રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ગુજરાતમાં પ્રથમ વાર વલસાડ ખાતે આરપીએફનો 40 મો સ્થાપના દિવસ કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ઉજવાશે


મંત્રીશ્રી પરેડનું નિરિક્ષણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ પ્રશંસનીય સેવા આપનાર 41 જવાનોને પુરસ્કાર એનાયત કરશે

આ સમારોહમાં ટીમ આરપીએફ દ્વારા રજૂ થનાર મલખંમ શો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

Posted On: 12 OCT 2025 7:03PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ (RPF)નો 40મો સ્થાપના દિવસ તા. 13 ઑક્ટોબર, 2025ના રોજ વલસાડ સ્થિત RPFના પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાશે. ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. સંદર્ભે વલસાડ જિલ્લા મીડિયા કર્મીઓ સાથે આરપીએફ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઉજવણી વિશે માહિતગાર કર્યા હતા.

પશ્ચિમ રેલવેના આરપીએફના ઈન્સ્પેકટર જનર પ્રિન્સીપાલ ચીફ સિક્યુરિટી કમિશ્નરશ્રી અજય સદાણીએ જણાવ્યું કે, RPFના સ્થાપના દિવસની ઉજવણીના સમારોહમાં રેલવે સુરક્ષા દળના મહાનિર્દેશક અને રેલવે બોર્ડના અધિકારીઓ સહિત ભારતીય રેલવેના તમામ RPF અધિકારીઓ હાજર રહેશે. રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સવારે પરેડનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ સભાને સંબોધિત કરશે. પરેડ ટુકડીમાં રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF) પ્લાટૂન, RPF મહિલા પ્લાટૂન, કમાન્ડો પ્લાટૂન, ડોગ સ્ક્વોડ, સેગવે પ્લાટૂન અને RPF બેન્ડનો સમાવેશ થશે. પરેડ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પ્રશંસનીય સેવા બદલ પુરસ્કાર વિજેતાઓને મંત્રીશ્રીના હસ્તે પ્રતિષ્ઠિત પુરસ્કારો અર્પણ કરાશે. સમારોહનું મુખ્ય આકર્ષણ ટીમ RPF દ્વારા રજૂ થનારો મલખંમ શો રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રેલવે મંત્રીશ્રી મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે.

RPFના ગૌરવશાળી યોગદાન વિશે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેકે જણાવ્યું કે, ભારત સરકારના રેલ્વે મંત્રાલય હેઠળ RPF 1985માં માન્યતા પામ્યું હતું. સામાન્ય રીતે સ્થાપના દિવસ મોટે ભાગે દિલ્હીમાં યોજાતો હોય છે પરંતુ હવેથી દેશમાં આવેલા આરપીએફના કુલ 9 ટ્રેનિંગ સેન્ટરોમાં રોટેશન મુજબ દર વર્ષે સ્થાપના દિવસ ઉજવાશે, ગુજરાતમાં પ્રથમવાર વલસાડના આરપીએફ ટ્રેનિંગ સેન્ટર ખાતે સ્થાપના દિવસ ઉજવાવવા જઈ રહ્યો છે તે ગૌરવની ક્ષણ બની રહેશે. સ્થાપના દિવસ રેલવેના લાખો મુસાફરો અને રેલ્વે સંપત્તિનું રક્ષણ કરનારા RPF કર્મચારીઓના અતૂટ સમર્પણ, બહાદુરી અને બલિદાનનું સન્માન કરે છે. પ્રસંગે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને જીવન બચાવ મેડલ જેવા કુલ 41 પુરસ્કારો એનાયત કરવામાં આવશે. આશરે 75000 કર્મચારીઓની સંખ્યા ધરાવતું RPF 'યશો લાભસ્વ' (ગૌરવ પ્રાપ્ત કરો)ના ઉમદા સૂત્ર સાથે મુસાફરોની સુરક્ષા અને સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

પ્રેસ કોન્ફરન્સમાં વલસાડ જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ તેમજ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના પીઆરઓ સુનિલ સિંઘ અને વડોદરા ડિવિઝનના પીઆરઓ અનુભવ સક્સેના ઉપસ્થિત રહ્યા હતા.


(Release ID: 2178158) Visitor Counter : 43