ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સરદાર પટેલ જન્મ જયંતી અંતર્ગત ભાવનગરમાં ‘રન ફોર યુનિટી’ દ્વારા રાષ્ટ્રીય એકતાની ઉજવણી

Posted On: 31 OCT 2025 2:59PM by PIB Ahmedabad

અખંડ ભારતના શિલ્પી, લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે 'રન ફોર યુનિટી' (Run for Unity) કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના હજારો નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

એકતા દોડને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા અને જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષકુમાર બંસલે રૂપાણી સર્કલ ખાતેથી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.

રાષ્ટ્રીય એકતાના અવસરને વધુ પ્રેરણાદાયી બનાવવા માટે, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યાએ સ્વયં દોડવીરો સાથે સમગ્ર રૂટ પર દોડીને ભાગ લીધો હતો અને સૌનો ઉત્સાહ વધાર્યો હતો. દોડના પ્રારંભ પૂર્વે, ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા, જેણે કાર્યક્રમના ઉદ્દેશને વધુ મજબૂત બનાવ્યો હતો.

રાષ્ટ્રીય કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ અને નાગરિકોનો બહોળો સહયોગ જોવા મળ્યો હતો. દોડમાં NCC કેડેટ્સ, પોલીસ સ્ટાફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, રમતવીરો, વિદ્યાર્થીઓ, ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ભાવનગરના નગરજનો જોડાયા હતા.

સફળ આયોજન દરમિયાન મ્યુનિસિપલ કમિશનર શ્રી ડૉ. એન. કે. મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર શ્રી ધવલ પંડ્યા સહિતના અનેક વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીશ્રીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય એકતાના સંદેશને સમર્થન આપ્યું હતું.

ભાવનગરના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમે માત્ર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ નહીં, પરંતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પને વધુ દ્રઢ બનાવ્યો હતો.

SM/IJ/GP/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2184581) Visitor Counter : 18