યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

યુનિટી માર્ચ અંતર્ગત યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રાની સાક્ષી બનશે પાંચ નદીઓ


મહી, વિશ્વામિત્રી, જાંબુઆ, ઢાઢર અને નર્મદા નદી ઐતિહાસિક રાષ્ટ્રીય પદયાત્રાની સાક્ષી બનશે

Posted On: 25 NOV 2025 11:54AM by PIB Ahmedabad

યુનિટી માર્ચ અંતર્ગત યોજાનારી "રાષ્ટ્રીય પદયાત્રા" એકતા અને અખંડિતતાનું પ્રતિબિંબ તો બનશે સાથે જ આ ઐતિહાસિક રાષ્ટ્રીય પદયાત્રાની સાક્ષી રાજ્યના ઇતિહાસ અને સંસ્કૃતિની ધરોહર સમાન પાંચ સરિતાઓ પણ બનશે.

કરમસદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી યોજાનારી આ રાષ્ટ્રીય પદયાત્રા આણંદ, વડોદરા અને નર્મદા એમ ત્રણ જિલ્લામાંથી પસાર થશે, ત્યારે ગુજરાતની પાંચ પવિત્ર અને સાંસ્કૃતિક રીતે મહત્ત્વની પાંચ નદીઓ તેની સાક્ષી બનશે. આ સરિતાઓમાં મહી, વિશ્વામિત્રી, જાંબુઆ, ઢાઢર અને રાજ્યની જીવાદોરી સમાન નર્મદાનો સમાવેશ થાય છે. પદયાત્રીઓ આ નદીઓના કિનારેથી પસાર થશે.

આ લોકમાતાઓ સંસ્કૃતિ, ઇતિહાસ અને જીવનનો પ્રવાહ છે ત્યારે આ પાંચ નદીઓના આશીર્વાદ સાથે રાષ્ટ્રીય પદયાત્રા ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિક બનીને રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ ફેલાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા સંગ્રામના મહત્ત્વપૂર્ણ તબક્કા સમાન ઐતિહાસિક દાંડી કૂચની સાક્ષી પણ રાજ્યની 10 નદીઓ બની હતી, જેમાં સાબરમતી, ખારી, વાત્રક, મહી, ઢાઢર, નર્મદા, કીમ, તાપી, મિંઢોળા અને પૂર્ણા નદીનો સમાવેશ થાય છે. સરદાર સાહેબને સમર્પિત આ પદયાત્રા પણ રાષ્ટ્રીય એકતાની દિશામાં તે જ પવિત્ર પગલાને અનુસરશે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2193968) Visitor Counter : 25