પ્રવાસન મંત્રાલય
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રથમવાર નવી દિલ્હી ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય “વાઇબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન”કાર્યક્રમ યોજાયો
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ પીએમના મુખ્ય સચિવ પી કે મિશ્રાની વિશેષ ઉપસ્થિતિ
Posted On:
07 OCT 2025 5:26PM by PIB Ahmedabad
રાજ્યમાં પ્રથમ વખત ગુજરાત પર્યટન વિભાગે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર કચેરીના સહયોગથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરદ પૂર્ણિમાના પાવન અવસરે “વાઇબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન” નામથી ભવ્ય પોસ્ટ-નવરાત્રિ ઉજવણીનું આયોજન કર્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ શ્રી પી.કે. મિશ્રા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ નવી દિલ્હીના વિનય માર્ગ સ્થિત સિવિલ સર્વિસિસ ઓફિસર્સ ઈન્સ્ટિટ્યૂટ (CSOI) ખાતે યોજાયો હતો, જેમાં અનેક અતિથિઓ અને ગણમાન્ય પ્રતિભાઓએ ગુજરાતની રંગતભરી સંસ્કૃતિમાં ઉમંગભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રખ્યાત બોલીવુડ ગાયિકા ભૂમિ ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા રજૂ કરાયેલ મોહક ગરબા પ્રદર્શન હતું, જેણે પોતાના ઊર્જાસભર અને આત્મીય સંગીતથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા.મહેમાનોએ પણ ગરબાના રંગમાં રંગાઈને મા શક્તિની આરાધના કરી હતી.

આ પ્રસંગે ગુજરાત પર્યટન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દિલ્હીમાં નવરાત્રીની ભાવના અને ગુજરાતની સંસ્કૃતિનો ઉત્સવ લાવીને તેમને ગર્વની અનુભૂતિ થઈ છે, તેમજ “પધારો ગુજરાત,જ્યાં જીવન એક ઉત્સવ છે'નો સંદેશ વધુ મજબૂત બનાવ્યો છે.
(Release ID: 2175889)
Visitor Counter : 18