માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે રાજસ્થાનના પત્રકાર પ્રતિનિધિમંડળે કરી શુભેચ્છા મુલાકાત


રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ મિશનને જન જન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું

Posted On: 30 SEP 2025 8:05PM by PIB Ahmedabad

ગુજરાતની મુલાકાતે આવેલા રાજસ્થાનના પત્રકાર પ્રતિનિધિમંડળે ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલશ્રીએ તમામ પત્રકારશ્રીઓને આવકાર્યા હતા તેમજ દરેકનો પરિચય પણ મેળવ્યો હતો.

આ મુલાકાત દરમ્યાન પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB), રાજસ્થાનના પ્રતિનિધિએ ગુજરાતમાં વિવિધ ઐતિહાસિક સ્થળો તેમજ વિકાસશીલ પ્રોજેક્ટની પ્રતિનિધિ મંડળે લીધેલી મુલાકાતથી રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા.

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય રાજસ્થાનના પત્રકારોને ગુજરાત સરકારની વિવિધ વિકાસ યોજનાઓ, ભારત સરકારના મુખ્ય કાર્યક્રમો અને રાજ્યમાં અમલી શ્રેષ્ઠ બાબતોથી પરિચિત કરાવવાનો હતો. પત્રકારોએ ગુજરાતના વિકાસ મોડેલ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રતિનિધિ મંડળને ગુજરાતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેમી કંડકટર પ્રોજેક્ટ અને બુલેટ ટ્રેન જેવા પ્રગતિશીલ કાર્યો વિશે માહિતી આપી હતી.

આ સાથે જ રાજ્યપાલશ્રીએ રાજસ્થાનના પત્રકાર પ્રતિનિધિ મંડળને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને જન જન સુધી પહોંચાડવા આહ્વાન કર્યુ હતુ. તેમણે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ જમીનની ફળદ્રુપતાની સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતુ.

આ મુલાકાત દરમિયાન, પત્રકારોએ રાજભવનના વાતાવરણ અને ગુજરાતની મહેમાનગતિની પ્રશંસા કરી હતી.  સાથે જ પ્રાકૃતિક કૃષિને પોતાના ક્ષેત્રમાં પ્રચલિત કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ મુલાકાત બંને રાજ્યો વચ્ચે માહિતી અને અનુભવોના આદાન-પ્રદાન માટે એક સકારાત્મક પગલું બની રહી.

SM/DK/JD


(Release ID: 2173330) Visitor Counter : 71