પ્રધાનમંત્રીનું કાર્યાલય
'મન કી બાત'ના 127મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (26.10.2025)
Posted On:
26 OCT 2025 11:40AM by PIB Ahmedabad
મારા પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર. ‘મન કી બાત’માં આપ સહુનું સ્વાગત છે. પૂરા દેશમાં આ સમયે તહેવારોનો ઉલ્લાસ છે. આપણે બધાંએ કેટલાક દિવસ પહેલાં દિવાળી મનાવી છે અને અત્યારે મોટી સંખ્યામાં લોકો છઠ પૂજામાં વ્યસ્ત છે. ઘરમાં ઠેકુઆ બનાવવામાં આવી રહ્યા છે. ઠેકઠેકાણે ઘાટને સજાવવામાં આવી રહ્યા છે. બજારોમાં રોનક છે. દરેક બાજુ શ્રદ્ધા, પોતાનાપણું અને પરંપરાનો સંગમ દેખાઈ રહ્યો છે. છઠનું વ્રત રાખનારી મહિલાઓે જે સમર્પણ અને નિષ્ઠાથી આ પર્વની તૈયારી કરી રહી છે તે પોતાની રીતે જ બહુ પ્રેરણાદાયક છે.
સાથીઓ,
છઠનું મહા પર્વ સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની ગાઢ એકતાનું પ્રતિબિંબ છે. છઠના ઘાટો પર સમાજનો દરેક વર્ગ એક સાથે ઊભો હોય છે. આ દૃશ્ય ભારતની સામાજિક એકતાનું સૌથી સુંદર ઉદાહરણ છે. તમે દેશ અને દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, જો અવસર મળે તો છઠ ઉત્સવમાં અવશ્ય ભાગ લો. એક અનોખા અનુભવની પોતે જ અનુભૂતિ કરો. હું છઠી મૈયાને નમન કરું છું. બધા દેશવાસીઓને, વિશેષ રૂપે બિહાર, ઝારખંડ અને પૂર્વાંચલના લોકોને છઠ મહા પર્વની શુભકામનાઓ આપું છું.
સાથીઓ,
તહેવારોના આ અવસર પર મેં તમારા બધાના નામે પત્ર લખીને પોતાની ભાવનાઓ જણાવી હતી. મેં પત્રમાં દેશની તે ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું હતું જેનાથી આ વખતે તહેવારોની રોનક પહેલાંથી પણ વધુ થઈ ગઈ છે. મારા પત્રના ઉત્તરમાં મને દેશના અનેક નાગરિકોએ પોતાના સંદેશાઓ મોકલ્યા છે. ખરેખર, 'ઑપરેશન સિંદૂરે દરેક ભારતીયને ગર્વાન્વિત કરી દીધા છે. આ વખતે તે વિસ્તારોમાં પણ ખુશીઓના દીપક પ્રજ્વલિત કરવામાં આવ્યા જ્યાં ક્યારેક માઓવાદી આતંકનું અંધારું છવાયેલું રહેતું હતું. લોકો તેમનાં બાળકોના ભવિષ્યને સંકટમાં મૂકી દેનાર માઓવાદી આતંકને જડથી સમાપ્ત કરવા ઇચ્છે છે.
જીએસટી બચત ઉત્સવ માટે પણ લોકોમાં બહુ જ ઉત્સાહ છે. આ વખતે તહેવારોમાં એક બીજી સુખદ વાત જોવા મળી. બજારોમાં સ્વદેશી સામાનની ખરીદી જબરદસ્ત રીતે વધી છે. લોકોએ મને જે સંદેશ મોકલ્યા છે તેમાં જણાવ્યું છે કે આ વખતે તેમણે કઈ-કઈ સ્વદેશી ચીજોની ખરીદી કરી છે.
સાથીઓ,
મેં પોતાના પત્રમાં ખાવાના તેલમાં 10 ટકા ઘટાડો કરવાનો પણ આગ્રહ કર્યો હતો, તેના પર પણ લોકોએ બહુ સકારાત્મક વલણ અપનાવ્યું છે.
