ગૃહ મંત્રાલય
સિવિલ ડિફેન્સ-અમરોલી ડિવિઝન દ્વારા લસકાણામાં 750 શિક્ષકોને એક દિવસીય નાગરિક સંરક્ષણ જાગૃત્તિ તાલીમ અપાઈ
સ્વરક્ષણથી સમાજ અને રાષ્ટ્રરક્ષણ’ના સંદેશ સાથે આપત્તિ વ્યવસ્થાપન, પ્રાથમિક સારવાર, સ્વરક્ષણ તથા સુરક્ષા વિષે શિક્ષકોને જાગૃત્ત કરાયા
Posted On:
07 NOV 2025 4:55PM by PIB Ahmedabad
સિવિલ ડિફેન્સ-અમરોલી ડિવિઝન, સુરત દ્વારા જે.બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલ, લસકાણાના સહયોગથી સુરતના 750 શિક્ષકોને ગુરૂવારના રોજ એક દિવસીય નાગરિક સંરક્ષણ જાગૃત્તિ તાલીમ આપવામાં આવી હતી તમામ શિક્ષકોના મનોબળને મજબૂત બનાવવા અને રાષ્ટ્ર રક્ષણમાં યોગદાન આપવા મોટીવેટ કરાયા હતા.

લસકાણા સ્થિત જે.બી. એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં આયોજિત આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકોએ ઉત્સાહથી સહભાગી બન્યા હતા. તાલીમ સત્રમાં સિવિલ ડિફેન્સ સુરતના ચીફ વોર્ડન તથા માસ્ટર ટ્રેનર શ્રી મહમ્મદ નાવેદ શેખ તેમજ ટ્રેનર તથા અમરોલી ડિવિઝનલ વોર્ડન શ્રી પ્રકાશકુમાર વેકરીયા, ડે. ડિવિઝનલ શ્રી આશિષકુમાર વડોદરિયા દ્વારા શિક્ષકોને નાગરિક સંરક્ષણના સિદ્ધાંતો, આપત્તિ વ્યવસ્થાપન, પ્રાથમિક સારવાર, સ્વરક્ષણ તથા સુરક્ષા વ્યવસ્થા વિશે તલસ્પર્શી સમજ અપાઈ હતી. તેમજ વિવિધ પ્રકારના કુદરતી તથા માનવસર્જિત આપત્તિના સંજોગોમાં તત્પરતા, શિસ્ત અને સંકલન સાથે કેવી રીતે પ્રતિભાવ આપવો તેની પ્રાયોગિક માર્ગદર્શિકા આપવામાં આવી હતી.

તાલીમબદ્ધ થયેલા શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને તાલીમ આપીને ભવિષ્યના નાગરિક સંરક્ષકો તૈયાર કરશે, જે આપત્તિઓના સમયે જાગૃત, સજ્જ અને સમર્પિત નાગરિક તરીકે રાષ્ટ્રસેવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સિવિલ ડિફેન્સ-અમરોલીના અધિકારીઓએ આ તાલીમને ‘રાષ્ટ્રસેવા પ્રત્યેની જનજાગૃતિ’નું જીવંત ઉદાહરણ ગણાવતા કહ્યું હતું કે, આપણો મંત્ર છે ‘હું રાષ્ટ્ર માટે શું કરી શકું?’ યુદ્ધ હોય કે કટોકટી; આ તાલીમથી પ્રત્યેક નાગરિકોમાં ‘સ્વરક્ષણથી સમાજ અને રાષ્ટ્રરક્ષણ’નો ફરજભાવ અને રાષ્ટ્રપ્રેમની ચેતના જાગશે. સ્થાનિક સ્તરેથી સ્વયંસેવી તંત્રને વધુ મજબૂત બનાવવા માટે આવી તાલીમ જરૂરી હોવાનો મત વ્યક્ત કરાયો હતો.
ટ્રેનરોને પુસ્તક તથા સન્માનપત્રોથી સન્માનિત કરાયા હતા. નાગરિક સંરક્ષણની ભાવનાને વેગ આપતા ‘જનથી જન સુધી સુરક્ષા’ના સંદેશ તેમજ ઓમકાર પ્રાર્થના, કાર્યક્રમની શરૂઆત મહાશંખનાદથી અને રાષ્ટ્રગાન સાથે સમાપન કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જે.બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલના ટ્રસ્ટના પ્રમુખશ્રી ધરમભાઇ લાઠીયા, એમ.ડી શ્રી ડો.કે.સી.પટેલ, શાળાના પ્રિન્સિપાલ મનસુખ ઠુમ્મર સહિત તમામ પ્રિન્સિપાલો, લસકાણા મહિલા વોર્ડન શ્રીમતી ઝીલી પડસાલા, તેમજ લસકાણા વિસ્તારના વોર્ડન, તાલીમ અધિકારીઓ અને શૈક્ષણિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
IJ/NP/GP/JD
(Release ID: 2187421)
Visitor Counter : 42