સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન 6 થી 10 ઑક્ટોબર સુધી, વિવિધ કાર્યક્રમોનું થશે આયોજન - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ભારતીય પોસ્ટના આધુનિકીકરણ અને નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન કરવામાં આવશે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
“વિશ્વ ડાક દિવસ” 9 ઓક્ટોબરે “#પોસ્ટ ફોર પીપલ લોકલ સર્વિસ, ગ્લોબલ રીચ” થીમ સાથે ઉજવાશે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
Posted On:
04 OCT 2025 6:32PM by PIB Ahmedabad
‘રાષ્ટ્રીય ડાક સપ્તાહ’ 6 થી 10 ઑક્ટોબર સુધી ઉજવાશે. આ દરમિયાન ડાક સેવાઓમાં થયેલા નવીનીકરણ અંગે જાગૃતિ અને ગ્રાહક આધારના વિસ્તરણ પર ભાર મુકવામાં આવશે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ વર્ષે ‘રાષ્ટ્રીય ડાક સપ્તાહ’નું આયોજન ડાક પ્રૌદ્યોગિકીના સુધારાને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે ભારતીય ડાકની આધુનિકતા અને નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તાજેતરમાં ડાક વિભાગ દ્વારા શરૂ કરાયેલ એડવાન્સ્ડ પોસ્ટલ ટેક્નોલોજી 2.0 ડાક નેટવર્કને ઝડપી, વધુ વિશ્વસનીય અને પારદર્શક સિસ્ટમમાં પરિવર્તિત કરી રહી છે. પરંપરાગત સેવાઓ સિવાય પોસ્ટઓફિસો દ્વારા નાગરિક કેન્દ્રિત તથા નાણાકીય સેવાઓ દેશના દરેક ખૂણામાં પહોંચાડવામાં આવી રહી છે. નાણાકીય સમાવેશ, ડિજિટલ સશક્તિકરણ અને અંતિમ છોર સુધી પહોંચ તેને વધુ મજબૂત બનાવી રહ્યા છે.
JKLU.jpeg)
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘રાષ્ટ્રીય ડાક સપ્તાહ’ દરમિયાન દરરોજ એક ખાસ ઉત્પાદન અથવા સેવાને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 6 ઑક્ટોબરે ટેકનોલોજી દિવસ, 7 ઑક્ટોબરે નાણાકીય સમાવેશ દિવસ, 8 ઑક્ટોબરે ફિલાટેલી અને નાગરિક કેન્દ્રિત સેવાઓ દિવસ, 9 ઑક્ટોબરે વિશ્વ ડાક દિવસ અને 10 ઑક્ટોબરે દેશભરમાં ગ્રાહક દિવસ ઉજવાશે. આ વર્ષે વિશ્વ ડાક દિવસની થીમ ‘#પોસ્ટ ફોર પીપલ, લોકલ સર્વિસ ગ્લોબલ રીચ’ રાખવામાં આવી છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘વિશ્વ ડાક દિવસ’નો હેતુ વિશ્વભરના લોકોના દૈનિક જીવન, વેપાર તથા સામાજિક અને આર્થિક વિકાસમાં ડાક સેવાઓની ભૂમિકા અંગે જાગૃતિ વધારવાનો છે. ‘એક વિશ્વ – એક ડાક પ્રણાલી’ની કલ્પનાને સાકાર કરવા માટે 9 ઑક્ટોબર, 1874ના રોજ સ્વિટ્ઝરલેન્ડના બર્ન શહેરમાં ‘યુનિવર્સલ પોસ્ટલ યુનિયન’ની સ્થાપના કરવામાં આવી હતી, જેથી સમગ્ર વિશ્વમાં એકરૂપ ડાક વ્યવસ્થા અમલમાં આવી શકે. ભારત પ્રથમ એશિયાઈ દેશ હતો, જે 1 જુલાઈ 1876ના રોજ આ સંસ્થાનો સભ્ય બન્યો હતો. બાદમાં, વર્ષ 1969માં જાપાનના ટોક્યો શહેરમાં યોજાયેલી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કોંગ્રેસમાં આ સ્થાપના દિવસ 9 ઑક્ટોબરને ‘વિશ્વ ડાક દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક સંચાલન અને ટેક્નોલોજી વિશે યુવાનોમાં વધુ સમજ વિકસાવવા માટે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ડાકઘર અને મેલ ઓફિસોની મુલાકાત માટે આમંત્રિત કરવામાં આવશે, જેથી તેઓ ડાક વ્યવસ્થાના મહત્વપૂર્ણ કાર્યો અને સમૃદ્ધ ઇતિહાસ વિશે માહિતી મેળવી શકે. અનેક ઇન્ટરએક્ટિવ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં ક્વિઝ, ડાક ટિકિટ ડિઝાઇન સ્પર્ધા, ‘ઢાઈ અખર’ પત્રલેખન સ્પર્ધા વગેરેનો સમાવેશ થાય છે. જથ્થાબંધ ગ્રાહકો માટે કસ્ટમર મીટનું પણ આયોજન કરવામાં આવશે, જેથી ગ્રાહકોને મેલ અને પાર્સલ સંબંધિત નવી નવી પહેલ ની માહિતી આપી શકાય. ડાકઘર નિર્યાત કેન્દ્ર ઉપર જાગૃતિ કાર્યક્રમ પણ યોજાશે, જેથી ODOP, GI અને MSME નિકાસકારોને વધુ સારી સેવાઓ પૂરી પાડવામાં આવી શકે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આગળ જણાવ્યું કે રાષ્ટ્રીય ડાક સપ્તાહ દરમિયાન નવી ટેક્નોલોજી પર આધારિત ક્વિઝ ડાકઘર અને રેલવે મેલ સર્વિસમાં યોજાશે. નાણાકીય સમાવીશ માટે શિબિર (સંપૂર્ણ સુકન્યા ગ્રામ પર કેન્દ્રિત), ડાક જીવન વીમા/આરપીઆઈએલઆઈ કેમ્પ, દરેક ઉપમંડળ અને પ્રધાન ડાકઘર ખાતે ‘ડાક ચોપાલ’, શાળાના બાળકોની મુલાકાત, ક્વિઝ, શાળામાં ‘ઢાઈ અખર પત્ર લેખન સ્પર્ધા’ (વિષય: મારા આદર્શને પત્ર), દીનદયાળ સ્પર્શ યોજનાને લગતા કેમ્પ, ફિલેટેલિક ચર્ચા, શાળાઓ તથા દૂરના વિસ્તારોમાં બેઝ કેમ્પ, ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ, ‘પોસ્ટાથોન વોક’ – રાષ્ટ્રવ્યાપી પગયાત્રા, ‘વોકલ ફોર લોકલ’ સંદેશના પ્રચાર માટેના કાર્યક્રમો અને ગ્રાહક વ્યવહાર પર આધારિત નાટિકા (નુક્કડ નાટક) પણ યોજવામાં આવશે.
(Release ID: 2174831)
Visitor Counter : 34