સાથીઓ,
સ્વચ્છતા અને સુઘડતાના પ્રયાસ, તેના પર પણ મને ઢગલો સંદેશા મળ્યા છે. હું તમને દેશના અલગ-અલગ શહેરોની વાત કહેવા માગું છું જે બહુ જ પ્રેરણાદાયક છે. છત્તીસગઢના અંબિકાપુર શહેરથી પ્લાસ્ટિકનો કચરો સાફ કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. અંબિકામાં ગાર્બેજ કાફે ચલાવવામાં આવી રહ્યાં છે. આ એવાં કાફે છે જ્યાં પ્લાસ્ટિકનો કચરો લઈને જવા પર ભરપેટ ભોજન ખવડાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ એક કિલો પ્લાસ્ટિકનો કચરો લઈને જાય તો બપોરે કે રાત્રે ભોજન મળે છે અને કોઈ અડધો કિલો પ્લાસ્ટિક લઈને જાય તો નાસ્તો મળે છે. આ કાફે અંબિકાપુર મહાનગરપાલિકા ચલાવે છે.
સાથીઓ,
આ જ પ્રકારનો કમાલ બેંગ્લુરુમાં એન્જિનિયર કપિલ શર્માજીએ કર્યો છે. બેંગ્લુરુ તળાવોનું શહેર કહેવાય છે. કપિલજીએ ત્યાં તળાવને નવું જીવન દેવાનું અભિયાન શરૂ કર્યું છે. કપિલજીની ટીમે બેંગ્લુરુ અને આસપાસના વિસ્તારોમાં ૪૦ કુવા અને છ તળાવોને ફરીથી જીવિત કરી દીધાં છે. વિશેષ વાત તો એ છે કે તેમણે પોતાના મિશનમાં કૉર્પોરેટ અને સ્થાનિક લોકોને પણ જોડ્યાં છે. તેમની સંસ્થા વૃક્ષારોપણના અભિયાન સાથે પણ જોડાયેલી છે. સાથીઓ, અમ્બિકાપુર અને બેંગ્લુરુ, આ પ્રેરક ઉદાહરણો બતાવે છે કે જો નિશ્ચય કરી લેવામાં આવે તો પરિવર્તન અવશ્ય થાય જ છે.
સાથીઓ,
પરિવર્તનના એક બીજા પ્રયાસનું ઉદાહરણ, હું તમારી સાથે વહેંચવા માગું છું. તમે બધાં જાણો છો કે જેમ પહાડો પર અને મેદાન વિસ્તારમાં જંગલ હોય છે, આ જંગલ માટીને બાંધી રાખે છે, આવું જ મહત્ત્વ સમુદ્ર કિનારે મેંગ્રૉવનું હોય છે. મેંગ્રૉવ સમુદ્રના ખારા પાણી અને કાદવવાળી જમીનમાં ઊગે છે અને સમુદ્રી જીવ-પર્યાવરણ સૃષ્ટિનો મહત્ત્વપૂર્ણ હિસ્સો હોય છે. સુનામી કે વાવાઝોડા જેવી આપદા આવે ત્યારે આ મેંગ્રૉવ ખૂબ જ સહાયક સાબિત થાય છે.
સાથીઓ,
ગુજરાતના વન વિભાગે મેંગ્રૉવના આ મહત્ત્વને સમજીને એક વિશેષ અભિયાન ચલાવ્યું છે. પાંચ વર્ષ પહેલાં વન વિભાગની ટુકડીઓએ અમદાવાદ નજીક ધોલેરામાં મેંગ્રૉવ લગાવવાનું કામ શરૂ કર્યું હતું અને આજે ધોલેરા તટ પર સાડા ત્રણ હજાર હૅક્ટરમાં મેંગ્રૉવ ફેલાઈ ગયાં છે. આ મેંગ્રૉવની અસર આજે પૂરા ક્ષેત્રમાં જોવા મળી રહી છે. ત્યાંની જીવ-પર્યાવરણ સૃષ્ટિમાં ડૉલ્ફિનની સંખ્યા વધી ગઈ છે. કરચલા અને બીજા જળ જીવો પણ પહેલાંથી વધુ થઈ ગયા છે. એટલું જ નહીં, હવે ત્યાં પ્રવાસી પક્ષી પણ ઘણી સંખ્યામાં આવી રહ્યા છે. તેનાથી ત્યાંના પર્યાવરણ પર સારો પ્રભાવ તો પડ્યો જ છે, ધોલેરાના માછીમારોને પણ ફાયદો થઈ રહ્યો છે.
સાથીઓ,
ધોલેરા ઉપરાંત ગુજરાતના કચ્છમાં પણ આ દિવસોમાં મેંગ્રૉવ રોપણ ખૂબ જ ગતિથી ચાલી રહ્યું છે. વળી, કોરી ક્રીકમાં 'મેંગ્રૉવ લર્નિંગ સેન્ટર' પણ બનાવવામાં આવ્યું છે.
