જળશક્તિ મંત્રાલય
azadi ka amrit mahotsav

આપણે સૌએ સરદાર પટેલના પદચિહ્નો પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ - કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ


શિનોરના બિથલી ગામે સરદાર@150 રાષ્ટ્રીય પદયાત્રાનું ભવ્ય સ્વાગત, શ્રી પાટીલ પદયાત્રામાં સહભાગી થયા

प्रविष्टि तिथि: 03 DEC 2025 8:07PM by PIB Ahmedabad

સરદાર@150 રાષ્ટ્રીય પદયાત્રાનું શિનોર તાલુકાના બિથલી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી શ્રી સી. આર. પાટીલ સહભાગી થયા હતા.

શ્રી પાટીલે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે અખંડ ભારતની કલ્પના જેમણે સાકાર કરી તેનો જશ જો કોઈ એકમાત્ર વ્યક્તિને આપવો પડે તો તે સરદાર વલ્લભભાઈ પટેલને આપવો પડે. તેમણે ટાંચા સાધનો સાથે 562 રજવાડાઓને જોડીને અખંડ ભારતની કલ્પનાને સાકાર કરી હતી. મહાત્મા ગાંધીજી જ્યારે સ્વતંત્રતા અને અખંડ ભારત બનાવવા માટે સત્યાગ્રહ કરતા હતા, ત્યારે તેમના પ્રયત્નને ખરા અર્થમાં જમીન પર ઉતારનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિષ્ઠા અને પ્રતિભાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વિશ્વમાં સૌથી મોટી પ્રતિમાનું સર્જન કરાવ્યું છે. આ લોખંડની પ્રતિમા માટેનું લોખંડ આખા દેશના અલગ અલગ ખેડૂતોએ પોતાના ખેતીના સાધનોમાંથી થોડો થોડો ભાગ આપીને સહયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આ વિશ્વનું એક ઉદાહરણ છે કે જેણે અખંડ ભારતની રચના કરી, તેને આખા દેશના સહયોગથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

વળી, સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વનો દાખલો બારડોલીનો સત્યાગ્રહ છે. જ્યારે આ સત્યાગ્રહ ચરમ સીમા પર હતો, ત્યારે મહાત્મા ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેના નેતૃત્વ માટે મોકલ્યા હતા, અને આશ્રમમાં લાંબો સમય રહ્યા બાદ ત્યાંની એક બહેને તેમને સરદાર’નું બિરુદ આપ્યું હતું. આ સફળ નેતૃત્વ કરવાને કારણે જ વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા.

તેમણે પદયાત્રામાં જોડાયેલા હજારો લોકોને સંબોધતા સંકલ્પ લેવા માટે આહ્વાન કર્યું હતું કે આપણે સૌએ સરદાર પટેલના પદચિહ્નો પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તેમણે બતાવેલી દિશામાં આગળ વધવું જોઈએ.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દરેક યુવાને એવો સંકલ્પ કરવો જોઈએ કે અખંડ ભારતને તોડવાના કોઈપણ પ્રયત્નનો મજબૂત થાય એ રીતે સામનો કરવામાટે તેઓ તૈયાર રહેશે. વિશ્વને  એવો સંદેશ મળવો જોઈએ કે "અમે લોખંડી પુરુષના વારસ છીએ અને અમારી તરફ આંખ ઊંચી કરીને જોવાવાળાને જવાબ આપવાની તાકાત રાખી છીએ".

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરદાર વલ્લભભાઈ પટેલની કલ્પનાનું ભારત, અખંડ ભારતની અખંડતા જાળવવા માટે આપણે બલિદાન આપવા સુધી તૈયારરહીશું, તેવા સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ. તેવી તેમણે હાંકલ કરી હતી.

આ વેળાએ રાજ્ય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


(रिलीज़ आईडी: 2198419) आगंतुक पटल : 20