નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદમાં નાણાકીય છેતરપિંડીથી બચવા માટે “નાણાકીય સાક્ષરતા” જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Posted On: 15 NOV 2025 1:54PM by PIB Ahmedabad

14 નવેમ્બર 2025ના રોજ, માઇક્રોફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી નેટવર્ક (MFIN) (જે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા માન્યતા પ્રાપ્ત NBFC - MFI માટે રાષ્ટ્રીય સ્તરે 'સ્વ-નિયમનકારી સંસ્થા' છે) દ્વારા ચાંદખેડા ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધિરાણ લેનાર મહિલાઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી કિરણ કુમાર ચાવડા (એલડીએમ, ભારતીય સ્ટેટ બેંક, અમદાવાદ જિલ્લો), શ્રી અનિલ મોરથાના (નિદેશક, આર.ઇ.એસ.ટી.આઈ., અમદાવાદ જિલ્લો), શ્રી એમ. એન. ચાવડા (એસીપી, ઈઓડબલ્યુ, અમદાવાદ પોલીસ), શ્રી ધૂલિયા (પીઆઈ, ઈઓડબલ્યુ, અમદાવાદ પોલીસ), શ્રી ઘનશ્યામસિંહ મોરી (પીએસઆઈ, સાયબર સેલ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ), અને શ્રી દેવેન્દ્ર શહાપુરકર (ઉપાધ્યક્ષ, પશ્ચિમી ક્ષેત્ર, MFIN) દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને નાણાકીય બાબતોની વધુ સારી સમજ પૂરી પાડવાનું હતું, જેમાં બચત યોજનાઓ અને રોકાણના વિકલ્પો વિશે માહિતી પ્રદાન કરવી, લોન લેવા અને ચૂકવવા અંગે માર્ગદર્શન આપવું અને નાણાકીય છેતરપિંડીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા વિશે શિક્ષણ પ્રદાન કરવું, જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો.

કાર્યક્રમને સંબોધતા શ્રી કિરણ કુમાર ચાવડા (એલડીએમ, એસબીઆઈ) એ બજેટ અને ખર્ચની યોગ્ય યોજના બનાવવાની ભલામણ કરી ભારપૂર્વક જણાવ્યું હતું કે લોન વાસ્તવિક જરૂરિયાત અને ચૂકવવાની ક્ષમતા પર આધારિત હોવી જોઈએ. તેમણે પ્રકાશ પાડ્યો હતો કે RBI-માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ, MFI, RBIના નિર્દેશો અને માર્ગદર્શિકાઓનું પાલન કરી રહી છે. શ્રી ચાવડાએ અર્થતંત્રમાં માઇક્રોફાઇનાન્સની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં બેંકો પહોંચી શકતી નથી અને MFI ઘરે-ઘરે સેવાઓ પ્રદાન કરી રહી છે.

શ્રી અનિલ મોરથાના (નિદેશક, આર.ઇ.એસ.ટી.આઈ.) એ જણાવ્યું હતું કે બેંકો માટે શરૂઆતમાં દૂર-દૂરના વિસ્તારોમાં વંચિતો સુધી પહોંચવું શક્ય ન હતું, તેથી MFI એ નાબાર્ડ અને સિડબીની મદદથી પીએસએલ (પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ) હેઠળ દેશના ગ્રામીણ વિસ્તારોમાં માઇક્રોફાઇનાન્સની પહોંચ સક્ષમ કરવાનું શરૂ કર્યું છે.

શ્રી એમ. એન. ચાવડા (એસીપી, ઈઓડબલ્યુ, અમદાવાદ પોલીસ) એ ધિરાણ લેનારાઓને નિયમિતપણે ચૂકવણી કરવા અને છેતરપિંડીથી બચવા માટે જરૂરી પગલાં અપનાવવાની સલાહ આપી હતી. તેમજ કોઈપણ સમસ્યાના કિસ્સામાં, સહાયતા માટે MFI નો સંપર્ક કરવો અથવા NBFC-MFI માટે ટોલ ફ્રી નંબર - 18001021080 પર સંપર્ક કરવા જણાવ્યું હતું. વધતી છેતરપિંડીના સંદર્ભમાં તેમણે લોકોને ગેરમાર્ગે દોરનારા અભિયાનો (લોન માફીની અફવાઓ) વિશે સાવચેતી રાખવાની, મોબાઇલ ફોનનો દુરુપયોગ કરવાથી બચવાની, અને KYC વિગતો અજાણી વ્યક્તિ સાથે શેર કરવાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. તેમણે આવી ઘટનાઓની જાણ તાત્કાલિક કાયદા અમલીકરણ એજન્સીઓને 1930 પર કરવા જણાવ્યું હતું.

શ્રી ઘનશ્યામસિંહ મોરીએ ધિરાણ લેનારાઓને લોન માફીના કોઈપણ ખોટી બાબતોમાં ફસાવું નહીં અને ગેરમાર્ગે દોરાવું નહીં, અન્યથા તે તેમના ક્રેડિટ સ્કોરને અસર કરે છે; જેના કારણે તેઓ ભવિષ્યમાં RE (નિયમનકારી સંસ્થાઓ) પાસેથી લોન મેળવવા માટે અયોગ્ય બની શકે છે.

MFINના પ્રતિનિધિ, શ્રી દેવેન્દ્ર શહાપુરકર એ જણાવ્યું હતું કે આ નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ એ સમાજના નીચલા સ્તર અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને નાણાકીય સેવાઓ સાથે જોડવાનો અને તેમને નાણાકીય વ્યવહારો, રોકાણ, વીમો તથા છેતરપિંડીથી બચવા વિશે જાગૃત કરવાનો પ્રયાસ છે.

 

SM/IJ/NP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2190289) Visitor Counter : 31