સાથીઓ,
ઝાડ-પાનની, વૃક્ષોની એ જ તો વિશેષતા હોય છે. સ્થાન ભલે ગમે તે હોય, તે દરેક જીવ માત્રના કલ્યાણ માટે કામમાં આવે છે. એટલે જ તો, આપણા ગ્રંથોમાં કહેવાયું છે કે -
धन्या महीरूहा येभ्यो,
निराशां यान्ति नार्थिनः ||
અર્થાત્ તે વૃક્ષ અને વનસ્પતિઓ ધન્ય છે, જે કોઈને પણ નિરાશ નથી કરતાં. આપણે પણ જે વિસ્તારમાં રહેતા હોઈએ ત્યાં વૃક્ષારોપણ અવશ્ય કરવું જોઈએ. 'એક પેડ માં કે નામ' અભિયાનને આપણે હજું આગળ વધારવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ,
શું તમે જાણો છો કે 'મન કી બાત'માં આપણે જે વિષય પર ચર્ચા કરીએ છીએ, તેમાં મારા માટે સૌથી સંતોષની વાત શું હશે? તો હું તે વિશે એટલું જ કહીશ કે 'મન કી બાત'માં આપણે જે વિષયોની ચર્ચા કરીએ છીએ, તેનાથી લોકોને સમાજ માટે કંઈક સારું, કંઈક અનોખું કરવાની પ્રેરણા મળે છે. તેનાથી આપણી સંસ્કૃતિ, આપણા દેશના અનેક પાસાં ઉભરીને સામે આવે છે.
સાથીઓ,
તમારામાંથી ઘણાને યાદ હશે કે લગભગ પાંચ વર્ષ પહેલાં મેં આ કાર્યક્રમમાં ભારતીય જાતિના 'શ્વાન' અર્થાત્ ડૉગ્સની ચર્ચા કરી હતી. મેં દેશવાસીઓ સાથે આપણાં સુરક્ષા દળોને આગ્રહ કર્યો હતો કે તેઓ ભારતીય જાતિના 'શ્વાન'ને અપનાવે કારણકે તેઓ આપણા પરિવેશ અને પરિસ્થિતિઓને અનુરૂપ સરળતાથી ઢળી જાય છે. મને એ જણાવતા આનંદ થાય છે કે આપણી સુરક્ષા સંસ્થાઓએ તે દિશામાં ઘણા પ્રશંસનીય પ્રયાસો કર્યા છે.
બીએસએફ અને સીઆરપીએફે પોતાની ટુકડીઓમાં ભારતીય જાતિનાં શ્વાનોની સંખ્યા વધારી છે. શ્વાનોના પ્રશિક્ષણ માટે બીએસએફનું નેશનલ ટ્રેનિંગ સેન્ટર ગ્વાલિયરના ટેકનપુરમાં છે. ત્યાં ઉત્તર પ્રદેશના રામપુર હાઉંડ, કર્ણાટક અને મહારાષ્ટ્રના મુધોલ હાઉંડ તેના પર વિશેષ રૂપે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સેન્ટર પર ટ્રેનરો ટૅક્નૉલૉજી અને નવીકરણની સહાયથી શ્વાનોને વધુ સારી રીતે ટ્રેઇન કરી રહ્યા છે. ભારતીય જાતિવાળાં શ્વાનો માટે તાલીમી પુસ્તકોને ફરીથી લખવામાં આવ્યાં છે જેથી તેમની અનોખી શક્તિને આગળ લાવી શકાય. બેંગ્લુરુમાં સીઆરપીએફની ડૉગ બ્રીડિંગ ઍન્ડ ટ્રેનિંગ સ્કૂલમાં મોંગ્રેલ્સ, મુધોલ હાઉંડ, કોમ્બાઈ અને પાંડિકોના જેવા ભારતીય શ્વાનોને પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે.
સાથીઓ,
ગયા વર્ષે લખનઉમાં ઑલ ઇણ્ડિયા પોલીસ ડ્યુટી મીટનું આયોજન થયું હતું. તે સમયે, રિયા નામની શ્વાને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. આ એક મુધોલ હાઉંડ છે જેને બીએસએફે પ્રશિક્ષિત કરી છે. રિયાએ ત્યાં અનેક વિદેશી જાતિના શ્વાનોને પછાડીને પ્રથમ પુરસ્કાર જીત્યો હતો.
સાથીઓ,
હવે બીએસએફે પોતાનાં શ્વાનોને વિદેશી નામોના બદલે ભારતીય નામ આપવાની પરંપરા શરૂ કરી છે. આપણે ત્યાંના દેશી શ્વાનોએ અદ્ભુત સાહસ પણ દર્શાવ્યું છે. ગયા વર્ષે, છત્તીસગઢના માઓવાદ પ્રભાવિત રહેલા ક્ષેત્રમાં ચોકીમાં નિકળેલા સીઆરપીએફના એક દેશી શ્વાને આઠ કિલોગ્રામ વિસ્ફોટકને પકડી પાડ્યું હતું. બીએસએફ અને સીઆરપીએફે આ દિશામાં જે પ્રયાસ કર્યો છે તેના માટે હું તેમને અભિનંદન આપું છું. આમ તો મને, ૩૧ ઑક્ટોબરની પણ પ્રતીક્ષા છે. તે લોખંડી પુરુષ સરદાર પટેલની જયંતીનો દિવસ છે. આ અવસર પર દર વર્ષે ગુજરાતના એકતા નગરમાં 'સ્ટેચ્યૂ ઑફ યૂનિટી' પાસે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવે છે. અહીં એકતા દિવસની પરેડ થાય છે અને આ પરેડમાં ફરીથી ભારતીય શ્વાનોના સામર્થ્યનું પ્રદર્શન થશે. તમે પણ, સમય કાઢીને તેને જરૂર જોજો.
મારા પ્રિય દેશવાસીઓ,
સરદાર પટેલજીની 150મી જયંતીનો દિવસ પૂરા દેશ માટે એક ખૂબ જ વિશેષ અવસર છે. સરદાર પટેલ આધુનિક કાળમાં રાષ્ટ્રની સૌથી મહાન વિભૂતિઓમાંના એક રહ્યા છે. તેમના વિરાટ વ્યક્તિત્વમાં અનેક ગુણો એક સાથે સમાહિત હતા. તેઓ એક અત્યંત પ્રતિભાશાળી વિદ્યાર્થી રહ્યા. તેમણે ભારત અને બ્રિટન બંને જગ્યાએ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. તેઓ પોતાના સમયમાં સૌથી સફળ વકીલોમાંના એક હતા. તેઓ વકીલાતમાં વધુ નામ કમાઈ શકતા હતા, પરંતુ ગાંધીજીથી પ્રેરિત થઈને તેમણે પોતાને સ્વતંત્રતા આંદોલનમાં પૂરી રીતે સમર્પિત કરી દીધા. 'ખેડા સત્યાગ્રહ'થી લઈને 'બોરસદ સત્યાગ્રહ' સુધી અનેક આંદોલનોમાં તેમના યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે. અમદાવાદ નગરપાલિકાના પ્રમુખના રૂપમાં તેમનો કાર્યકાળ પણ ઐતિહાસિક રહ્યો હતો. તેમણે સ્વચ્છતા અને સુશાસનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. નાયબ પ્રધાનમંત્રી અને ગૃહ પ્રધાન તરીકે તેમના યોગદાન માટે આપણે બધાં સદૈવ તેમના ઋણી રહીશું.
સાથીઓ,
સરદાર પટેલે ભારતના અમલદારશાહી કાર્યમાળખાનો એક મજબૂત પાયો પણ નાંખ્યો. દેશની એકતા અને અખંડતા માટે, તેમણે અદ્વિતીય પ્રયાસો કર્યા. મારો આપ સહુને અનુરોધ છે કે 31 ઑક્ટોબરે સરદાર સાહેબની જયંતીએ દેશભરમાં થનારી રન ફૉર યૂનિટીમાં આપ પણ જરૂર સહભાગી થાવ- અને એકલા નહીં, બધાને સાથે લઈને સહભાગી થાવ. એક રીતે યુવા ચેતનાનો આ અવસર બનવો જોઈએ. એકતાની દોડ, એકતાને મજબૂતી આપશે. તે એ મહાન વિભૂતિ પ્રતિ આપણી સાચી શ્રદ્ધાંજલી છે, જેમણે ભારતને એકતાના સૂત્રમાં પરોવ્યું હતું.
મારા પ્રિય દેશવાસીઓ,
ચાની સાથે મારું જોડાણ તો આપ સહુ જાણો જ છો, પરંતુ આજે મેં વિચાર્યું કે 'મન કી બાત'માં શા માટે કોફી પર ચર્ચા ન કરવામાં આવે. આપને યાદ હશે, ગત વર્ષે આપણે 'મન કી બાત'માં અરાકુ કોફી પર વાત કરી હતી. કેટલાક સમય પહેલાં ઓડિશાના અનેક લોકોએ મને કોરાપુટ કોફી અંગે પોતાની ભાવનાઓ જણાવી હતી. તેમણે મને પત્ર લખીને કહ્યું કે 'મન કી બાત'માં કોરાપુટ કોફી પર પણ ચર્ચા થવી જોઈએ.
સાથીઓ,
મને જણાવવામાં આવ્યું છે કે કોરાપુટ કોફીનો સ્વાદ ગજબનો હોય છે અને એટલું જ નહીં, સ્વાદ તો સ્વાદ, કોફીની ખેતી પણ લોકોને ફાયદો પહોંચાડી રહી છે. કોરાપુટમાં કેટલાક લોકો એવા પણ છે, જે પોતાની ધગશના કારણે કોફીની ખેતી કરી રહ્યા છે. કૉર્પોરેટ દુનિયામાં સારી એવી નોકરી કરતા હતા, પરંતુ તેઓ કોફીને એટલી પસંદ કરે છે કે આ ક્ષેત્રમાં આવી ગયા અને હવે સફળતાથી તેમાં કામ કરી રહ્યા છે. એવી અનેક મહિલાઓ પણ છે, જેમના જીવનમાં કોફીથી સુખદ પરિવર્તન આવ્યું છે. કોફીથી તેમને સન્માન અને સમૃદ્ધિ બંને પ્રાપ્ત થયાં છે. સાચું જ કહેવામાં આવ્યું છે-
कोरापुट कॉफी अत्यंत सुस्वादु |
एहा ओडिशार गौरव |
(કોરાપુટ કોફી સાચે જ સ્વાદિષ્ટ છે.
તે ખરેખર ઓડિશાનું ગૌરવ છે.)
સાથીઓ,
દુનિયાભરમાં ભારતની કોફી ઘણી લોકપ્રિય થઈ રહી છે. પછી કર્ણાટકમાં ચિકમંગલુરુ હોય, કુર્ગ અને હાસન હોય. તમિળનાડુમાં પુલની, શેવરૉય, નીલગિરી અને અન્નામલાઈનાં ક્ષેત્રો હોય, કર્ણાટક-તમિળનાડુ સીમા પર બિલગિરી ક્ષેત્ર હોય કે પછી કેરળનું વાયનાડ, ત્રાવણકોર અને માલાબાર ક્ષેત્ર- ભારતની કોફીની વિવિધતાની વાત જ અનેરી છે. મને જણાવવામાં આવ્યું છે કે આપણું ઈશાન ભારત પણ કોફીની ખેતીમાં આગળ વધી રહ્યું છે. તેનાથી ભારતીય કોફીની ઓળખ દુનિયાભરમાં વધુ મજબૂત થઈ રહી છે - ત્યારે તો કોફીને પસંદ કરનારા કહે છે
India's coffee is coffee at its finest.
It is brewwed in India and loved by the world.
મારા પ્રિય દેશવાસીઓ,
હવે 'મન કી બાત'મા એક એવા વિષયની વાત, જે આપણા બધાનાં મનની ખૂબ જ નજીક છે. આ વિષય છે, આપણા રાષ્ટ્રગીતનો. ભારતનું રાષ્ટ્રગીત અર્થાત્ 'વંદે માતરમ્'. એક એવું ગીત જેનો પહેલો શબ્દ જ આપણા હૃદયમાં ભાવનાઓનો ઉમંગ લાવી દે છે. 'વંદે માતરમ્' આ એક શબ્દમાં કેટકેટલાય ભાવ છે, કેટલી ઊર્જા છે! સહજ ભાવમાં તે આપણને મા ભારતીના વાત્સલ્યનો અનુભવ કરાવે છે. તે આપણને મા ભારતીના સંતાનોના રૂપમાં આપણાં દાયિત્વોનો બોધ કરાવે છે. જો કઠણાઈનો સમય હોય તો 'વંદે માતરમ્'નો ઉદ્ઘોષ ૧૪૦ કરોડ ભારતીયોને એકતાની ઊર્જાથી ભરી દે છે.
સાથીઓ,
રાષ્ટ્રભક્તિ, મા ભારતી પ્રત્યે પ્રેમ, જો આ શબ્દોથી ઉપરની ભાવના છે તો 'વંદે માતરમ્' તે અમૂર્ત ભાવનાને સાકાર સ્વર દેનારું ગીત છે. તેની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જીએ સદીઓની ગુલામીથી શિથિલ થઈ ચૂકેલા ભારતમાં નવા પ્રાણ ફૂંકવા માટે કરી હતી.
'વંદે માતરમ્' ભલે 19મી સદીમાં લખાયેલું હતું પરંતુ તેની ભાવના ભારતની હજારો વર્ષ પ્રાચીન અમર ચેતના સાથે જોડાયેલી હતી. વેદોએ જે ભાવ સાથે 'માતા ભૂમિ: પુત્રો અહં પૃથિવ્યા:' (પૃથ્વી માતા છે અને હું તેણીનો બાળક છું) કહીને ભારતીય સભ્યતાનો પાયો નાંખ્યો હતો, બંકિમચંદ્રજીએ 'વંદે માતરમ્' લખીને માતૃભૂમિ અને તેનાં સંતાનોને તે જ સંબંધના ભાવ વિશ્વમાં એક મંત્રના રૂપમાં બાંધી દીધાં હતાં.
સાથીઓ,
તમે વિચારી રહ્યા હશો કે હું અચાનક જ કેમ 'વંદે માતરમ્'ની આટલી વાતો કરી રહ્યો છું. ખરેખર તો કેટલાક દિવસો પછી સાત નવેમ્બરે, આપણે 'વંદે માતરમ્'ના ૧૫૦મા વર્ષના ઉત્સવમાં પ્રવેશ કરવાના છીએ. 150 વર્ષ પૂર્વે 'વંદે માતરમ્'ની રચના થઈ હતી અને ૧૮૯૬ (અઢારસો છન્નુ)માં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે પહેલી વાર તેને ગાયું હતું.
સાથીઓ,
'વંદે માતરમ્'ના ગાનમાં કરોડો દેશવાસીઓએ સદા રાષ્ટ્ર પ્રેમના અપાર જુસ્સાને અનુભવ્યો છે. આપણી પેઢીઓએ 'વંદે માતરમ્'ના શબ્દોમાં ભારતના એક જીવંત અને ભવ્ય સ્વરૂપના દર્શન કર્યાં છે.
सुजलाम्, सुफलाम्, मलयज शीतलाम्
शस्यश्यामलाम्, मातरम् !
वंदे मातरम् !
આપણે આવું જ ભારત બનાવવાનું છે. 'વંદે માતરમ્' આપણા આ પ્રયાસોની સદા પ્રેરણા બનશે. આથી જ આપણે, 'વંદે માતરમ્'ના 150મા વર્ષને પણ યાદગાર બનાવવાનું છે. આવનારી પેઢી માટે આ સંસ્કાર સરિતાને આપણે આગળ વધારવાની છે. આવનારા સમયમાં 'વંદે માતરમ્' સાથે જોડાયેલા અનેક કાર્યક્રમ થશે. દેશમાં અનેક આયોજનો થશે. હું ઇચ્છીશ, આપણે બધા દેશવાસીઓ 'વંદે માતરમ્'ના ગૌરવગાન માટે સ્વત: સ્ફૂર્ત ભાવના સાથે પ્રયાસ પણ કરીએ. તમે મને પોતાનાં સૂચનો #VandeMataram150 સાથે અવશ્ય મોકલશો. #VandeMataram150. મને આપનાં સૂચનોની પ્રતીક્ષા રહેશે અને આપણે બધા આ અવસરને ઐતિહાસિક બનાવવા માટે કામ કરીશું.
મારા પ્રિય દેશવાસીઓ,
સંસ્કૃતનું નામ સાંભળતાં જ આપણાં મન મસ્તિષ્કમાં આવે છે - આપણા ધર્મગ્રંથ, 'વેદ', 'ઉપનિષદ', 'પુરાણ', 'શાસ્ત્ર', પ્રાચીન જ્ઞાન, વિજ્ઞાન, અધ્યાત્મ અને દર્શન. પરંતુ એક સમયે, આ બધાની સાથે 'સંસ્કૃત' વાતચીતની પણ ભાષા હતી. તે યુગમાં અધ્યયન અને સંશોધનો સંસ્કૃતમાં જ કરવામાં આવતાં હતાં. નાટ્યમંચન પણ સંસ્કૃતમાં થતું હતું. પરંતુ દુર્ભાગ્યથી ગુલામીના કાળખંડમાં પણ અને સ્વતંત્રતા પછી પણ સંસ્કૃત સતત ઉપેક્ષાનો શિકાર બની. આ કારણે યુવાન પેઢીઓમાં સંસ્કૃત પ્રત્યે આકર્ષણ પણ ઓછું થતું ગયું. પરંતુ સાથીઓ, હવે સમય બદલાઈ રહ્યો છે તો સંસ્કૃતનો સમય પણ બદલાઈ રહ્યો છે. સંસ્કૃત અને સૉશિયલ મીડિયાની દુનિયાએ સંસ્કૃતને નવો પ્રાણવાયુ આપી દીધો છે. આ દિવસોમાં અનેક યુવાન સંસ્કૃત માટે બહુ રોચક કામ કરી રહ્યા છે. તમે સૉશિયલ મીડિયા પર જશો તો તમને એવાં અનેક રીલ્સ જોવાં મળશે જ્યાં કેટલાક યુવાનો સંસ્કૃતમાં અને સંસ્કૃત વિશે વાત કરતા દેખાશે. અનેક લોકો તો પોતાની સૉશિયલ મીડિયા ચેનલ દ્વારા સંસ્દૃત શીખવાડે પણ છે. આવા જ એક યુવાન સર્જક છે- ભાઈ યશ સાળુંકે. યશની ખાસ વાત એ છે કે તે કન્ટેન્ટ ક્રિએટર પણ છે અને ક્રિકેટર પણ છે. સંસ્કૃતમાં વાત કરતા-કરતા ક્રિકેટ રમવાના તેમના રીલને લોકોએ ખૂબ પસંદ કર્યું છે. તમે સાંભળો-
