ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભાવનગર અને બોટાદની જનતા માટે ત્રણ નવી ડિજિટલ પહેલનો કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાનાં હસ્તે થયો શુભારંભ


જનતા અને જનપ્રતિનિધિ ડિજિટલ માધ્યમથી જોડાયેલા રહે તે ઉદેશ્યથી શરુ થઈ છે આ નવી પહેલ : કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા

સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નિમુબેન બાંભણીયાની એક વર્ષની કાર્યપ્રગતિ દર્શાવતું પુસ્તકનું વિમોચન

નમો પ્રગતિ શક્તિ પોર્ટલ, નમો જન સેતુ પોર્ટલ અને સાંસદ લોકસેતુ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઇ

Posted On: 06 OCT 2025 4:01PM by PIB Ahmedabad

ભાવનગર અને બોટાદના સાંસદ અને ગ્રાહકોની બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રિય રાજયકક્ષાના મંત્રી શ્રી નિમુબેન બાંભણીયા દ્વારા સાંસદ ડિજિટલ સેતુનો શુભારંભ તા. 6 ઓકટોબર 2025 ના રોજ યશવંતરાય નાટ્યગૃહ ભાવનગર ખાતે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નિમુબેન બાંભણીયાની એક વર્ષની કાર્યપ્રગતિ દર્શાવતું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કાર્યક્રમમાં નમો પ્રગતિ શક્તિ પોર્ટલ, નમો જન સેતુ પોર્ટલ અને મતદારો સાથે પારદર્શક અને સીધો સંપર્ક માટે સાંસદ લોકસેતુ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી.

ભાવનગર અને બોટાદનો વિકાસ એ આપણું સહિયારું લક્ષ્ય છે તેવું કહેતાં ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનીક વિતરણ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ નવી શરૂ કરેલ ત્રણ ડિજિટલ પહેલોને જનતા અને જન પ્રતિનિધિ વચ્ચેના સીધા સેતુ સમાન ગણાવી હતી. વધુમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું કે 21મી સદીમાં બદલાઈ રહેલું ભારત ડિજિટલ ઇન્ડિયા હેઠળ જનતા સાથે સીધું જોડાણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રીના દુરંદેશી દ્રષ્ટિકોણનું પરિણામ છે કે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી સરકારની વિભિન્ન યોજનાઓ અને સુવિધાઓનો લાભ દેશની જનતાને ત્વરિત, ઓછા સમયગાળામાં અને પારદર્શિતા સાથે  મળી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે નવી ટેકનોલોજીના માધ્યમથી કાર્ય વધુ સરળ અને સહજ બની રહ્યું છે ત્યારે આ નવી પહેલના ઉપયોગ થકી નાગરિકો તેમની ઇચ્છિત સુવિધાઓનો લાભ સત્વરે મેળવી શકશે સાથે જ તેમના વિસ્તારની સમસ્યાઓ તેમજ વિકાસલક્ષી કામોની રજૂઆત ડિજિટલ માધ્યમથી સરળતાથી કરી શકશે. વધુમાં તેમણે સાંસદ લોકસેતુ મોબાઈલ એપ્લિકેશનને લોકોના સાંસદ સાથેના જોડાણનાં સેતુ સમાજ ગણાવી હતી. જેનાથી તેમના સંસદીય મતવિસ્તારની જનતા સીધી જ તેમના જનપ્રતિનિધિ સાથે આ ડિજિટલ માધ્યમથી જોડાયેલ રહેશે.

આ તકે ભાવનગર મેયર શ્રી ભરતભાઈ બારડ, ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડયા, આગેવાન શ્રી કુમારભાઈ શાહ, આગેવાન શ્રી મયુરભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જેઠીબેન પાલજીભાઈ પરમાર, ભાવનગર ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, આગેવાનશ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.     


(Release ID: 2175354) Visitor Counter : 42
Read this release in: English