સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ભારતીય ડાક વિભાગ દ્વારા ‘વિશ્વ ડાક દિવસ’નું આયોજન, ‘ભારતીય ડાક : નાણાકીય સશક્તિકરણ અંતિમ છેડા સુધી’ પર વિશેષ આવરણ પ્રકાશિત
ડાક વિભાગ માત્ર સ્થાનિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ સંદેશાવ્યવહાર અને વ્યાપારમાં નિભાવી રહ્યું છે મહત્વપૂર્ણ ભૂમિકા — ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર
‘પોસ્ટ ફોર પીપલ, લોકલ સર્વિસ ગ્લોબલ રીચ’ થીમ સાથે મનાવવામાં આવ્યો ‘વિશ્વ ડાક દિવસ’ : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
प्रविष्टि तिथि:
09 OCT 2025 8:22PM by PIB Ahmedabad
ભારતીય ડાક વિભાગ દ્વારા ગુજરાતમાં ‘વિશ્વ ડાક દિવસ’નું ભવ્ય આયોજન 9 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું. આ વર્ષની થીમ ‘પોસ્ટ ફોર પીપલ – લોકલ સર્વિસ, ગ્લોબલ રીચ’ છે, જે ડાક સેવાઓની સ્થાનિક સ્તરથી વૈશ્વિક સ્તર સુધીની સશક્ત ભૂમિકા અને અસરકારકતાને ઉજાગર કરે છે. વિશ્વ ડાક દિવસના અવસર પર, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ ખાતે આવેલ ‘મેઘદૂતમ્’ સભાખંડમાં ગુજરાત પરિમંડલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર દ્વારા “ભારતીય ડાક : નાણાકીય સશક્તિકરણ અંતિમ છેડા સુધી” વિષય પર વિશેષ આવરણ તથા વિશ્વ ડાક દિવસની થીમ ‘પોસ્ટ ફોર પીપલ, લોકલ સર્વિસ, ગ્લોબલ રીચ’ પર વિશેષ વીરૂપણનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ, ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર શ્રી કૃષ્ણ કુમાર યાદવ, મહાપ્રબંધક (વિત્ત) ડૉ. રાજીવ કાંડપાલ, અને નિદેશક શ્રી સુરેખ રઘુનાથેન ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન સુકન્યા સમૃદ્ધિ યોજના, ડાક જીવન વીમા, અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના લાભાર્થીઓને પાસબુક અને પોલિસી બોન્ડ પણ પ્રદાન કરવામાં આવ્યા.
WLOL.jpeg)
આ અવસરે ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર જણાવ્યું કે, ડાક વિભાગ માત્ર સ્થાનિક સ્તરે સંચારનું સશક્ત માધ્યમ નથી, પરંતુ વૈશ્વિક સ્તર પર પણ પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. ‘ડાક સેવા એટલે જન સેવા’ના સિદ્ધાંતને અનુસરતા, વિભાગ સામાન્ય જનતાને પરંપરાગત ડાક સેવાઓ સાથે સાથે નાણાકીય સશક્તિકરણથી જોડાયેલી વિવિધ સેવાઓ પણ પૂરી પાડી રહ્યું છે અને એક સમર્પિત સેવા કેન્દ્ર તરીકે કાર્ય કરી રહ્યું છે. ડાક વિભાગ પરંપરાગત સેવાઓના આધુનિકીકરણ, ડિજિટલ સમાવેશ અને નાગરિક સુવિધાના ક્ષેત્રોમાં પણ અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે. સામાન્ય જનતા સાથેના જોડાણને કારણે જ તેને ‘ડાક ઘર’ તરીકે ઓળખવામાં આવે છે — એક એવું સ્થાન, જ્યાં લોકો આવીને ઘર જેવી આત્મીયતાનો અનુભવ કરે છે.
A6Y8.jpeg)
મહાપ્રબંધક (વિત્ત) ડૉ. રાજીવ કાંડપાલે જણાવ્યું કે, ડાક વિભાગે માત્ર ઐતિહાસિક પરિવર્તનોને નજીકથી જોયા નથી, પરંતુ દરેક યુગમાં સામાન્ય જનજીવનનો અભિન્ન ભાગ બનીને સમાજમાં પોતાની પ્રાસંગિકતા જાળવી રાખી છે. ડાક વિભાગે હંમેશાં સમય સાથે પગલા મિલાવતાં, પરંપરાગત સેવાઓને આધુનિક તકનીક સાથે જોડીને, જનતા ના વિશ્વાસ અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. આજના યુગમાં ડાક વિભાગ નાણાકીય સમાવેશ તથા લોજિસ્ટિક્સ સેવાઓના ક્ષેત્રોમાં પોતાની અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘વિશ્વ ડાક દિવસ’નો હેતુ વિશ્વભરના લોકોના દૈનિક જીવન, વેપાર તેમજ સામાજિક અને આર્થિક વિકાસમાં ડાક સેવાઓની ભૂમિકા વિશે જાગૃતિ વધારવો છે. ‘એક વિશ્વ – એક ડાક પ્રણાલી’ની સંકલ્પનાને સાકાર કરવા માટે 9 ઓક્ટોબર, 1874ના રોજ સ્વિટ્ઝર્લૅન્ડના બર્ન શહેરમાં “યુનિવર્સલ પોસ્ટલ યુનિયન” (UPU)ની સ્થાપના કરવામાં આવી હતી, જેથી સમગ્ર વિશ્વમાં એકરૂપ ડાક વ્યવસ્થા અમલમાં લાવી શકાય. ભારત પ્રથમ એશિયાઈ દેશ હતો, જે 1 જુલાઈ, 1876ના રોજ આ સંસ્થાનો સભ્ય બન્યો હતો. બાદમાં, 1969માં જાપાનના ટોક્યો ખાતે યોજાયેલી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કોંગ્રેસ દરમિયાન 9 ઓક્ટોબરને ‘વિશ્વ ડાક દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રી યાદવએ વધુમાં જણાવ્યું કે ‘એડવાન્સ્ડ પોસ્ટલ ટેક્નોલોજી 2.0’ દ્વારા ડાક વિભાગે પોતાની સેવાઓને આધુનિક યુગની ગતિ, પારદર્શિતા અને ગુણવત્તા સાથે જોડીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. જે ટેક્નોલોજી, પારદર્શિતા અને સેવા ગુણવત્તાના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે.
આ અવસરે સહાયક પોસ્ટમાસ્ટર જનરલ શ્રી શિવમ ત્યાગી, પ્રવર અધીક્ષક, રેલ ડાક સેવા, અમદાવાદ શ્રી પિયૂષ રજક, પ્રવર અધીક્ષક, અમદાવાદ શ્રી ચિરાગ મહેતા, તેમજ પ્રવર અધીક્ષક, ગાંધીનગર શ્રી શિશિર કુમાર ઉપસ્થિત રહ્યા. તે ઉપરાંત આઇપીપીબી આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી રણવીર સિંહ, ચીફ મેનેજર શ્રી અભિજીત ઝિભકાટે, સહાયક નિદેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી વી. એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, સહાયક લેખાધિકારી શ્રી ચેતન સૈન, શ્રી રામસ્વરૂપ મંગાવા, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી. જે. સોલંકી, સહાયક અધિક્ષક શ્રી આર ટી પરમાર, શ્રી અલ્કેશ પરમાર, શ્રી એચ. જે. પરીખ, શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી રોનક શાહ, નિરીક્ષક શ્રી વિપુલ ચડોતરા, શ્રી યથાર્થ દુબે, શ્રી યોગેન્દ્ર રાઠોડ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
(रिलीज़ आईडी: 2177038)
आगंतुक पटल : 40
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English