શ્રમ અને રોજગાર મંત્રાલય
નવી ટ્રેનથી રોજગાર માટે અપડાઉન કરતાં નાગરિકોને મોટી સુવિધા મળશે : ડૉ. મનસુખ માંડવિયા
માત્ર 45 રૂપિયામાં લોકો રાજકોટથી પોરબંદર જઈ શકશે : ડૉ. મનસુખ માંડવિયા
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને રાજ્ય મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ લીલી ઝંડી બતાવી નવી રાજકોટ-પોરબંદર ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું, ટ્રેનમાં મુસાફરી પણ કરી
Posted On:
14 NOV 2025 3:59PM by PIB Ahmedabad
કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબત અને રમતગમત મંત્રી શ્રી ડૉ મનસુખભાઈ માંડવિયાએ આજે રાજકોટ રેલવે સ્ટેશનથી રાજકોટ-પોરબંદર વચ્ચે દોડનારી સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવીને શુભારંભ કર્યો હતો.

આ પ્રસંગે જણાવ્યું હતું કે 173 વર્ષ પહેલાં ભારતમાં થાણે-મુંબઈ વચ્ચે પહેલી ટ્રેનનો પ્રારંભ થયો હતો. પહેલાં કોલસા, પછી ડીઝલ અને હવે ઇલેક્ટ્રિકથી ટ્રેનો ચાલે છે. પાછલા દશકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના હિતાર્થે દૂરંદેશીભર્યા પગલાં લીધા છે. જેથી, અનેક ક્ષેત્રોની સાથે રેલ્વેમાં પણ સકારાત્મક પરિવર્તન આવ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા બાદ રેલ્વે સ્ટેશનો પરથી ગંદકી દૂર થઈ, ટ્રેનો સમયસર ચાલવા માંડી, ઓનલાઇન ટીકીટની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આજે દરેક રાજ્યમાં વંદે ભારત ટ્રેન પહોંચી છે. રેલ્વે દેશના લાખો ગામોને જોડતું સરળ અને સસ્તું માધ્યમ છે. રાજકોટ-પોરબંદર ટ્રેનના કારણે ધોરાજી-ઉપલેટા પંથકના લોકોને, ખાસ કરીને રોજગાર મેળવવા રાજકોટ અપડાઉન કરતા નાગરિકોને સરળતા રહેશે. તેમજ મોટાભાગની ટ્રેનો રાજકોટ જંકશનથી અન્ય રાજ્યોમાં જતી હોવાથી મુસાફરોને ટ્રેનની ઉપલબ્ધતા સુલભ બનશે.

ગુજરાત સરકારના વન-પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ કહ્યું હતું કે મજબૂત લોકપ્રતિનિધિત્વના કારણે રાજકોટ-પોરબંદર ટ્રેન મળી છે. જેથી, આજે સૌરાષ્ટ્ર માટે ખુશીનો દિવસ છે. વર્ષ 2014 માં પ્રધાનમંત્રી પદે શ્રી નરેન્દ્રભાઈ મોદી શોભાયમાન થયા બાદ દેશમાં વિશ્વકક્ષાના અત્યાધુનિક રેલવે પ્લેટફોર્મ બન્યા છે અને સુવિધાસભર ટ્રેનો નિર્માણ પામી રહી છે. બાયોટોયલેટ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, પ્લેટફોર્મ ચોખ્ખાંચણાક બન્યા છે. આમ, પ્રધાનમંત્રી દેશને સુચારૂ રીતે ચલાવવાની સાથેસાથે દેશમાં આવશ્યક પરિવર્તન લાવવાનું કાર્ય પણ કરી રહ્યા છે. રાજકોટ-પોરબંદર ટ્રેનનું ભાડું માત્ર 45 રૂપિયા હોવાથી વિદ્યાર્થી અને નોકરીયાત વર્ગને આ ટ્રેન નજીવા દરે ઉપયોગી બનશે.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝન ડી.આર.એમ. શ્રી ગિરિરાજકુમાર મીનાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાંસદો શ્રી રામભાઈ મોકરીયા અને શ્રીમતી પૂનમબેન માડમે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન જનસંપર્ક નિરીક્ષક શ્રી વિવેકભાઈ તિવારીએ કર્યું હતું. નોંધનીય છે કે મંત્રીઓ રાજકોટથી પોરબંદર ટ્રેનમાં જતાં, તેમનું વિવિધ સ્ટેશન પર અભિવાદન કરવામાં આવ્યું હતું.આ અવસરે ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી જયેશભાઈ રાદડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનોની સુવિધા
૧) રાજકોટ-પોરબંદર લોકલ ટ્રેન (દરરોજ) :
ટ્રેન નંબર 59561 રાજકોટ-પોરબંદર લોકલ 15 નવેમ્બર, 2025થી દરરોજ રાજકોટ સ્ટેશનથી સવારે 0835 કલાકે ઉપડશે અને તે જ દિવસે 1315 કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 59562 પોરબંદર-રાજકોટ લોકલ 15 નવેમ્બર, 2025થી દરરોજ પોરબંદરથી બપોરે 1430 કલાકે ઉપડશે અને તે જ દિવસે 1855 કલાકે રાજકોટ સ્ટેશન પહોંચશે.
૨) રાજકોટ-પોરબંદર લોકલ ટ્રેન (સપ્તાહમાં પાંચ દિવસ) :
ટ્રેન નંબર 59563 રાજકોટ-પોરબંદર લોકલ 16 નવેમ્બર, 2025થી સપ્તાહમાં 05 દિવસ (બુધવાર અને શનિવાર સિવાય) રાજકોટ સ્ટેશનથી બપોરે 1450 કલાકે ઉપડશે અને તે જ દિવસે 2030 કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 59564 પોરબંદર-રાજકોટ લોકલ 15 નવેમ્બરથી સપ્તાહમાં 05 દિવસ (ગુરુવાર અને રવિવાર સિવાય) પોરબંદર સ્ટેશનથી સવારે 0750 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 1235 કલાકે રાજકોટ સ્ટેશન પહોંચશે.
આ ટ્રેનો બંને દિશાઓમાં ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામજોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાળિયા અને રાણાવાવ સ્ટેશનો પર ઊભી રહેશે. ટ્રેનોના તમામ કોચ જનરલ એટલે કે અનારક્ષિત (અનરિઝર્વ્ડ) રહેશે.
(Release ID: 2190028)
Visitor Counter : 47