પ્રધાનમંત્રીનું કાર્યાલય
ડેડિયાપાડા, ગુજરાત ખાતે જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
15 NOV 2025 7:24PM by PIB Ahmedabad
જય જોહાર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, અહીં ઉપસ્થિત લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, ગુજરાત સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, જયરામભાઈ ગામિતજી, સંસદમાં મારા જૂના સાથી મનસુખભાઈ વસાવાજી, મંચ પર ઉપસ્થિત ભગવાન બિરસા મુંડાના પરિવારના તમામ સદસ્યો, દેશના ખૂણે-ખૂણેથી આ કાર્યક્રમનો હિસ્સો બની રહેલા મારા આદિવાસી ભાઈઓ-બહેનો, અન્ય તમામ મહાનુભાવો અને દેશમાં અનેક કાર્યક્રમો આ સમયે ચાલી રહ્યા છે, અનેક લોકો ટેક્નોલોજી દ્વારા અમારી સાથે જોડાયેલા છે, ગવર્નર શ્રી છે, મુખ્યમંત્રી છે, મંત્રી છે, હું તેમને પણ જનજાતીય ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.
જોકે, જ્યારે હું તમારી પાસે આવું છું ત્યારે ગુજરાતી બોલવું જોઈએ, પરંતુ અત્યારે સમગ્ર દેશના લોકો આપણા કાર્યક્રમમાં જોડાયેલા છે, તેથી તમારા સૌના આશીર્વાદ અને પરવાનગીથી હવે મારે હિન્દીમાં વાત કરવી પડશે.
માતા નર્મદાની આ પાવન ધરતી આજે વધુ એક ઐતિહાસિક આયોજનની સાક્ષી બની રહી છે. હમણાં જ 31 ઓક્ટોબરે આપણે અહીં સરદાર પટેલની 150મી જયંતી મનાવી છે. આપણી એકતા અને વિવિધતાને ઉજવવા માટે ભારત પર્વ શરૂ થયું અને આજે ભગવાન બિરસા મુંડાની 150મી જયંતીના આ ભવ્ય આયોજન સાથે આપણે ભારત પર્વની પૂર્ણતાના સાક્ષી બની રહ્યા છીએ. હું આ પાવન અવસર પર ભગવાન બિરસા મુંડાને પ્રણામ કરું છું. આઝાદીના આંદોલનમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સમગ્ર જનજાતીય ક્ષેત્રમાં આઝાદીની જ્યોત જગાડનાર ગોવિંદ ગુરુના આશીર્વાદ પણ આપણા સૌની સાથે જોડાયેલા છે. હું આ મંચ પરથી ગોવિંદ ગુરુને પણ પ્રણામ કરું છું. હમણાં થોડીવાર પહેલા મને દેવમોગરા માતાના દર્શનનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હું માતાના ચરણોમાં પણ ફરીથી નમન કરું છું. બહુ ઓછા લોકોને ખબર હશે, કાશી વિશ્વનાથ કોરિડોરની ચર્ચા થાય છે, ઉજ્જૈન મહાકાલની ચર્ચા થાય છે, અયોધ્યાના રામ મંદિરની ચર્ચા થાય છે, કેદારનાથ ધામની ચર્ચા થાય છે. છેલ્લા એક દાયકામાં આવા આપણા અનેક ધાર્મિક, ઐતિહાસિક સ્થળોનો વિકાસ થયો છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે, હું 2003માં મુખ્યમંત્રીના રૂપમાં જ્યારે કન્યા શિક્ષણ માટે રેલિયા પાટણ આવ્યો હતો અને ત્યારે હું માતાના ચરણોમાં નમન કરવા આવ્યો હતો અને તે સમયે ત્યાંની જે સ્થિતિ મેં જોઈ હતી, એક નાનકડી ઝૂંપડી જેવી જગ્યા હતી અને મારા જીવનમાં જે પુનર્નિર્માણના અનેક કામ થયા હશે, તો તેના માટે હું ગર્વ સાથે કહી શકું છું કે, તેની શરૂઆત દેવમોગરા માતાના સ્થાનના વિકાસથી થઈ હતી. અને આજે જ્યારે હું ગયો તો મને બહુ સારું લાગ્યું કે લાખોની સંખ્યામાં હવે લોકો ત્યાં આવે છે, માતા પ્રત્યે અપાર શ્રદ્ધા, ખાસ કરીને આપણા જનજાતીય બંધુઓમાં છે.
