યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

વડોદરામાં સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય “યુનિટી માર્ચ” પદયાત્રા યોજાઈ

प्रविष्टि तिथि: 30 NOV 2025 7:08PM by PIB Ahmedabad

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આજે વડોદરા શહેરમાં એકતા અને દેશભક્તિનો અદભૂત સંદેશ આપતી “યુનિટી માર્ચ” પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાની શરૂઆત વડોદરા સ્થિત અરવિંદ આશ્રમથી કરવામાં આવી હતી. કેન્દ્રીય રમત તથા શ્રમમંત્રી શ્રી મનસુખ માંડવિયા આ પદયાત્રાનું નેતૃત્વ કર્યું હતું.

અરવિંદ આશ્રમથી શરૂ થયેલી પદયાત્રા વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ જામ્બુવા ખાતે પહોંચી હતી. પદયાત્રામાં કેન્દ્રિય રમત અને શ્રમમંત્રી શ્રી મનસુખ માંડવિયા, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી, વડોદરા મેયર શ્રીમતી પિન્કીબેન સોની, વડોદરા શહેર ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, વિધાનસભા દંડક શ્રી બાલુશુકલા, ગુજરાત સરકારની બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ગુજરાત સરકાર શિક્ષા મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા, વડોદરા કલેક્ટર શ્રી અનિલ ધમાલિયા, વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશબાબુ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી શીતલ મિસ્ત્રી, વડોદરા પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ તથા વડોદરા ભાજપ પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

પદયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી હતી ત્યારે વડોદરાવાસીઓએ ફૂલની વર્ષા કરીને યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બાળકોથી લઈને વડીલો સુધી તમામ વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો. પદયાત્રાના માર્ગમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરીને યાત્રાને વધાવી હતી.

પદયાત્રા અંતે જામ્બુવા સ્થિત આઈડિયલ સ્કૂલ ખાતે પહોંચતા ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈયા નાયડુ પદયાત્રામાં જોડાયા હતા. ત્યારબાદ જામ્બુવા આઈડિયલ સ્કૂલ ખાતે એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈયા નાયડુ ઉપસ્થિત રહ્યા હતા.

સભામાં કેન્દ્રિય મંત્રી શ્રી સંજય શેઠ (મિનિસ્ટર ઓફ સ્ટેટ – ડિફેન્સ), મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી, વડોદરા સાંસદ ડૉ. હેમાંગ જોશી, વડોદરા મેયર શ્રીમતી પિન્કીબેન સોની, વડોદરા પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, છોટાઉદેપુર સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, પૂર્વ સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, કરજણ ધારાસભ્ય શ્રી અક્ષય પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સભાની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ આગામી બે વર્ષ સુધી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના ઉપક્રમે દેશના 750 જિલ્લામાં દરરોજ એક દિવસ પદયાત્રાનું આયોજન કરીને એકતાનો સંદેશ આપવામાં આવશે. આ યાત્રા માત્ર પદયાત્રા નથી પરંતુ આત્મનિર્ભર ભારત અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો સંદેશ છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પદયાત્રા કરમસદથી શરૂ થઈ વડોદરામાં અંતિમ પડાવ પર પહોંચી છે. યાત્રાના દરમિયાન રસ્તાઓ પર વિવિધ સ્ટોલ દ્વારા સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને ઝાંસીની રાણીની વેશભૂષામાં લોકો યાત્રાનું સ્વાગત કરતા હતા. તેમણે કહ્યું કે આ પદયાત્રા ફક્ત યાત્રા નહીં પરંતુ જીવનયાત્રા છે. વડોદરાવાસીઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે યાત્રાનું સ્વાગત કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓ, એનએસએસના વિદ્યાર્થીઓ અને કોલેજના યુવાનો જોડાઈને એકતાનો સંદેશ આપી રહ્યા છે. સરદાર પટેલથી પ્રેરણા લઈને ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લેવો જરૂરી છે.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈયા નાયડુએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "કેન્દ્રીય મંત્રી શ્રી સંજય શેઠ અને શ્રીમતી અન્નપૂર્ણા દેવી આ યાત્રામાં જોડાઈને લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે. 1960થી બાળપણથી જ મારા મનપસંદ રાષ્ટ્રીય નાયક સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા છે. તેમણે દેશની એકતા માટે જે કાર્ય કર્યું છે તેમાંથી મને અપાર પ્રેરણા મળી છે."

તેમણે કહ્યું કે આ કાર્યક્રમ રાજનીતિ માટે નહીં પરંતુ રાષ્ટ્રની એકતા માટે છે. તેમણે શિક્ષણવ્યવસ્થામાં આપણા ઇતિહાસના મહાન પુરુષો જેવા કે છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી, મહારાણા પ્રતાપ વગેરેના જીવન અને સંઘર્ષનો સમાવેશ થવો જોઈએ તેવી માંગ પણ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને આ મહાન પુરુષોના જીવનચરિત્રોને પાઠ્યપુસ્તકોમાં સમાવિષ્ટ કરવાની વિનંતી કરવાની પણ વાત કરી.

શ્રી નાયડુએ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશનું ગૌરવ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવેલ આ કાર્ય અભૂતપૂર્વ છે. સરદાર પટેલે દેશના 562 રજવાડાઓને તેમના દૃઢ નિશ્ચય દ્વારા એકસૂત્રમાં બાંધ્યા હતા. તેમણે બારડોલી સત્યાગ્રહને પણ યાદ કરતા સરદાર પટેલના યોગદાનને નમન કર્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને સમાજના વિવિધ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ એકતા અને રાષ્ટ્રભક્તિનો સંદેશ પ્રસારિત કર્યો હતો.


(रिलीज़ आईडी: 2196610) आगंतुक पटल : 27