યુવા બાબતો અને રમત મંત્રાલય
રાષ્ટ્રીય એક્તા પદયાત્રા અંતર્ગત 26 નવેમ્બરે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી રાષ્ટ્રીય પદયાત્રાનો શુભારંભ થશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાશે
કેન્દ્રિય અને રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ તથા અધિકારીઓ પણ થશે સંમેલિત
Posted On:
25 NOV 2025 11:46AM by PIB Ahmedabad
26 નવેમ્બર એટલે બંધારણ દિવસ. આ દિવસે સમગ્ર ભારતમાં પૂર્વ નાયબ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરની ઉજવણી રાષ્ટ્રીય પદયાત્રા થકી કરવામાં આવી રહી છે. સરદાર પટેલના એકતા અને અખંડિતતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો સ્તુત્ય પ્રયાસ આ રાષ્ટ્રીય એકતા પદયાત્રા થકી કરાયો છે.
કરમસદથી કેવડિયા સુધી યોજાનારી આ રાષ્ટ્રીય એકતા પદયાત્રાના શુભારંભ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સહિતના કેન્દ્રિય અને રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ તથા અધિકારીઓ સંમેલિત થશે.
રાષ્ટ્રીય પદયાત્રાનો વિસ્તૃત કાર્યક્રમ જોઇએ તો, તા.26 નવેમ્બરના રોજ સવારે 9:00 કલાકે મહાનુભાવો સરદાર પટેલના નિવાસસ્થાને આવેલ સરદાર પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સહિતના મંત્રીશ્રીઓ તથા કેન્દ્ર અને રાજ્યના પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે સરદાર સભાનું આયોજન કરાયું છે.
નિર્ધારિત કાર્યક્રમ અન્વયે બપોરના 12:00 કલાકે રાષ્ટ્રીય પદયાત્રાનું શાસ્ત્રી મેદાનથી ફલેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવવામાં આવશે. ત્યારબાદ આ પદયાત્રાના રૂટમાં જાહેર સ્થળોએ આવેલ સરદાર પટેલ સહિતના મહાનુભાવોની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી મહાનુભાવો દ્વારા ભાવાંજલિ અર્પણ કરવામાં આવશે.
પ્રથમ દિવસે તા. 26મી નવેમ્બરના રોજ આ રાષ્ટ્રીય પદયાત્રા શાસ્ત્રી મેદાન થઇને સરદાર પટેલ યુનિવર્સિટી, શહિદ ચોક, ભાઈકાકાની પ્રતિમા, ભાઈકાકા માર્ગ થઈને ટાઉન હોલ સર્કલ જશે. ત્યારબાદ બોરસદ ચોકડી થઈને જીટોડીયા રોડ, અંધારીયા ચોકડી થઈને નાવલી ખાતે પહોંચશે. જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ, નૃત્ય નાટીકા - લોકકડાયરો જેવા કાર્યક્રમો યોજાશે.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2193960)
Visitor Counter : 32