ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
વિકાસ સપ્તાહ અંતર્ગત ભાવનગર ખાતે કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને 'યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ' સમારંભ યોજાયો
પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ
સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા દ્વારા મધ્યમ વર્ગને આજે ઘર આંગણે જ રોજગારી મળી રહી છે: કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા
મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે 543 જેટલાં તાલીમાર્થીઓને રોજગાર પત્ર તેમજ પ્રોવિઝનલ પ્લેસમેન્ટ લેટર એનાયત
प्रविष्टि तिथि:
08 OCT 2025 5:19PM by PIB Ahmedabad
જનહિતકારી સુશાસનની જે ગાથા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી છે તેને જન જન સુધી ઉજાગર કરવાં સમગ્ર રાજ્યમાં તા. 7 ઓક્ટોબર થી તા. 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરના શ્રી અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે ભાવનગર અને બોટાદના સાંસદ તથા ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને તેમજ પશુપાલન અને મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં 'યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ' સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે રાજ્યના દરેક જિલ્લામાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજે નવું ભારત નવી વિકાસની નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લાખો લોકોને રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે જેનો લાભ આજે અનેક યુવાનોને મળી રહ્યો છે.
મંત્રીશ્રીએ નિમણૂંક પ્રમાણપત્ર મેળવનાર તમામને અભિનંદન આપતાં કહ્યું કે, રોજગારી મેળવવાનું આપનું જે સ્વપ્ન હતું તે ખરા અર્થમાં પરિપૂર્ણ થયું છે. રાજ્યના 50 હજારથી વધુ યુવાનોને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યાં છે. ભાવનગર જિલ્લાના 543 જેટલાં તાલીમાર્થી ભાઈઓ-બહેનોને પણ આજના અવસરે નિમણુંકપત્ર મળ્યાં હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 11 વર્ષના સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા જેવી નવીનત્તમ પહેલો અને વિશ્વકર્મા જેવી યોજનાઓ થકી મધ્યમ વર્ગને આજે ઘર આંગણે જ રોજગારી મળી રહી છે. જેના થકી નવા ભારતનો યુવાન આજે આત્મનિર્ભર બની રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સ્ટાર્ટઅપની સંખ્યામાં વધારો થયો છે. આજે ભારત વિશ્વનની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઇકોસિસ્ટમ બની છે. પ્રધાનમંત્રીશ્રીએ આપેલા મેક ઈન ઈન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોને કારણે ઈન્ડસ્ટ્રીઝ, ઈકોનોમિ અને સ્ટાર્ટઅપ સહિતના સેક્ટર્સને વેગ મળ્યો છે. તેમણે સ્વદેશી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
76BQ.jpeg)
રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રોમાં સારા કામો થયાં છે. સરકારશ્રીની અનેક જન કલ્યાણકારી યોજનાઓ લોકોને ખૂબ જ ઉપયોગી બની રહી છે. સરકાર લોકોના સુખ દુઃખમાં હરહંમેશા પડખે રહી હોવાની પ્રતિબધ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.
ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડે કહ્યું હતું કે, સ્ટીલ ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા લાખો યુવાનો માટે રોજગારીના દ્વાર ખુલ્યાં છે. તેમણે યુવાનોને સ્વપ્ન જોવા, મહેનત કરવા અને કૌશલ્યને ઓળખવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે નવી નીતિઓના અમલથી ગુજરાત રોજગારી ક્ષેત્રે અગ્રેસર રહ્યું હોવાનું જણાવ્યું હતું.
મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને રોજગાર પત્ર તેમજ પ્રોવિઝનલ પ્લેસમેન્ટ લેટર એનાયત કરવાની સાથે ભાવનગર આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા MOU પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાવનગર આઈ.ટી.આઈ ખાતે નિરમા લિ. કંપની દ્વારા મેથ્સ લેબ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાશે.
પ્રારંભમાં આઈ.ટી.આઈના આચાર્ય સુશ્રી પુજાબેન રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સમારોહ દરમિયાન ઉપસ્થિત સૌએ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, અગ્રણી શ્રી દિવ્યેશભાઈ સોલંકી સહિત અધિકારીઓ- પદાધિકારીઓ, વિવિધ કંપનીઓના નોકરીદાતાઓ, વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં રોજગારના તાલીમાર્થી ભાઈઓ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
(रिलीज़ आईडी: 2176387)
आगंतुक पटल : 32