નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે રાજયભરમાં શિબિરોનું આયોજન


"आपकी पूँजी, आपका अधिकार" ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો પર રાષ્ટ્રવ્યાપી ઝુંબેશની શરૂઆત ગુજરાતના ગાંધીનગરથી કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા શરૂ કરવામાં આવી હતી જે હવે જિલ્લા કક્ષાએ આગળ ધપાવવામાં આવી રહી છે

પ્રથમ તબક્કામાં 6 જિલ્લામાં શિબિરનું આયોજન કરવામાં આવશે

Posted On: 14 OCT 2025 7:16PM by PIB Ahmedabad

રાજ્યમાં અગ્રણી જિલ્લા બેંક દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે પ્રથમ તબક્કામાં ગુજરાતમાં કુલ 6 જિલ્લાઓ ગાંધીનગર, ભાવનગર, જામનગર, ભરુચ, નવસારી અને વલસાડમાં ગુરુવારે તારીખ 16મી ઓકટોબરના રોજ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જે શિબિરમાં નાણાકીય સેવા વિભાગ ભારત સરકારના પ્રતિનિધિઓ, જિલ્લા પ્રતિનિધિ, ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓ, અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. શિબિરમાં જે લોકોના દાવા વગરના નાણાં નાણાકીય સંસ્થાઓમાં (દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શન) પડ્યા છે, તેવા તમામ લોકોને ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.

ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેશભરમાં 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025ના સમયગાળા દરમિયાન એક વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ શિબિરોમાં લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારોને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી આપવામાં આવશે અને રકમના યોગ્ય હકદારને મૂડી પાછી મળે તેવા પ્રયાસ આ શિબિરો દ્વારા કરવામાં આવશે. આ જિલ્લા કક્ષાની શિબિરોમાં જોડાવા લોકોને નમ્ર વિનંતી છે.


(Release ID: 2179075) Visitor Counter : 59