સાથીઓ,
ડેડિયાપાડા અને સાગબારાનો આ વિસ્તાર કબીરજીના ઉપદેશોથી પ્રેરિત રહ્યો છે. અને હું તો બનારસનો સાંસદ છું અને બનારસ એટલે સંત કબીરની ધરતી છે. તેથી, સંત કબીરનું મારા જીવનમાં એક અલગ સ્થાન સ્વાભાવિક છે. હું, આ મંચ પરથી તેમને પણ પ્રણામ કરું છું.
સાથીઓ,
આજે અહીં દેશના વિકાસ અને જનજાતીય કલ્યાણ સાથે જોડાયેલા, ઘણા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું છે. પીએમ-જનમન અને અન્ય યોજનાઓ હેઠળ, અહીં 1 લાખ પરિવારોને પાકાં ઘર આપવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં એકલવ્ય મોડેલ સ્કૂલો અને આશ્રમ શાળાઓનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં શ્રી ગોવિંદ ગુરુ ચેરની સ્થાપના પણ થઈ છે. સ્વાસ્થ્ય, સડક અને યાતાયાત સાથે જોડાયેલા ઘણા વધુ પ્રોજેક્ટ્સ પણ શરૂ થયા છે. હું આ તમામ વિકાસ કાર્યો માટે, સેવા કાર્યો માટે, કલ્યાણ યોજનાઓ માટે, આપ સૌને, વિશેષ કરીને ગુજરાતના અને દેશના મારા જનજાતીય પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
2021માં અમે ભગવાન બિરસા મુંડાની જયંતીને, જનજાતીય ગૌરવ દિવસના રૂપમાં મનાવવાની શરૂઆત કરી હતી. જનજાતીય ગૌરવ હજારો વર્ષોથી આપણા ભારતની ચેતનાનો અભિન્ન હિસ્સો રહ્યો છે. જ્યારે-જ્યારે દેશના સન્માન, સ્વાભિમાન અને સ્વરાજની વાત આવી, તો આપણો આદિવાસી સમાજ સૌથી આગળ ઊભો રહ્યો છે. આપણો સ્વતંત્રતા સંગ્રામ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આદિવાસી સમાજમાંથી નીકળેલા કેટલાય નાયક-નાયિકાઓએ આઝાદીની મશાલને આગળ વધારી. તિલકા માંઝી, રાની ગાઇદિનલ્યુ, સિધો-કાન્હો, ભૈરવ મુર્મૂ, બુદ્ધો ભગત, જનજાતીય સમાજને પ્રેરણા આપનાર અલ્લૂરી સીતારામ રાજુ, તેવી જ રીતે, મધ્યપ્રદેશના તાત્યા ભીલ, છત્તીસગઢના વીર નારાયણ સિંહ, ઝારખંડના તેલંગા ખડિયા, અસમના રૂપચંદ કોંવર, અને ઓડિશાના લક્ષ્મણ નાયક, આવા કેટલાય વીરોએ આઝાદી માટે અપાર ત્યાગ કર્યો, સંઘર્ષ કર્યો, જીવનભર અંગ્રેજોને શાંતિથી બેસવા દીધા નહીં. આદિવાસી સમાજે અગણિત ક્રાંતિઓ કરી, આઝાદી માટે પોતાનું લોહી વહાવ્યું છે.
સાથીઓ,
અહીં ગુજરાતમાં પણ જનજાતીય સમાજના આવા કેટલાય શૂરવીર દેશભક્ત છે, ગોવિંદ ગુરુ, જેમણે ભગત આંદોલનનું નેતૃત્વ કર્યું, રાજા રૂપસિંહ નાયક, જેમણે પંચમહાલમાં બ્રિટિશ સરકારની વિરુદ્ધ લાંબી લડાઈ લડી! મોતીલાલ તેજાવત, જેમણે ‘એકી આંદોલન’ ચલાવ્યું, અને જો તમે પાલ ચિતરિયા જશો તો સેંકડો આદિવાસીઓની શહાદતનું ત્યાં સ્મારક છે, જલિયાવાલા બાગ જેવી એ ઘટના, સાબરકાંઠાના પાલ ચિતરિયામાં થઈ હતી. આપણા દશરીબેન ચૌધરી, જેમણે ગાંધીજીના સિદ્ધાંતોને આદિવાસી સમાજ સુધી પહોંચાડ્યા. સ્વતંત્રતા સંગ્રામના આવા કેટલાય અધ્યાય જનજાતીય ગૌરવ અને આદિવાસી શૌર્યથી રંગાયેલા છે.
