ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ શ્રી સી.પી. રાધાકૃષ્ણને રાજ્યસભામાં તમામ રાજકીય પક્ષોના સદનનાં નેતાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી


સંવાદ, વિચાર-વિમર્શ, વાદ-વિવાદ અને ચર્ચા એ સંસદીય લોકશાહીના મૂળભૂત સિદ્ધાંત છે - શ્રી સી. પી. રાધાકૃષ્ણન

સભ્યોને જાહેર મહત્વના મુદ્દાઓ ઉઠાવવા માટે શૂન્ય કલાક, વિશેષ ઉલ્લેખ અને પ્રશ્નકાળ જેવા ઉપલબ્ધ સાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો

ભારતના બંધારણ અને રાજ્યસભાના નિયમોએ સંસદીય ચર્ચા માટે લક્ષ્મણ રેખા નક્કી કરી છે - શ્રી સી. પી. રાધાકૃષ્ણન

રાજ્યસભાના ઉપપ્રમુખ અને અધ્યક્ષે લક્ષ્મણ રેખાની અંદર તમામ સભ્યોના અધિકારોને જાળવી રાખવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી

ગૃહમાં દરરોજ, દરેક કલાક, દરેક મિનિટ, દરેક સેકન્ડનો ઉપયોગ લોકશાહીને મજબૂત બનાવવા માટે થવો જોઈએ

Posted On: 07 OCT 2025 8:22PM by PIB Ahmedabad

ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ શ્રી સી.પી. રાધાકૃષ્ણન આજે રાજ્યસભામાં તમામ રાજકીય પક્ષોના સદનનાં નેતાઓ સાથે તેમની પ્રથમ બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.

મંત્રીઓ સહિત સદનનાં 29 નેતાઓનું સ્વાગત કરતા, અધ્યક્ષે પદ સંભાળવા બદલ તેમના ઉત્સાહી સમર્થન અને અભિનંદન સંદેશાઓ બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આ જોઇને આનંદ થયો કે આટલી ટૂંકી સૂચના પર વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને એક ત્રિત થયા છે.

તેમના પ્રારંભિક સંબોધનમાં, અધ્યક્ષે એ વાત પર ભાર મુક્યો કે, રાજ્યસભાનું ગૌરવ, શિસ્ત અને શિષ્ટાચાર સાથે કાર્ય કરે, જેને તે લાયક છે. તેમણે જણાવ્યું કે સંવાદ, વિચાર-વિમર્શ, વાદ-વિવાદ અને ચર્ચા એ સંસદીય લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો છે.

જાહેર હિતના મુદ્દાઓ ઉઠાવવા માટે સભ્યોને ઉપલબ્ધ તકો પર પ્રકાશ પાડતા, અધ્યક્ષે શૂન્ય કલાક, ખાસ ઉલ્લેખ અને પ્રશ્નકાળને મહત્વપૂર્ણ સાધનો તરીકે વર્ણવ્યા જે સભ્યોને તાત્કાલિક જાહેર મહત્વના મુદ્દાઓ ઉઠાવવા સક્ષમ બનાવે છે.

તેમણે સભ્યોને યાદ અપાવ્યું કે ભારતનું બંધારણ અને રાજ્યસભા નિયમ પુસ્તિકા સંસદીય પ્રવચન માટે માર્ગદર્શક માળખા - લક્ષ્મણ રેખા - તરીકે કાર્ય કરે છે. અધ્યક્ષે આ માળખામાં તમામ સભ્યોના અધિકારોનું રક્ષણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને ગૃહની પવિત્રતા જાળવવા માટે દરેકની સહિયારી જવાબદારી પર ભાર મૂક્યો હતો.

તેમણે સૌ સભ્યોને લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે ગૃહના દરેક દિવસ, દરેક કલાક, દરેક મિનિટ અને દરેક સેકન્ડનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.

માનનીય ગૃહના નેતાએ વિચારોનું આદાન-પ્રદાન શરૂ કર્યું, ત્યારબાદ અન્ય નેતાઓએ પણ પોતાની વાત કરી હતી. ગૃહના નેતાએ ગૃહનું સંચાલન કરતી વખતે સંસદીય પ્રક્રિયાની સર્વોચ્ચ પરંપરાઓનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કાર્યવાહી સુગમ રીતે ચાલે તે માટે શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી. રાજકીય પક્ષોના નેતાઓએ ગૃહના સંચાલનમાં સંપૂર્ણ સહયોગ આપતાં માનનીય અધ્યક્ષને વિનંતી કરી કે તેઓ ગૃહમાં વિવિધ સંસદીય સાધનો, જેમ કે શૂન્ય કાળ, પ્રશ્નકાળ, ખાનગી સભ્યોની કાર્યવાહી (PMB), ટૂંકા ગાળાની ચર્ચા (SDD), ધ્યાન ખેંચવાની સૂચનાઓ (CAN), વગેરે દ્વારા વિરોધ પક્ષોને તેમના મંતવ્યો રજૂ કરવા માટે પૂરતી તક આપે. એવું સૂચન કરવામાં આવ્યું હતું કે દરેક પક્ષને પૂરતો સમય ફાળવવાનો પ્રયાસ કરવામાં આવે જેથી નાના પક્ષો તેમની મર્યાદિત સંખ્યાને કારણે પાછળ ન રહી જાય - જેના પર માનનીય અધ્યક્ષે ખાતરી આપી કે તેઓ એ બાબતે વિચાર કરશે.

આ બેઠક ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી અને તેમાં તમામ ગૃહોના નેતાઓ હાજર રહ્યા હતા. પોતાના સમાપન સંબોધનમાં, અધ્યક્ષે આગામી શિયાળુ સત્રને સામૂહિક પ્રયાસો અને ફળદાયી ચર્ચા-વિચારણાની તક ગણાવી હતી. તેમણે ખાતરી આપી હતી કે સભ્યો દ્વારા કરવામાં આવેલા તમામ મૂલ્યવાન સૂચનો પર યોગ્ય વિચારણા કરવામાં આવશે અને તમામ સભ્યોનો તેમની ભાગીદારી બદલ આભાર માન્યો હતો.

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2176126) Visitor Counter : 9