર્ભર બનાવીને જ રહીશું અને તેનો માર્ગ સ્વદેશીથી જ આગળ વધે છે.
સાથીઓ,
આ વખતે ‘મન કી બાત’ માં બસ, આટલું જ. આવતા મહિને ફરીથી નવી ગાથાઓ અને પ્રેરણાઓ સાથે મુલાકાત થશે. ત્યાં સુધી, તમને સૌને શુભકામનાઓ. ખૂબ -ખૂબ ધન્યવાદ.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2172380)
आगंतुक पटल : 67
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Telugu
,
Manipuri
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam