ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીની પ્રેરણાથી કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પહેલ: ભાવનગરના દરિયાકાંઠે દર મહિને સ્વચ્છતા અભિયાન યોજાશે


દરિયાકાંઠાને પ્લાસ્ટિકમુક્ત બનાવવા દર મહિનાના છેલ્લા રવિવારે અભિયાન ચલાવવાનો સંકલ્પ

સ્વચ્છતા માત્ર કાર્યક્રમ નહીં, પરંતુ જન આંદોલન બને તે જ મુખ્ય ઉદ્દેશ્યઃ નિમુબેન બાંભણીયા

લોક સહયોગથી કુડા બીચ પર પ્લાસ્ટિક કચરો એકત્ર કરાયો, પર્યાવરણ જાળવણીના શપથ લેવાયા

Posted On: 26 OCT 2025 2:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સ્વચ્છતા અને પ્લાસ્ટિકમુક્ત અભિયાનની પ્રેરણાને આગળ ધપાવતા, ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ એક નવી પહેલ શરૂ કરી છે. આ પહેલ હેઠળ, ભાવનગર શહેર અને જિલ્લાના દરિયાકાંઠાને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે દર મહિનાના છેલ્લા રવિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.

આ અભિયાનના ભાગરૂપે, ઘોઘા તાલુકાના કુડા બીચ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં એક સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ અભિયાનનો પ્રારંભ કોળિયાકના દરિયાકાંઠેથી કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, "સ્વચ્છતા અભિયાન માત્ર એક કાર્યક્રમ પૂરતુ જ સિમિત ન રહે પરંતુ એક જન આંદોલન બને તે જ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીએ કોસ્ટલ બેઠકમાં દેશભરના સાંસદોને દરિયાકાંઠો પ્લાસ્ટિકમુક્ત બનાવવા અને દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ સાથે પર્યાવરણનું સંરક્ષણ કરવા સૂચન કર્યું હતું. આ સૂચનને વધાવી લઈને તેની અમલવારી માટે જ આ આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ લોક સહયોગથી આ અભિયાનને અસરકારક બનાવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ અભિયાનમાં ભાગ લેનારા લોકોએ બીચ પરથી પ્લાસ્ટિકનો કચરો, બોટલ, થેલીઓ અને અન્ય ઘન કચરો એકત્રિત કરીને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. આ કાર્યક્રમ દ્વારા સમુદ્ર અને સાગરીક જીવનનું મહત્વ સમજાવીને પ્લાસ્ટિકનો ઘટાડો કરવા માટે લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ લોકોએ દરિયા કિનારા તેમજ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા પંચાયતના સદસ્ય, સરપંચશ્રી સહિતના પદાધિકારીઓ, આગેવાનો, સિંધી સમાજ યુવા વિંગના સભ્યો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2182612) Visitor Counter : 17
Read this release in: English