ભાઈઓ અને બહેનો,
સ્વતંત્રતા આંદોલનમાં ટ્રાઇબલ સમાજના યોગદાનને આપણે ભૂલી શકતા નથી, અને આઝાદી પછી આ કામ થવું જોઈતું હતું, પરંતુ કેટલાક પરિવારોને જ આઝાદીનો શ્રેય આપવાના મોહમાં, મારા લાખો આદિવાસી ભાઈ-બહેનોના ત્યાગ, તપસ્યા, બલિદાનને નકારવામાં આવ્યું, અને તેથી 2014 પહેલા દેશમાં કોઈ ભગવાન બિરસા મુંડાને યાદ કરનાર નહોતું, માત્ર તેમના આસપાસના ગામ સુધી જ પૂછાતું હતું. અમે તે પરિસ્થિતિને કેમ બદલી? આપણી આવનારી પેઢીને પણ ખબર હોવી જોઈએ કે, મારા આદિવાસી ભાઈ-બહેનોએ આપણને કેટલી મોટી ભેટ આપી છે, આઝાદી અપાવી છે. અને આ જ કામને જીવંત કરવા માટે, આવનારી પેઢીને સ્મરણ રહે, તેથી અમે, દેશમાં ઘણા ટ્રાઇબલ મ્યુઝિયમ્સ બનાવવામાં આવી રહ્યા છે. અહીં ગુજરાતમાં પણ, રાજપીપળામાં જ 25 એકરનું વિશાળ ટ્રાઇબલ મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે. હમણાં થોડા દિવસ પહેલા હું છત્તીસગઢ પણ ગયો હતો. ત્યાં પણ મેં શહીદ વીર નારાયણ સિંહ જનજાતીય સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું હતું. તેવી જ રીતે રાંચીમાં, જેલમાં ભગવાન બિરસા મુંડા રહ્યા, તે જેલમાં હવે ભગવાન બિરસા મુંડાને અને તે સમયના આઝાદીના આંદોલનને લઈને એક ખૂબ ભવ્ય મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.
સાથીઓ,
આજે શ્રી ગોવિંદ ગુરુ, તેમના નામ પરથી એક ચેર જનજાતીય ભાષા સંવર્ધન કેન્દ્રના રૂપમાં તેની સ્થાપના કરવામાં આવી છે. અહીં ભીલ, ગામિત, વસાવા, ગરાસિયા, કોંકણી, સંથાલ, રાઠવા, નાયક, ડબલા, ચૌધરી, કોંકણા, કુંભી, વારલી, ડોડિયા, આવી તમામ જનજાતિઓની, તેમની બોલીઓ પર અધ્યયન થશે. તેનાથી જોડાયેલી વાર્તાઓ અને ગીતોને સંરક્ષિત કરવામાં આવશે. જનજાતીય સમાજ પાસે હજારો વર્ષોના અનુભવોથી શીખેલું જ્ઞાનનો અપાર ભંડાર છે. તેમની જીવનશૈલીમાં વિજ્ઞાન છુપાયેલું છે, તેમની વાર્તાઓમાં દર્શન છે, તેમની ભાષામાં પર્યાવરણની સમજ છે. શ્રી ગોવિંદ ગુરુ ચેર આ સમૃદ્ધ પરંપરાથી નવી પેઢીને જોડવાનું કામ કરશે.
સાથીઓ,
આજે જનજાતીય ગૌરવ દિવસનો આ અવસર, આપણને તે અન્યાયને પણ યાદ કરવાનો અવસર આપે છે, જે આપણા કરોડો આદિવાસી ભાઈ-બહેનો સાથે કરવામાં આવ્યો. દેશમાં 6 દાયકા સુધી રાજ કરનારી કોંગ્રેસે આદિવાસીઓને તેમના હાલ પર છોડી દીધા હતા. આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા હતી, સ્વાસ્થ્ય સુરક્ષાની સમસ્યા હતી, શિક્ષણનો અભાવ હતો, કનેક્ટિવિટીનું તો નામ-નિશાન નહોતું. આ અભાવ જ એક પ્રકારે આદિવાસી ક્ષેત્રોની ઓળખ બની ગઈ હતી. અને કોંગ્રેસ સરકારો હાથ પર હાથ ધરીને બેસી રહી હતી.
