સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રીએ સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાને પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલના માનદ પદનું ઔપચારિક ચિહ્ન અર્પણ કર્યું
લેફ્ટનન્ટ કર્નલ (માનદ) નીરજ ચોપરા ભારતીય દ્રઢતા, દેશભક્તિ અને શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવાની ભાવનાનું પ્રતિક છે: શ્રી રાજનાથ સિંહ
Posted On:
22 OCT 2025 1:22PM by PIB Ahmedabad
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 22 ઓક્ટોબર, 2025ના રોજ સાઉથ બ્લોક, નવી દિલ્હી ખાતે આયોજિત પાઇપિંગ સમારોહ દરમિયાન સ્ટાર ભાલા ફેંક ખેલાડી અને બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલના માનદ પદનું વિશેષચિહ્ન ઔપચારિક રીતે અર્પણ કર્યું. લેફ્ટનન્ટ કર્નલ (માનદ) નીરજ ચોપરા અને તેમના પરિવારના સભ્યો સાથે સંવાદ કરતા, સંરક્ષણ મંત્રીએ તેમને ભારતીય દ્રઢતા, દેશભક્તિ અને શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવાની ભાવનાના પ્રતિક તરીકે વર્ણવ્યા.

શ્રી રાજનાથ સિંહે કહ્યું, “લેફ્ટનન્ટ કર્નલ (માનદ) નીરજ ચોપરા શિસ્ત, સમર્પણ અને રાષ્ટ્રીય ગૌરવના સર્વોચ્ચ આદર્શોનું પ્રતિક છે અને રમતગમત ક્ષેત્ર અને સશસ્ત્ર દળો બંનેમાં પેઢીઓ માટે પ્રેરણારૂપ છે.” આ પ્રસંગે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને ભારતીય સેના અને પ્રાદેશિક સેનાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

2016માં ભારતીય સેનામાં જોડાતા, લેફ્ટનન્ટ કર્નલ (માનદ) નીરજ ચોપરાએ ભારતીય સેનાના રાજપૂતાના રાઇફલ્સમાં સેવા આપી છે. 24 ડિસેમ્બર, 1997ના રોજ હરિયાણાના પાણીપત જિલ્લાના ખંડરા ગામમાં જન્મેલા, તેમણે આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સમાં તેમની નોંધપાત્ર સિદ્ધિઓ દ્વારા રાષ્ટ્ર અને સશસ્ત્ર દળો માટે અપાર ગૌરવ લાવ્યું છે.
નીરજ ચોપરાએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો હતો. તેમણે 2024 પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને 2023 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાનો પ્રભાવશાળી પ્રદર્શન જાળવી રાખ્યું હતું. તેમણે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ડાયમંડ લીગ ઇવેન્ટ્સમાં પણ અનેક ગોલ્ડ મેડલ જીત્યા છે. 90.23 મીટર (2025)નો તેમનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો ભારતીય રમતગમત ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ છે.
તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને રાષ્ટ્ર પ્રત્યેની અનુકરણીય સેવાની માન્યતામાં, લેફ્ટનન્ટ કર્નલ (માનદ) નીરજ ચોપરાને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા 16 એપ્રિલ, 2025ના રોજ પ્રાદેશિક સેનામાં માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. અગાઉ તેમને પદ્મશ્રી, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, અર્જુન પુરસ્કાર, પરમ વિશિષ્ઠ સેવા મેડલ અને વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

SM/GP/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2181533)
Visitor Counter : 13