(AUDIO BYTE OF YASH’s SANSKRIT COMMENTARY)
સાથીઓ,
કમલા અને જ્હાનવી આ બંને બહેનોનું કામ પણ શાનદાર છે. આ બંને બહેનો અધ્યાત્મ, દર્શન અને સંગીત પર કન્ટેન્ટ બનાવે છે. ઇન્સ્ટાગ્રામ પર એક બીજા યુવાનની ચેનલ છે- 'સંસ્કૃત છાત્રોહમ્'. આ ચેનલ ચલાવનારા યુવાન સાથી સંસ્કૃત સાથે જોડાયેલી જાણકારી તો આપે જ છે, તેઓ સંસ્કૃતમાં હાસ-પરિહાસના વિડિયો પણ બનાવે છે. યુવાનો સંસ્કૃતમાં બનાવાયેલા આ વિડિયોને પણ ખૂબ પસંદ કરે છે. તમારામાંથી અનેક સાથીઓએ સમષ્ટિના વિડિયો પણ જોયા હશે. સમષ્ટિ સંસ્કૃતમાં પોતાનાં ગીતોને અલગ-અલગ રીતે પ્રસ્તુત કરે છે. એક બીજા યુવાન છે ભાવેશ ભીમનાથની. ભાવેશ સંસ્કૃત શ્લોકો, આધ્યાત્મિક દર્શન અને સિદ્ધાંતો વિશે વાત કરે છે.
સાથીઓ,
ભાષા કોઈ પણ સભ્યતાનાં મૂલ્યો અને પરંપરાઓની વાહક હોય છે. સંસ્કૃતે આ કર્તવ્ય હજારો વર્ષ સુધી નિભાવ્યું છે. એ જોવું સુખદ છે કે હવે સંસ્કૃત માટે પણ કેટલાક યુવાનો પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ,
હવે હું તમને જરા ફ્લેશબૅકમાં લઈ જઈશ. તમે કલ્પના કરો, ૨૦મી સદીનો શરૂઆતનો કાળખંડ. ત્યારે દૂર-દૂર સુધી સ્વતંત્રતાની ક્યાંય કોઈ આશા દેખાતી નહોતી. સમગ્ર ભારતમાં અંગ્રેજોએ શોષણની બધી સીમાઓ લાંઘી દીધી હતી અને તે સમયમાં, હૈદરાબાદના દેશભક્ત લોકો માટે દમનનો તે સમયગાળો તેનાથી પણ ભયાવહ હતો. તેઓ ક્રૂર અને નિર્દયી નિઝામના અત્યાચારોને વેઠવા વિવશ હતા. ગરીબો, વંચિતો અને આદિવાસી સમુદાયો પર તો અત્યાચારની કોઈ સીમા જ નહોતી. તેમની જમીનો છિનવી લેવાતી હતી, સાથે જ ભારે કરવેરો પણ લગાવવામાં આવતો હતો. જો તેઓ તે અન્યાયનો વિરોધ કરતા, તો તેમના હાથ પણ કાપી નાખવામાં આવતા હતા.
સાથીઓ,
આવા આકરા સમયમાં લગભગ વીસ વર્ષનો એક નવયુવાન આ અન્યાય વિરુદ્ધ ઊભો થયો. આજે એક ખાસ કારણથી હું તે નવયુવાનની ચર્ચા કરી રહ્યો છું. તેનું નામ જણાવતા પહેલાં હું તેની વીરતાની વાત તમને કહીશ. સાથીઓ, તે સમયમાં જ્યારે નિઝામની વિરુદ્ધ એક શબ્દ પણ બોલવો અપરાધ હતો ત્યારે તે નવયુવાને સિદ્ધિકી નામના નિઝામના એક અધિકારીને ખુલ્લો પડકાર આપ્યો હતો. નિઝામે સિદ્દિકીને ખેડૂતોના પાકને જપ્ત કરવા મોકલ્યો હતો. પરંતુ અત્યાચારો વિરુદ્ધ આ સંઘર્ષમાં તે નવયુવાને સિદ્દિકીને મૃત્યુને ઘાટ ઉતારી દીધો હતો. તે ધરપકડથી બચવામાં પણ સફળ રહ્યો. નિઝામની અત્યાચારી પોલીસથી બચીને તે નવયુવાન ત્યાંથી સેંકડો કિલોમીટર દૂર આસામ આવી પહોંચ્યો.
