ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સરદાર પટેલના વિચારો અને આદર્શો યુવા પેઢીને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણારૂપ: કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા


ભાવનગર ખાતે યોજાઇ જિલ્લા કક્ષાની ભવ્ય 'સરદાર@150 : યુનિટી માર્ચ'

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા, પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ પદયાત્રાને પ્રસ્થાન કરાવી

Posted On: 17 NOV 2025 4:09PM by PIB Ahmedabad

અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત આજે ભાવનગર ખાતે પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ભવ્ય 'સરદાર@150 : યુનિટી માર્ચ' યોજાઈ હતી. આ પદયાત્રામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા, ભાવનગરના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા તથા ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા જોડાયા હતા.

ભાવનગર પશ્ચિમ વિસ્તારના જશોનાથ સર્કલથી મસ્તરામ મંદિર સુધી યોજાયેલી આ ભવ્ય પદયાત્રા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો. આ પદયાત્રામાં વિશેષરૂપે લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર, શ્રી રાજભા ગઢવી, શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી સાગરદાન ગઢવી અને શ્રી પરેશદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

પદયાત્રા પૂર્વે સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાજા તખ્તસિંહજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સાધુ સંતો તથા મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાનો જશોનાથ સર્કલથી વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે, પદયાત્રાની પૂર્ણાહુતિ મસ્તરામ મંદિર ખાતે કરવામાં આવી હતી. આ પદયાત્રામાં જોડાયેલા નાગરિકોએ "એક ભારત, આત્મનિર્ભર ભારત" અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી. લગભગ આઠથી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાને નગરજનોએ પણ ઠેર-ઠેર વધાવી હતી.

આ ઉપરાંત કાર્યક્રમના પ્રારંભે શ્રી બચુભાઈ તથા જાદવજીભાઈ મોદીના પરિવારના વંશજોનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર દિવ્યાંગ ખેલાડી શ્રી અલ્પેશભાઈ સુતરીયા અને સંગીતાબેન સુતરીયાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સાથે જ, સૌ નગરજનોએ સ્વદેશીને પ્રોત્સાહન આપવા શપથ પણ લીધા હતા.

આ પદયાત્રામાં મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રીય એકતાનું સ્વપ્ન સાકાર કર્યું હતું, તે આજે પણ દેશની પ્રગતિનો આધાર સ્તંભ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં યુનિટી માર્ચ જેવી પ્રવૃત્તિઓ યુવાઓમાં દેશપ્રેમ, શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના પ્રજ્વલિત કરે છે. સરદાર સાહેબે રાષ્ટ્રીય એકતા માટે જે ત્યાગ કર્યું છે તેને યાદ રાખીને દરેક નાગરિકે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે પોતાનો અમૂલ્ય ફાળો આપવો જરૂરી છે.

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દેશ માટે સરદાર વલ્લભભાઈ પટેલને પ્રથમ રજવાડું અર્પણ કર્યું હતું, તેનું પણ મંત્રીશ્રીએ સ્મરણ કર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલે સેવેલા સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર  સશક્ત રાષ્ટ્રનિર્માણમાં અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે. પાડોશી દેશના મલીન ઈરાદાઓને નેસ્તનાબૂદ કરનાર સરદારના અડગ વલણને યાદ કરી મંત્રીશ્રીએ દેશની રક્ષા અને સાર્વભૌમત્વની વાત આવે ત્યારે પોતાના સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરનાર સરદારના દ્રઢ નિશ્ચયનું સ્મરણ કર્યું હતું અને દેશની એકતા અને અખંડિતતા તેમજ રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે, સરદાર પટેલના વિચારો અને આદર્શો યુવા પેઢીને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કરે છે. આ યુનિટી માર્ચ થકી યુવાનો દેશના ભવિષ્યના કર્ણધાર બન્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અખંડ ભારતમાં રજવાડું અર્પણ કર્યું હતું. આ સાથે તેમણે ભાવનગરમાં અનેક સ્થળે જોડાયેલી સરદાર પટેલની યાદો વાતોને યાદ કરી હતી. મંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારત તેમજ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે સૌને ભારપૂર્વક આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, જિલ્લા કલેકટરશ્રી ડૉ . મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર શ્રી ધવલ પંડ્યા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી એન.વી.ગોવાણી, આગેવાન શ્રી કુમારભાઈ શાહ, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર શ્રી ડો. હર્ષદ પટેલ, ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. ટી.એસ.જોશી, કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. ભરત રામાનુજ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


(Release ID: 2190806) Visitor Counter : 28