માહિતી અને પ્રસારણ મંત્રાલય
પત્રકાર એ લોકહિતના રક્ષક છે, જે સામાન્ય નાગરિકની અવાજને સરકાર સુધી પહોંચાડે છે:ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા
કલેકટર, ડીડીઓ અને પોલીસ અધિક્ષકની વિશેષ ઉપસ્થિતિ
હિંમતનગર ખાતે ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો, અમદાવાદ દ્વારા રૂરલ મીડિયા વર્કશોપનું સફળ આયોજન કરાયું
Posted On:
04 NOV 2025 4:08PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો (PIB), અમદાવાદ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પત્રકારો માટે એક માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ – “વાર્તાલાપ” તથા ઈન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ (ICOP)નું આયોજન હિંમતનગર ખાતે પ્રથમ બેન્ક્વેટ હોલમાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પત્રકારો સાથે સીધો સંવાદ સાધવાનો, સત્તાવાર માહિતીના પ્રવાહને મજબૂત બનાવવાનો અને માહિતી મેળવવામાં આવતા પડકારોને સમજવાનો હતો.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોના સહાયક નિદેશક શ્રીમતિ સુમન મછારે સ્વાગત સંબોધન દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને પત્રકારોનું સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે હાજર ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાએ અધ્યક્ષીય ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “પત્રકારો સમાજના પ્રતિબિંબ છે. તેઓ સમાજના હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓને જનતાની સામે રજૂ કરે છે. વિશ્વસનીય, નિષ્પક્ષ અને સચોટ માહિતીના પ્રસાર દ્વારા લોકશાહીની મૂળભૂત શક્તિ વધુ મજબૂત બને છે. પત્રકારો એ લોકહિતના રક્ષક છે, જે સામાન્ય નાગરિકની અવાજને સરકાર સુધી પહોંચાડે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત પત્રકારો સરકાર અને જનતા વચ્ચે એક જીવંત પુલરૂપે કાર્ય કરે છે અને તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે.”

જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “પત્રકારત્વ લોકશાહીની ચોથી જાગીર છે. તે લોકશાહીનું જવાબદાર માધ્યમ છે. મીડિયા દ્વારા પ્રસારિત થતી સાચી અને પ્રામાણિક માહિતીના કારણે નાગરિકોમાં જાગૃતિ વધે છે અને વિકાસલક્ષી યોજનાઓ વધુ અસરકારક બને છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો ગામડાં સુધી પહોંચાડવામાં પત્રકારોનું યોગદાન અતિમૂલ્યવાન છે. માહિતીની પારદર્શિતા જાળવીને સમાજને સાચા માર્ગે દોરવામાં પત્રકારત્વની ભૂમિકા અવિસ્મરણીય છે.”
QRR0.jpeg)
જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ પત્રકારત્વમાં નૈતિકતા અને સ્વ જાગૃતિ પર ભાર મુક્યો. મુખ્ય જિલ્લા પોલીસ અધિકારીશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે માહિતીના જવાબદાર અને સંતુલિત પ્રસાર પર ભાર મુક્યો હતો.

પીઆઇબી અમદાવાદના એડીજી શ્રી પ્રશાંત પાઠરાબેએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને મીડિયા સાથેના સહયોગ અંગે માહિતી આપી હતી. તેમણે પત્રકારોને અપીલ કરતાં કહ્યું કે;" પત્રકારો ફક્ત વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં જ નહીં પરંતુ આ લોકકલ્યાણની યોજનાઓ અંગે પ્રજાના અભિપ્રાયો અને પ્રતિભાવો સરકાર સુધી પહોંચાડવામાં પણ સહાયરૂપ થાય છે".
આ વાર્તાલાપ અંતર્ગત કૃષિ વિશેષજ્ઞ મહમૂદભાઈ ફતેહ દ્વારા ભારત સરકારની કૃષિવિષયક યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર સંજય ચૌધરી દ્વારા ફાઇનાન્સિયલ ઈન્ક્લુઝન વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્ર્મના અંતમાં પત્રકારો સાથે એક સંવાદ સત્ર પર આયોજિત થયું જેનો મુખ્ય ઉદ્દેશ્ય પત્રકારો સાથે સીધો સંવાદ અને સંપર્ક સાધવાનો, તેમજ સત્તાવાર માહિતી મેળવવામાં તેમને પડતી તકલીફો અને પડકારો સમજવાનો રહ્યો હતો. આ સાથે જ પત્રકારોને લગતી સરકારની વિવિધ યોજનાની પણ માહિતી આપવામાં આવી હતી.
8P8S.jpeg)
કાર્યક્રમનાં ભાગરૂપે કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ચિત્ર અને ક્વિઝ સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં વિજેતાઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના મીડિયા અને સંચાર અધિકારી ઇન્દ્રવદનસિંહ ઝાલાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી જીગરભાઈ ખૂંટ, PIB સ્ટાફ, માહિતી વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
SM/DK/GP/JD
(Release ID: 2186259)
Visitor Counter : 53