શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

સરદાર વલ્લભભાઈ પટેલનો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપણને પ્રેરણા આપે છે: કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા


પોરબંદરમાં ચોપાટીથી રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની 8 કિલોમીટરની ભવ્ય એકતા પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહભાગી થયા

प्रविष्टि तिथि: 15 NOV 2025 9:42PM by PIB Ahmedabad

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી ઉજવણી અવસરે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા વિસ્તાર પદયાત્રા અંતર્ગત આજે પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય એકતા પદયાત્રા યોજાઇ હતી. પોરબંદરના ચોપાટી ખાતે ગાંધી સ્મૃતિ ભવનથી શરૂ થયેલી આ પદયાત્રાને પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ તેમજ કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી. મંત્રીશ્રીઓ આ આઠ કિલોમીટરની પદયાત્રામાં જોડાયા હતા અને મંત્રીશ્રીઓએ રેલવે સ્ટેશન પોરબંદર પાસે સરદારની પ્રતિમાએ પુષ્પાંજલિ આપી પદયાત્રા સંપન્ન વેળાએ સૌને શુભકામના પાઠવી હતી.

પોરબંદરની એકતા પદયાત્રામાં પોરબંદરની વિવિધ સંસ્થાઓ વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સામાજિક મંડળો, વહીવટી તંત્રના અધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.તિરંગા સાથે અને સરદારના જય ઘોષ અને ભારત માતાના જય ઘોષ સાથે પોરબંદરની આ પદયાત્રા દરમિયાન માર્ગો પર રાષ્ટ્રપ્રેમનો અનેરો માહોલ જોવા મળ્યો હતો અને દેશની એકતા માટે સૌ કટિબદ્ધ થઈ સ્વદેશી અપનાવવા સાથે આત્મનિર્ભર  ભારત માટેમાટે પણ શપથ લીધા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મ નિર્ભર ભારતના સંકલ્પમાં રાષ્ટ્ર પ્રગતિના પંથે છે. ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી સમયે 562 રજવાડાઓને ભારતમાં ભેળવી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. રાષ્ટ્ર એકતા માટે આપણે કટિબદ્ધ થઈ અને દેશ માટે સમાજસેવા માટે સમર્પિત થઈને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપીએ.

કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જો સરદાર સાહેબ ના હોત તો આજના ભારતની કલ્પના ના થઈ શકે. તેઓએ અખંડ અને વિરાટ ભારતનું નિર્માણ કર્યું. સરદાર સાહેબના સપના આપણે સાકાર કર્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આત્મ નિર્ભર ભારત અને વિકસિત ભારતની નેમ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. પોરબંદર વિધાનસભા વિસ્તારની યુનિટી માર્ચ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો સંસ્થાઓ જોડાયા તે બદલ સૌને મંત્રીશ્રીએ શુભકામના પાઠવી હતી.

આ એકતા પદયાત્રા આશરે 8 કિલોમીટરમાં યોજાઈ હતી. જે ચોપાટી ખાતેથી મહાનુભવો દ્વારા આ એકતા પદયત્રાને લીલીઝંડી બતાવી શરૂઆત કરાવવામાં આવી હતી અને પોતે પણ સહભાગી બન્યા હતા. ચોપાટી ખાતેથી કલેક્ટર બંગલો - પેરેડાઈઝ સર્કલ - હાર્મની સર્કલ - એમજી રોડ - સુદામા ચોક - ડ્રીમલેન્ડ સિનેમા - માણેક ચોક -  કીર્તિ મંદિર થઈ શીતળા ચોક અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર ભાવના ડેરી - અંબિકા સ્વીટ - હનુમાન ગુફા - બ્રહ્મ સમાજની વાળી થઈને રેલવે સ્ટેશન સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે આ પદયાત્રાનું સમાપન થયુ હતુ. જ્યાં મહાનુભવોએ અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી.

પદયાત્રાના રૂટ પર ઠેર-ઠેર સ્વાગત કાર્યક્રમો, પ્લેટફોર્મ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકોની સુવિધા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પદયાત્રામાં સાંદિપની વિદ્યા નિકેતન, નવરંગ સંગીત સાહિત્ય કલા પ્રતિષ્ઠાન, ગ્રીન પોરબંદર, જેસીઆઈ પોરબંદર, સંસ્કાર ભારતી, ખાદિ ભંડાર, ચેમ્બર ઓફ કોમર્સ, ડિસ્ટ્રીક્ટ ચેમ્બર, ખારવા સમાજ, અંજુલન ઇસ્લામ સમાજ, વાલ્મિકી સમાજ, હિતેષભાઇ લાખાણી (ટિફિન સેવા), મહેર સુપ્રીમ કાઉન્સિલ, લાયન્સ ક્લબ સહિતની સ્વૈચ્છિક સંસ્થાઓ આ પદયાત્રાનું વિવિધ સ્થળો પર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.


(रिलीज़ आईडी: 2190424) आगंतुक पटल : 47