સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

‘સતર્કતા: અમારી સંયુક્ત જવાબદારી’ થીમ સાથે ડાક વિભાગ દ્વારા મનાવવામાં આવી રહ્યો છે સતર્કતા જાગૃતિ સપ્તાહ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Posted On: 27 OCT 2025 10:06PM by PIB Ahmedabad

ડાક વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં સતર્કતા જાગૃતિ સપ્તાહનું 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2025 દરમિયાન આયોજન કરવામાં આવશે. ક્ષેત્રિય કચેરીમાં તેના પ્રારંભ પ્રસંગે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડાક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ‘સત્યનિષ્ઠા પ્રતિજ્ઞા’ અપાવી અને સત્યનિષ્ઠા તથા ઈમાનદારીપૂર્વક પોતની ફરજો નિભાવવાની પ્રેરણા આપી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે  “સતર્કતા: અમારી સંયુક્ત જવાબદારી” થીમનો સંદેશ આપતાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દરેક ક્ષેત્રમાં નીતિ આધારિત કાર્યપદ્ધતિઓને પ્રોત્સાહિત કરવા, ઈમાનદારી, સત્યનિષ્ઠા અને પારદર્શિતાને જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેવા, ભ્રષ્ટાચાર નિવારણ માટે અવિરત રીતે કાર્ય કરવા, પોતાના કાર્ય સંબંધિત નિયમો અને નિયમાવલીઓ વિશે જાગૃત રહેવા, પોતાના સંસ્થાના વિકાસ અને પ્રતિષ્ઠા પ્રત્યે સચેત રહેવા તેમજ સંબંધિત પક્ષો અને સમાજના અધિકારો તથા હિતોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા અપાવી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે સતર્કતા જાગૃતિ સપ્તાહ દર વર્ષે ‘સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ’ (31 ઓક્ટોબર)ના સપ્તાહમાં ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાનો અને જાહેર જીવનમાં ઈમાનદારી, પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહિત કરવાનો છે. આ સપ્તાહ નાગરિકોને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે અને શાસન તથા જાહેર વહીવટમાં નૈતિકતાની આવશ્યકતા અંગે જાગૃતિ વધારવાનું કાર્ય કરે છે.

સહાયક નિયામક શ્રી વારીસ એમ. વહોરાએ  જણાવ્યું કે સતર્કતા જાગૃતિ સપ્તાહ દરમિયાન અધિકારીઓ/કર્મચારીઓ માટે ભ્રષ્ટાચાર નિવારણ ઉપાયો અંગે વર્કશોપ, કર્મચારીઓ માટે ક્વિઝ અને વાદ-વિવાદ સ્પર્ધા, જનપરિવાદોનું નિરાકરણ કરવા માટે વિશેષ કેમ્પ તથા તાલુકા સ્તરે ભ્રષ્ટાચારના દૂષણો અંગે ગ્રામસભા જાગૃતિ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

આ પ્રસંગે સહાયક નિયામક શ્રી વારીસ એમ. વહોરા, શ્રી એમ.એમ. શેખ, વરિષ્ઠ હિસાબ અધિકારી શ્રીમતી પૂજા રાઠોર, સહાયક હિસાબ અધિકારી શ્રી ચેતન સૈન, શ્રી રામસ્વરૂપ મંગાવા, સહાયક અધીક્ષક શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા.


(Release ID: 2183157) Visitor Counter : 16
Read this release in: English