સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પોરબંદરમાં પ્રથમવાર 36મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક્સ અને સાઈકલીંગ ટુર્નામેન્ટનો થયો ભવ્ય શુભારંભ


“જીત-હારથી ઉપર ઉઠીને જે ખેલાડી ખેલભાવના જાળવે છે, તે જ સાચો વિજેતા છે.” - શ્રી શૈલેષકુમાર

Posted On: 01 NOV 2025 7:54PM by PIB Ahmedabad

પોસ્ટ માસ્ટર જનરલ, રાજકોટ વિભાગ તથા ગુજરાત પોસ્ટલ સર્કલ સ્પોર્ટ્સ બોર્ડ, ભારતીય ટપાલ વિભાગના સંયુક્ત આયોજને સરદાર પટેલ સ્પોર્ટ સંકુલ પોરબંદર ખાતે પ્રથમવાર 36મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક્સ અને સાઈકલીંગ ટુર્નામેન્ટ 2025-26નું ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પેરા એથલેટિક્સના ગોલ્ડ મેડલિસ્ટ શ્રી શૈલેષકુમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ખેલાડીઓએ પોતાના આંતરિક શક્તિ પર વિશ્વાસ રાખી સીમાઓને ચુનોતી આપવી જોઈએ. તેમણે ગુજરાતને પોતાની કર્મભૂમિ ગણાવી અને ડાક વિભાગના રમતવીરોને તેમની સરકારી ફરજ અને રમતની બેવડી ભૂમિકાની જવાબદારીની પ્રશંસા કરી હતી.

વધુમાં તેમણે શારીરિક તથા માનસિક સ્થિરતાના સંકલન રૂપે એથલેટિક્સને વર્ણવતા તેમણે દરેક રમતવીરને વિજેતા ગણાવ્યા હતા અને અનુશાસન, આત્મવિશ્વાસ તથા ભાઈચારા સાથે ટુર્નામેન્ટને સફળ બનાવવા સૌને પ્રેરણા આપી હતી.

આ અવસરે પોસ્ટ માસ્ટર જનરલ, રાજકોટ શ્રી દિનેશ કુમાર શર્માએ પૂજ્ય બાપુની જન્મભૂમિ પોરબંદરમાં રાષ્ટ્રીય સ્તરની આ ટુર્નામેન્ટનું આયોજન થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતીય ટપાલ વિભાગ વિશ્વની સૌથી મોટી અને વિશ્વસનીય ડાક વ્યવસ્થા છે, જે દેશની વિવિધતામાં એકતાનું પ્રતીક છે. તેમણે ખેલાડીઓને હાર-જીતની પરવા કર્યા વિના ખેલભાવના અને ભાઈચારા સાથે રમવા પ્રોત્સાહન આપ્યું હતું.

ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ, રાજકોટ શ્રી એસ. શિવરામે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું હતું કે પૂજ્ય બાપુની જન્મભૂમિ અને ભક્ત સુદામાની તપોભૂમિ પોરબંદર ખાતે 36મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક્સ અને સાઈકલીંગ ટુર્નામેન્ટનું આયોજન સૌ માટે ગૌરવની ક્ષણ છે. તેમણે ત્રણ દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધાના કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરી હતી.

ઉદ્ઘાટન સમારંભ દરમ્યાન અતિથિઓ દ્વારા ધ્વજવંદન સાથે જ અગાઉ યોજાયેલી વિવિધ રમતોના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 36મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક્સ અને સાઈકલીંગ ટુર્નામેન્ટ 2025 સ્પેશિયલ કવર લોન્ચ કરવામાં આવ્યું હતું.

સિનિયર સુપ્રી. ઓફ પોસ્ટ ઓફિસિઝ , રાજકોટ ડિવિઝન, શ્રી એસ.કે. બુનકરે ઉપસ્થિત મહાનુભાવો, ડાક રમતવીર, સહકર્મી સહિત ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ ત્રિદિવસીય રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં આંધ્રપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરલા, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ તથા ગુજરાત સહિત કુલ 11 પોસ્ટલ સર્કલોના 163 પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ખેલાડીઓ વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાઓ તથા સાઈકલીંગ ઇવેન્ટ્સમાં પોતાનું ખેલકૌશલ્ય રજૂ કરશે.

ઉદ્ઘાટન પ્રસંગે પોસ્ટલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ, સ્થાનિક અધિકારીઓ તેમજ રમતગમતપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ જણાવ્યું હતું કે આવા રાષ્ટ્રીય સ્તરના ખેલોત્સવો માત્ર ખેલાડીઓમાં સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ જ નહીં પરંતુ રાજ્યો વચ્ચે એકતા અને સૌહાર્દ વધારવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે.

ત્રણ દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે વિવિધ ઈવેન્ટ્સના વિજેતાઓને વિધિવત રીતે સન્માનિત કરવામાં આવશે.


(Release ID: 2185308) Visitor Counter : 40