પરંતુ સાથીઓ,
આદિવાસી કલ્યાણ ભાજપની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. અમે હંમેશા આ સંકલ્પ લઈને ચાલ્યા કે, અમે આદિવાસીઓ સાથે થઈ રહેલા અન્યાયને સમાપ્ત કરીશું, તેમના સુધી વિકાસનો લાભ પહોંચાડીશું. દેશ આઝાદ તો 1947માં થઈ ગયો હતો. આદિવાસી સમાજ તો ભગવાન રામની સાથે પણ જોડાયેલો છે, એટલો જૂનો છે. પરંતુ છ-છ દાયકા સુધી રાજ કરનારાઓને ખબર જ નહોતી કે, આટલા મોટા આદિવાસી સમાજના વિકાસ માટે કંઈક કરવાની જરૂર છે.
સાથીઓ,
જ્યારે પહેલીવાર અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા, ભાજપની સરકાર બની, ત્યારે દેશમાં પહેલીવાર જનજાતીય સમાજ માટે એક અલગ મંત્રાલયનું ગઠન કર્યું હતું, તેના પહેલા નહોતું કરવામાં આવ્યું. પરંતુ અટલજીની સરકાર પછી, દસ વર્ષ જે કોંગ્રેસને ફરીથી કામ કરવાનો મોકો મળ્યો, તો તેમણે આ મંત્રાલયની ઉપેક્ષા કરી, પૂરી રીતે ભૂલાવી દીધું. તમે કલ્પના કરી શકો છો, 2013માં કોંગ્રેસે જનજાતીય કલ્યાણ માટે કંઈક હજાર કરોડ રૂપિયાની યોજના બનાવી, કંઈક હજાર કરોડ રૂપિયા, એક જિલ્લામાં એક હજાર કરોડ રૂપિયાથી કામ થતું નથી. અમારી સરકાર આવ્યા પછી અમે ખૂબ મોટી વૃદ્ધિ કરી, તેના હિતોની ચિંતા કરી, અમે મંત્રાલયના બજેટને વધાર્યું. અને, આજે જનજાતીય મંત્રાલયનું બજેટ અનેક ગણું વધારીને અમે આજે જનજાતીય ક્ષેત્રોના વિકાસનું બીડું ઝડપ્યું છે. શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, કનેક્ટિવિટી હોય, દરેક ક્ષેત્રમાં અમે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
સાથીઓ,
એક સમય અહીં ગુજરાતમાં પણ આદિવાસી વિસ્તારોમાં સ્થિતિ બહુ સારી નહોતી. હાલત એ હતી કે અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં એક પણ સાયન્સ સ્ટ્રીમની સ્કૂલ સુધ્ધાં નહોતી, સાયન્સ સ્કૂલ નહોતી. ડેડિયાપાડા અને સાગબારા જેવા વિસ્તારોમાં વિદ્યાર્થીઓને આગળ ભણવાનો મોકો મળી શકતો નહોતો. મને યાદ છે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો તો મેં અહીં ડેડિયાપાડાથી જ કન્યા કેળવણી મહોત્સવ શરૂ કર્યો હતો. ત્યારે બહુ બધા બાળકો મને મળતા હતા, અને તે બાળકો ખૂબ સપના જોતા હતા, કંઈક બનવા માંગતા હતા, કોઈને ડોક્ટર બનવાનું મન હતું, કોઈ એન્જિનિયર બનવા માંગતું હતું, કોઈ સાયન્ટિસ્ટ બનવા માંગતું હતું. હું તેમને સમજાવતો હતો, શિક્ષણ જ તેનો રસ્તો છે. તમારા સપનાઓને પૂરા કરવામાં જે પણ બાધાઓ છે, તેને અમે દૂર કરીશું, હું વિશ્વાસ આપતો હતો.
સાથીઓ,
સ્થિતિઓમાં પરિવર્તન માટે અમે દિવસ-રાત મહેનત કરી. તેનું જ પરિણામ છે કે, આજે ગુજરાતના આદિવાસી પટ્ટામાં, હું જ્યારે મુખ્યમંત્રી બન્યો તેના પહેલા જ્યાં સાયન્સ સ્ટ્રીમની સ્કૂલ નહોતી, આજે તે આદિવાસી પટ્ટામાં 10 હજારથી વધારે સ્કૂલો છે. છેલ્લા બે દાયકામાં આદિવાસી વિસ્તારોમાં બે ડઝન સાયન્સ કોલેજ, માત્ર સ્કૂલ નહીં, સાયન્સ કોલેજ, કોમર્સ કોલેજ, આર્ટ કોલેજ બની છે. ભાજપ સરકારે આદિવાસી બાળકો માટે સેંકડો હોસ્ટેલ તૈયાર કરી છે. અહીં ગુજરાતમાં 2 ટ્રાઇબલ યુનિવર્સિટીઓ પણ બનાવી. આવા જ પ્રયાસોથી અહીં પણ મોટું પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા જે બાળકો પોતાનું સપનું લઈને મને મળતા હતા, હવે તેમાંથી કોઈ ડોક્ટર અને એન્જિનિયર છે, તો કોઈ રિસર્ચ ફિલ્ડમાં કામ કરી રહ્યું છે.
સાથીઓ,
આદિવાસી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અમે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. વીતેલા 5-6 વર્ષોમાં જ કેન્દ્ર સરકારે, દેશમાં એકલવ્ય મોડેલ આદિવાસી શાળાઓ માટે 18 હજાર કરોડથી વધારે રૂપિયા ખર્ચ કર્યા છે. વિદ્યાર્થિનીઓ માટે સ્કૂલમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેનું પરિણામ એ છે કે, આ સ્કૂલોમાં એડમિશન લેનારા ટ્રાઇબલ બાળકોની સંખ્યામાં 60 ટકાની વૃદ્ધિ થઈ છે.
સાથીઓ,
આદિવાસી યુવાનોને જ્યારે અવસર મળે છે, તો તે દરેક ક્ષેત્રમાં બુલંદીઓને સ્પર્શવાની તાકાત રાખે છે. તેમની હિંમત, તેમની મહેનત અને તેમની કાબેલિયત, આ તેમને પરંપરાથી મળેલા, વિરાસતમાં મળેલા હોય છે. આજે રમત જગતનું ઉદાહરણ સૌની સામે છે, દુનિયામાં તિરંગાની શાન વધારવામાં આદિવાસી દીકરા-દીકરીઓએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે! અત્યાર સુધી આપણે સૌ મેરી કોમ, થોનાકલ ગોપી, દૂતિ ચંદ અને બાઇચુંગ ભૂટિયા જેવા ખેલાડીઓના નામ જાણતા હતા. હવે દરેક મોટી સ્પર્ધામાં ટ્રાઇબલ વિસ્તારોમાંથી આવા જ નવા નવા ખેલાડીઓ નીકળી રહ્યા છે. હમણાં ભારતની ક્રિકેટ ટીમે વુમેન વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. તેમાં પણ આપણી એક જનજાતીય સમાજની દીકરીએ અહમ ભૂમિકા નિભાવી છે. અમારી સરકાર આદિવાસી વિસ્તારોમાં, નવી પ્રતિભાઓને શોધવા અને તેમને આગળ વધારવા માટે સતત કામ કરી રહી છે. જનજાતીય ક્ષેત્રોમાં સ્પોર્ટ્સ ફેસિલિટીઝને પણ વધારવામાં આવી રહી છે.
સાથીઓ,
અમારી સરકાર વંચિતને પ્રાથમિકતાના વિઝન પર કામ કરે છે. તેનું ખૂબ મોટું ઉદાહરણ આ આપણો નર્મદા જિલ્લો પણ છે. પહેલા તો તે અલગ નહોતો, તે ભરૂચ જિલ્લાનો હિસ્સો હતો, કંઈક સુરત જિલ્લાનો હિસ્સો હતો. અને આ સમગ્ર વિસ્તાર ક્યારેક પછાત માનવામાં આવતો હતો, અમે તેને પ્રાથમિકતા આપી, અમે આ જિલ્લાને આકાંક્ષી જિલ્લો બનાવ્યો, અને આજે તે વિકાસના ઘણા પેરામીટર્સમાં ખૂબ આગળ આવી ગયો છે. તેનો ખૂબ મોટો લાભ અહીંના આદિવાસી સમુદાયને મળ્યો છે. તમે જોયું છે, કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓને, અમે આદિવાસી બહુલ રાજ્યો અને વંચિત વર્ગોની વચ્ચે જઈને જ લોન્ચ કરીએ છીએ. તમને યાદ હશે, 2018માં મફત ઈલાજ માટે આયુષ્માન ભારત યોજના લોન્ચ થઈ હતી. આ યોજના અમે, ઝારખંડના આદિવાસી વિસ્તારમાં રાંચીમાં જઈને શરૂ કરી હતી. અને, આજે દેશના કરોડો આદિવાસી ભાઈ-બહેનોને તેના હેઠળ 5 લાખ સુધીની મફત ઈલાજની સુવિધા મળી રહી છે. સરકારે આયુષ્માન આરોગ્ય મંદિરની શરૂઆત પણ આદિવાસી બહુલ છત્તીસગઢથી કરી હતી. તેનો પણ ખૂબ મોટો લાભ જનજાતીય વર્ગને મળી રહ્યો છે.
સાથીઓ,
આદિવાસીઓમાં પણ જે સૌથી પછાત આદિવાસીઓ છે, અમારી સરકાર તેમને વિશેષ પ્રાથમિકતા આપી રહી છે. જે ક્ષેત્રોમાં આઝાદીના આટલા દાયકા પછી પણ, જ્યાં ના વીજળી હતી, ના પાણી પહોંચાડવાની વ્યવસ્થા હતી, ના સડક હતી, ના હોસ્પિટલની સુવિધા હતી, આ વિસ્તારોના વિકાસનું વિશેષ અભિયાન ચલાવવા માટે અમે ઝારખંડના ખૂંટીથી પીએમ જનમન યોજના શરૂ કરી હતી. ભગવાન બિરસા મુંડાના ગામમાં ગયો હતો. તે માટીને માથા પર ચડાવીને, મેં આદિવાસીઓના કલ્યાણના સંકલ્પ લઈને નીકળેલ વ્યક્તિ છું. અને દેશનો હું પહેલો પ્રધાનમંત્રી હતો, જે ભગવાન બિરસા મુંડાના ઘરે ગયો હતો અને આજે પણ ભગવાન બિરસા મુંડાના પરિવારજનો સાથે મારો એટલો જ ગહેરો નાતો રહ્યો છે. પીએમ જનમન યોજના પર 24 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.
સાથીઓ,
ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન પણ પછાત આદિવાસી ગામોના વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. દેશભરમાં અત્યાર સુધી 60 હજારથી વધુ ગામ આ અભિયાનથી જોડાઈ ચૂક્યા છે. તેમાંથી હજારો ગામ એવા છે, જ્યાં પહેલીવાર પીવાનું પાણી પાઇપલાઇનથી પહોંચ્યું છે. અને સેંકડો ગામોમાં ટેલી-મેડિસિનની સુવિધા શરૂ થઈ છે. આ અભિયાન હેઠળ ગ્રામ સભાઓને વિકાસની ધરી બનાવવામાં આવી છે. ગામોમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, પોષણ, કૃષિ અને આજીવિકા પર સામૂદાયિક યોજનાઓ તૈયાર થઈ રહી છે. આ અભિયાન બતાવે છે કે જો કંઈક ધારી લેવામાં આવે, તો દરેક અસંભવ લક્ષ્ય પણ સંભવ બની જાય છે.
સાથીઓ,
અમારી સરકાર આદિવાસીઓના જીવન સાથે જોડાયેલા દરેક પાસાને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. અમે વન-પેદાશોની સંખ્યાને 20થી વધારીને લગભગ 100 કરી છે, વન પેદાશ પર MSP વધારી. અમારી સરકાર મોટા અનાજ, શ્રીઅન્નને ખૂબ પ્રોત્સાહન આપી રહી છે, જેનો ફાયદો આદિવાસી ક્ષેત્રોમાં ખેતી કરનારા આપણા આદિવાસી ભાઈ-બહેનોને મળી રહ્યો છે. ગુજરાતમાં અમે તમારા માટે ‘વનબંધુ કલ્યાણ યોજના’ શરૂ કરી હતી. તેનાથી તમને એક નવી આર્થિક મજબૂતી મળી. અને મને યાદ છે જ્યારે તે યોજનાને મેં શરૂ કરી હતી, તો મહિનાઓ સુધી અલગ-અલગ આદિવાસી ક્ષેત્રોમાંથી લોકો મારો ધન્યવાદ કરવા અને મારું સન્માન કરવા માટે આવતા. આટલી મોટી પરિવર્તનકારી હતી. મને આજે ખુશી છે કે ભૂપેન્દ્રભાઈ તે વન બંધુ કલ્યાણ યોજનાનો વિસ્તાર કરી રહ્યા છે અને હવે તેને જનજાતીય કલ્યાણ યોજનાના રૂપમાં નવા વિસ્તૃત કાર્યક્રમો સાથે તમારી સેવામાં પ્રસ્તુત કરવામાં આવી રહી છે.
ભાઈઓ અને બહેનો,
આદિવાસી સમુદાયોમાં સિકલ સેલ – આ બીમારી એક ખૂબ મોટો ખતરો રહી છે. તેનાથી નિપટવા માટે જનજાતીય વિસ્તારોમાં ડિસ્પેન્સરી, મેડિકલ સેન્ટર અને હોસ્પિટલની સંખ્યા વધારવામાં આવી છે. સિકલ સેલ બીમારીથી નિપટવા માટે રાષ્ટ્રીય સ્તર પર અભિયાન ચાલી રહ્યું છે. તેના હેઠળ દેશમાં 6 કરોડ આદિવાસી ભાઈ-બહેનોની સ્ક્રીનિંગ થઈ ચૂકી છે.
સાથીઓ,
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ સ્થાનિક ભાષામાં અભ્યાસની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આદિવાસી સમાજના જે બાળકો માત્ર ભાષાના કારણે પછાત રહી જતા હતા, તે હવે સ્થાનિક ભાષામાં અભ્યાસ કરીને પોતે પણ આગળ વધી રહ્યા છે, અને દેશની પ્રગતિમાં પોતાનું વધારેમાં વધારે યોગદાન આપી રહ્યા છે.
સાથીઓ,
આપણા ગુજરાતના આદિવાસી સમાજ પાસે કલાની પણ અદ્ભુત મૂડી છે. તેમની પેઇન્ટિંગ્સ, તેમની ચિત્રકલાઓ પોતે જ ખાસ છે. એક દીકરી ત્યાં ચિત્ર લઈને બેઠી છે. તે આપવા માટે લાવી હોય તેવું લાગે છે. આ અમારા SPGના લોકો જરા લઈ લો આ દીકરી પાસેથી. અહીંથી મને લાગે છે કંઈક વારલી પેઇન્ટિંગ પણ દેખાય છે તેમાં. ધન્યવાદ બેટા. તમારું જો તેમાં સરનામું હશે તો હું ચિઠ્ઠી લખીશ તમને. ખૂબ ખૂબ ધન્યવાદ બેટા. કલા ચિત્ર અહીં સહજ છે. આપણા પરેશભાઈ રાઠવા જેવા ચિત્રકાર, જે આ વિદ્યાઓને આગળ વધારી રહ્યા છે, અને મને સંતોષ છે કે અમારી સરકારે પરેશભાઈ રાઠવાને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા છે.
સાથીઓ,
કોઈ પણ સમાજની પ્રગતિ માટે લોકતંત્રમાં તેની સાચી ભાગીદારી પણ એટલી જ જરૂરી હોય છે. એટલા માટે, અમારું ધ્યેય છે કે, જનજાતીય સમાજના આપણા ભાઈ-બહેનો, દેશના મોટા પદો પર પણ પહોંચે, દેશનું નેતૃત્વ કરે. તમે જુઓ, આજે દેશના રાષ્ટ્રપતિ એક આદિવાસી મહિલા છે. તેવી જ રીતે, બીજેપીએ, NDAએ હંમેશા આદિવાસી સમાજના આપણા હોનહાર સાથીઓને શીર્ષ પદો પર પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આજે છત્તીસગઢના મુખ્યમંત્રી, આપણા જનજાતીય સમાજના વિષ્ણુદેવજી સાય, છત્તીસગઢનો કાયાકલ્પ કરી રહ્યા છે. ઓડિશામાં શ્રી મોહન ચરણ માંઝી, ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી જનજાતીય સમુદાયના આપણા માંઝીજી, ઓડિશાનો વિકાસ કરી રહ્યા છે. અરુણાચલ પ્રદેશમાં આપણા જનજાતીય બંધુ પેમા ખાંડૂ મુખ્યમંત્રીના રૂપમાં કામ કરી રહ્યા છે, નાગાલેન્ડમાં આપણા જનજાતીય બંધુ નેફ્યુ રિયો કામ કરી રહ્યા છે. અમે ઘણા રાજ્યોમાં આદિવાસી મુખ્યમંત્રી બનાવ્યા. દેશના ઘણા રાજ્યોની વિધાનસભામાં અમારી પાર્ટીએ આદિવાસી સ્પીકર બનાવ્યા. આપણા ગુજરાતના જ મંગુભાઈ પટેલ, મધ્યપ્રદેશમાં ગવર્નર છે. અમારી કેન્દ્ર સરકારમાં સર્બાનંદજી સોનોવાલ આદિવાસી સમાજમાંથી છે અને પૂરી શિપિંગ મિનિસ્ટ્રી સંભાળી રહ્યા છે. તેઓ ક્યારેક આસામના મુખ્યમંત્રી હતા.
સાથીઓ,
આ તમામ નેતાઓએ દેશની જે સેવા કરી છે, દેશના વિકાસમાં જે યોગદાન આપ્યું છે, તે અતુલનીય છે, અભૂતપૂર્વ છે.
સાથીઓ,
આજે દેશની પાસે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રની તાકાત છે. આ જ મંત્રે વીતેલા વર્ષોમાં કરોડો લોકોનું જીવન બદલ્યું છે. આ જ મંત્રે દેશની એકતાને મજબૂતી આપી છે. અને, આ જ મંત્રે દાયકાઓથી ઉપેક્ષિત જનજાતીય સમાજને મુખ્યધારા સાથે જોડ્યો છે, એટલું જ નહીં સંપૂર્ણ સમાજનું નેતૃત્વ થઈ રહ્યું છે. તેથી, આજે ભગવાન બિરસા મુંડાની 150મી જયંતીના પાવન પર્વ પર આપણે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને મજબૂત કરવાની શપથ લેવાની છે. ના વિકાસમાં કોઈ પાછળ રહે, ના વિકાસમાં કોઈ પાછળ છૂટે. એ જ ધરતી આબાના ચરણોમાં સાચી શ્રદ્ધાંજલિ છે. મને વિશ્વાસ છે કે, આપણે સૌ એકસાથે મળીને આગળ વધીશું, અને વિકસિત ભારતના સપનાને પૂરું કરીશું. આ જ સંકલ્પ સાથે, આપ સૌને એકવાર ફરી જનજાતીય ગૌરવ દિવસની શુભકામનાઓ. અને હું દેશવાસીઓને કહીશ કે, આ જનજાતીય ગૌરવ દિવસ તેમાં આપણી માટીની મહેક છે, તેમાં આપણા દેશની પરંપરાઓને જીવતા જનજાતીય સમુદાયની પરંપરા પણ છે, પુરુષાર્થ પણ છે અને આવનારા યુગ માટેની આકાંક્ષાઓ પણ છે. અને તેથી ભારતના દરેક ખૂણામાં હંમેશા-હંમેશા આપણે 15 નવેમ્બરને ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને જનજાતીય ગૌરવ દિવસને અત્યંત ગૌરવ સાથે મનાવવાનો છે. આપણે નવી શક્તિથી આગળ વધવાનું છે. નવા વિશ્વાસથી આગળ વધવાનું છે. અને ભારતની જડોથી જોડાતા આપણે નવી ઊંચાઈઓને પાર કરવાની છે. આ વિશ્વાસ સાથે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.
ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
આપણને સૌને ખબર છે વંદે માતરમ આ ગીતને 150 વર્ષ, આ પોતે જ ભારતની એક મહાન પ્રેરણાના, લાંબી યાત્રાના, લાંબા સંઘર્ષના, દરેક પ્રકારે વંદે માતરમ એક જે મંત્ર બની ગયો, તેના 150 વર્ષ આપણે મનાવી રહ્યા છીએ. મારી સાથે બોલો –
વંદે માતરમ્.
વંદે માતરમ્.
વંદે માતરમ્.
વંદે માતરમ્.
વંદે માતરમ્.
વંદે માતરમ્.
વંદે માતરમ્.
વંદે માતરમ્.
વંદે માતરમ્.
ખૂબ ખૂબ ધન્યવાદ.
SM/IJ/GP/JD
(Release ID: 2190402)
Visitor Counter : 8