માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા “આદિજાતિ ઉત્થાન અને આત્મનિર્ભર ભારત” વિષયક ચિત્ર પ્રદર્શન યોજાયું


બારડોલીનાં તેન ગામની આઈ. આઈ. ટી. ખાતે યોજાયો કાર્યક્રમ

Posted On: 18 NOV 2025 8:07PM by PIB Ahmedabad

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત કેન્દ્રિય સંચાર બ્યૂરો, સુરત દ્વારા બારડોલી તાલુકાના તેન ગામની આઈ.ટી.આઈ. ખાતે “આદિજાતિ ઉત્થાન અને આત્મનિર્ભર ભારત” વિષયક ચિત્ર પ્રદર્શનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનનું ઉદ્ઘાટન તેન ગામના સરપંચ રીનાબેન ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત વિધિ મુજબ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ પર્યાવરણ જાગૃતિ માટે મહેમાનોને છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું

કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરતના ક્ષેત્રિય પ્રચાર સહાયક શ્રી ભાવિક સુતરીયાએ આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ, તેમની સંસ્કૃતિ, પરંપરા અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન સાથે વિદ્યાર્થીઓની ભૂમિકા વિષે પણ પ્રેરણાદાયી ઉદાહરણો રજૂ કર્યા હતા.

અગ્રણી શ્રી દેવેન્દ્રભાઈ ચૌધરીએ ગામના યુવાનો અને વિદ્યાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ લઈ સમાજના ઉન્નતિના માર્ગે આગળ વધવા અનુરોધ કરતાં પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.

ચિત્ર પ્રદર્શનીના પૂર્વ પ્રચાર અંતર્ગત તેન ગામની આઈ.ટી.આઈ,પ્રાથમિક શાળા, શ્રી યુ કે આર કે સેવા સમાજ સાર્વજનિક માધ્યમિક શાળા વગેરે સંસ્થાઓમાં વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓના વિજેતાઓને મહેમાનોના હસ્તે ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નાગરિકોએ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રદર્શનમાં આદિજાતિ વિકાસ, સંસ્કૃતિ, સરકારની યોજનાઓ અને આત્મનિર્ભર ભારતની દિશામાં ચાલતા પ્રયાસોને દર્શાવતા માહિતીસભર ચિત્રો સામેલ હતા.

આ કાર્યક્રમમાં તેન ગામના સરપંચ શ્રીમતી રીનાબેન ચૌધરી,પંચાયત પ્રમુખ શ્રી દિનેશભાઈ પરમાર,તલાટી મંત્રી શ્રી પ્રશાંતભાઈ પરમાર, અગ્રણી શ્રી દેવેન્દ્રભાઈ ચૌધરી,આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ શ્રી કલ્પેશકુમાર પટેલ વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને વધુ ગૌરવશાળી બનાવ્યો હતો.

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે કેન્દ્રિય સંચાર બ્યૂરો, સુરત ના રોશન પટેલ તેમજ આઇટીઆઈ સ્ટાફ તેમજ ગામના આગેવાનોનું મહત્વનું યોગદાન રહ્યું હતું.

SM/IJ/GP/JD

 


(Release ID: 2191399) Visitor Counter : 30