પર્યાવરણ અને વન મંત્રાલય
CEE ખાતે 21 નવેમ્બરે "લોસ્ટ ટેલેન્ટ્સ" થીમ સાથે રોડ ટ્રાફિક પીડિતો માટે સ્મૃતિ દિવસનું આયોજન
Posted On:
19 NOV 2025 2:53PM by PIB Ahmedabad
સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (CEE)એ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (GRSA) અને અન્ય અગ્રણી સંસ્થાઓના સહયોગથી, શુક્રવાર, 21 નવેમ્બર, 2025ના રોજ વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમની ઉજવણી માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ વૈશ્વિક દિવસ, જે દર વર્ષે નવેમ્બરના ત્રીજા રવિવારે મનાવવામાં આવે છે (આ વર્ષે યુએન દ્વારા 16 નવેમ્બર), રોડ ટ્રાફિક અકસ્માતોમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લાખો પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા અને માર્ગ સલામતી માટે નક્કર પગલાં લેવા હાકલ કરવા માટે સમર્પિત છે.
આ વર્ષની ઉજવણીની થીમ "ખોવાયેલી પ્રતિભાઓ" (Lost Talents) રાખવામાં આવી છે. આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય રોડ ટ્રાફિક અકસ્માતોમાં અકાળે જીવ ગુમાવનારા યુવાનો અને બાળકોના દુ:ખદ અવસાન પર પ્રકાશ પાડવાનો છે. વિશ્વભરમાં, રોડ ટ્રાફિક અકસ્માત યુવાનોના મૃત્યુનું મુખ્ય કારણ છે.
આ થીમ ભારપૂર્વક જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે, ત્યારે વિશ્વ ફક્ત એક વ્યક્તિને જ નહીં, પરંતુ તેમની સંભાવના, વિચારો અને સમાજ પરની ભાવિ અસર ગુમાવે છે.
ઝુંબેશની મુખ્ય ટેગલાઇન છે: "રિમેમ્બબર. સપોર્ટ. એક્ટ" (Remember. Support. Act.) – જે શોકગ્રસ્ત પરિવારોને યાદ કરવા, પીડિતોને સમર્થન આપવા અને ભવિષ્યની દુર્ઘટનાઓ રોકવા માટે કાર્યવાહી કરવા પ્રેરણા આપે છે.
આ કાર્યક્રમ બપોરે 2:00 થી 3:30 વાગ્યા દરમિયાન CEE કેમ્પસ, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે યોજાશે. જેમાં કાર્યક્રમની શરૂઆત રોડ ટ્રાફિક પીડિતોને યાદ કરીને અને તેમના પરિવારો દ્વારા અનુભવો અને પ્રતિબિંબો (Reflections) શેર કરીને કરવામાં આવશે. ત્યારબાદ "રોડ સેફ્ટીને મજબૂત બનાવવા માટે અમારી પ્રતિબદ્ધતાનું નવીકરણ" વિષય પર પેનલ ચર્ચા કરવામાં આવશે.
આ સત્રનો હેતુ નીતિ ઘડનારાઓ, માળખાગત નિષ્ણાતો, કાયદા અમલકર્તાઓ, સંશોધકો અને અન્ય હિતધારકોને એકસાથે લાવવાનો છે. ચર્ચાનું કેન્દ્ર નીતિઓ, માળખાગત સુવિધાઓમાં સુધારો, કાયદાનું કડક અમલ, સંશોધનને પ્રોત્સાહન અને સલામત સિસ્ટમો બનાવવા માટે સહયોગી પ્રયાસો પર રહેશે.
પેનલ ચર્ચા પછી, સહભાગીઓ રોડ સેફ્ટી સંબંધિત પ્રવૃત્તિઓનો નકશો બનાવવા, પહેલનો વિસ્તાર કરવા અને સંશોધનને પ્રાથમિકતા આપવા માટે નેટવર્કિંગ સત્રમાં જોડાશે.
આ કાર્યક્રમ CEE, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (GRSA), ધ અર્બન લેબ (TUL) ફાઉન્ડેશન, એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટી (ATCC) અને રોડ સેફ્ટી નેટવર્ક (RSN) ગુજરાતના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો છે, જે ગુજરાતમાં માર્ગ સલામતીના મુદ્દાને મજબૂત કરવા માટે સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પ્રસંગે CEEના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી કાર્તિકેય સારાભાઈ, ગુજરાત રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશનર શ્રી અનુપમ આનંદ, કમિશનર ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (GSRA) શ્રી એસ.એ. પટેલ (IAS), 108 ગુજરાત ઓપરેશન્સના વડા શ્રી સતીષ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
SM/IJ/DK/GP/JT
(Release ID: 2191649)
Visitor Counter : 14