સાથીઓ, હું જે મહાન વિભૂતિની ચર્ચા કરી રહ્યો છું તેનું નામ છે કોમરમ ભીમ. હજુ ૨૨ ઑક્ટોબરે જ તેમની જયંતી ઉજવાઈ છે. કોમરમ ભીમનું આયુષ્ય બહુ લાંબુ ન રહ્યું, તેઓ કેવળ 40 વર્ષ જ જીવિત રહ્યા, પરંતુ પોતાના જીવનકાળમાં તેમણે અગણિત લોકો, વિશેષ કરીને આદિવાસી સમાજના હૃદયમાં અમિટ છાપ છોડી. તેમણે નિઝામ વિરુદ્ધ સંઘર્ષ કરી રહેલા લોકોમાં નવી શક્તિ ભરી. તેઓ પોતાના રણનીતિક કૌશલ માટે જાણીતા હતા. નિઝામની સત્તા માટે તેઓ એક બહુ મોટો પડકાર બની ગયા હતા. 1940માં નિઝામના લોકોએ તેમની હત્યા કરી દીધી હતી. યુવાનોને મારો આગ્રહ છે કે તેઓ તેમના વિશે વધુમાં વધુ જાણવાનો પ્રયાસ કરે.
कोमरम भीम की…
ना विनम्र निवाली |
आयन प्रजल हृदयाल्लों...
एप्पटिकी निलिचि-वूँटारू |
(કોમરમ ભીમ જીને મારી વિનમ્ર શ્રદ્ધાંજલી,
તેઓ લોકોના હૃદયમાં સદાને માટે રહેશે.)
સાથીઓ,
આવતા મહિને 15મી તારીખે આપણે 'જનજાતીય ગૌરવ દિવસ' મનાવીશું. તે ભગવાન બિરસા મુંડાજીની જયંતીનો સુઅવસર છે. હું ભગવાન બિરસા મુંડાજીને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. દેશની સ્વતંત્રતા માટે, આદિવાસી સમુદાયના અધિકારો માટે, તેમણે જે કામ કર્યું તે અતુલનીય છે. મારા માટે એ સૌભાગ્યની વાત છે કે મને ઝારખંડમાં ભગવાન બિરસા મુંડાજીના ગામ ઉલિહાતુ જવાનો અવસર મળ્યો હતો. મેં ત્યાંની માટીને માથે લગાડી પ્રણામ કર્યા હતા. ભગવાન બિરસા મુંડાજી અને કોમરમ ભીમજીની જેમ જ આપણે ત્યાં આદિવાસી સમુદાયમાં અનેક બીજી વિભૂતિઓ થઈ છે. મારો અનુરોધ છે કે તમે તેમના વિશે અવશ્ય વાંચજો.
મારા પ્રિય દેશવાસીઓ,
'મન કી બાત' માટે મને તમારા દ્વારા મોકલાયેલા ઢગલાબંધ સંદેશાઓ મળ્યા છે. અનેક લોકો આ સંદેશાઓમાં પોતાની આસપાસના પ્રતિભાશાળી લોકો વિશે ચર્ચા કરે છે. મને વાંચીને ખૂબ જ આનંદ થાય છે કે આપણાં નાનાં શહેરો, નગરો, ગામોમાં પણ ઇન્નૉવેટિવ આઈડિયાઝ પર કામ થઈ રહ્યાં છે. જો તમે એવા વ્યક્તિ કે સમૂહોને જાણતા હો, જે સેવાની ભાવનાથી સમાજને બદલવામાં લાગેલાં હોય તો મને જરૂર જણાવજો. મને તમારા સંદેશાની દર વખતની જેમ પ્રતીક્ષા રહેશે. આગામી મહિને આપણે, 'મન કી બાત'ના એક વધુ એપિસૉડમાં મળીશું, કેટલાક નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી હું વિદાય લઉં છું.
તમારા સહુનો ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2182587)
Visitor Counter : 25
Read this release in:
Punjabi
,
Telugu
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam