પ્રધાનમંત્રીનું કાર્યાલય
રશિયાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ સ્ટેટમેન્ટ
प्रविष्टि तिथि:
05 DEC 2025 3:33PM by PIB Ahmedabad
મહામહિમ, મારા મિત્ર, રાષ્ટ્રપતિ પુતિન,
બંને દેશોના પ્રતિનિધિઓ,
મીડિયાના મિત્રો,
નમસ્કાર!
" દોબરી દેન "
આજે 23મી ભારત-રશિયા સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. તેમની યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે આપણા દ્વિપક્ષીય સંબંધો અનેક ઐતિહાસિક સીમાચિહ્નો પાર કરી રહ્યા છે. બરાબર 25 વર્ષ પહેલાં, રાષ્ટ્રપતિ પુતિને આપણી Strategic Partnership (વ્યૂહાત્મક ભાગીદારી) નો પાયો નાખ્યો હતો. પંદર વર્ષ પહેલાં, 2010 માં, આપણી ભાગીદારીને "Special and Privileged Strategic Partnership” ("વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી")ના દરજ્જા સુધી પહોંચાડવામાં આવી હતી.
છેલ્લા અઢી દાયકાથી, તેમણે પોતાના નેતૃત્વ અને દ્રષ્ટિકોણથી આ સંબંધોને પોષ્યા છે. તેમના નેતૃત્વએ દરેક પરિસ્થિતિમાં આપણા સંબંધોને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યા છે. હું મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો આ ગાઢ મિત્રતા અને ભારત પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
મિત્રો,
છેલ્લા આઠ દાયકાઓમાં, દુનિયાએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. માનવજાતે અનેક પડકારો અને કટોકટીઓનો સામનો કર્યો છે. અને આ બધા વચ્ચે, ભારત-રશિયા મિત્રતા ધ્રુવ તારાની જેમ ઉભી રહી છે. પરસ્પર આદર અને ઊંડા વિશ્વાસ પર બનેલો આ સંબંધ હંમેશા સમયની કસોટી પર ખરો ઉતર્યો છે. આજે, અમે આ પાયાને વધુ મજબૂત બનાવવા માટે સહકારના તમામ પાસાઓ પર ચર્ચા કરી. આર્થિક સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવો એ આપણી સહિયારી પ્રાથમિકતા છે. આ હાંસલ કરવા માટે, અમે 2030 સુધી આર્થિક સહયોગ કાર્યક્રમ પર સંમત થયા છીએ. આનાથી આપણો વેપાર અને રોકાણ વૈવિધ્યસભર, સંતુલિત અને ટકાઉ બનશે, અને આપણા સહયોગના ક્ષેત્રોમાં નવા પરિમાણો પણ ઉમેરાશે.
આજે, રાષ્ટ્રપતિ પુતિન અને મને ભારત-રશિયા વ્યાપાર મંચમાં હાજરી આપવાની તક મળશે. મને વિશ્વાસ છે કે આ મંચ આપણા વ્યાપારિક સંબંધોને નવી મજબૂતી આપશે. તે નિકાસ, સહ-ઉત્પાદન અને સહ-નવીનતા માટે પણ નવા દરવાજા ખોલશે.
બંને પક્ષો યુરેશિયન આર્થિક સંઘ સાથે FTA ના વહેલા નિષ્કર્ષ માટે પ્રયત્નશીલ છે. ખાદ્ય સુરક્ષા અને ખેડૂત કલ્યાણ માટે કૃષિ અને ખાતરોમાં આપણો ગાઢ સહયોગ મહત્વપૂર્ણ છે. મને ખુશી છે કે, આને આગળ ધપાવતા, બંને પક્ષો હવે યુરિયા ઉત્પાદન માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
મિત્રો,
આપણા બંને દેશો વચ્ચેconnectivity વધારવી એ અમારા માટે મુખ્ય પ્રાથમિકતા છે. અમે INSTC, ઉત્તરીય સમુદ્રી માર્ગ અને ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક કોરિડોર પર નવી ઊર્જા સાથે આગળ વધીશું. મને ખુશી છે કે અમે હવે ધ્રુવીય પાણીમાં ભારતીય નાવિકોને તાલીમ આપવા માટે સહયોગ કરીશું. આ ફક્ત આર્કટિકમાં અમારા સહયોગને મજબૂત બનાવશે નહીં પરંતુ ભારતીય યુવાનો માટે નવી રોજગારીની તકો પણ ઉભી કરશે.
તેવી જ રીતે, જહાજ નિર્માણમાં અમારા ઊંડા સહયોગમાં મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવવાની ક્ષમતા છે. આ અમારા win-win સહકારનું બીજું ઉત્તમ ઉદાહરણ છે, જે નોકરીઓ, કૌશલ્ય અને પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવશે.
ઉર્જા સુરક્ષા ભારત-રશિયા ભાગીદારીનો એક મજબૂત અને મહત્વપૂર્ણ આધારસ્તંભ રહ્યો છે. નાગરિક પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં અમારા દાયકાઓ જૂના સહયોગ સ્વચ્છ ઊર્જાની અમારી સહિયારી પ્રાથમિકતાઓને સાકાર કરવામાં મહત્વપૂર્ણ રહ્યા છે. અમે આ win-win સહકાર ચાલુ રાખીશું.
વિશ્વભરમાં સુરક્ષિત અને વૈવિધ્યસભર સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ખનિજોમાં અમારો સહયોગ મહત્વપૂર્ણ છે. આ સ્વચ્છ ઉર્જા, ઉચ્ચ તકનીકી ઉત્પાદન અને નવા યુગના ઉદ્યોગોમાં આપણી ભાગીદારીને મજબૂત ટેકો પૂરો પાડશે.
મિત્રો,
આપણા સાંસ્કૃતિક સહયોગ અને લોકો વચ્ચેના સંબંધોએ ભારત-રશિયા સંબંધોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. દાયકાઓથી, આપણા બંને દેશોના લોકો વચ્ચે સ્નેહ, આદર અને આત્મીયતાની ઊંડી ભાવના રહી છે. અમે આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઘણા નવા પગલાં લીધાં છે.
તાજેતરમાં, રશિયામાં બે નવા ભારતીય કોન્સ્યુલેટ ખોલવામાં આવ્યા હતા. આ બંને દેશોના નાગરિકો વચ્ચે સંપર્કને સરળ બનાવશે અને ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપશે. આ વર્ષે ઓક્ટોબરમાં, કાલ્મીકિયામાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મંચ ખાતે લાખો યાત્રાળુઓએ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના આશીર્વાદ મેળવ્યા હતા.
મને ખુશી છે કે અમે ટૂંક સમયમાં રશિયન નાગરિકો માટે મફત 30-દિવસનો ઇ-ટૂરિસ્ટ વિઝા અને 30-દિવસનો ગ્રુપ ટુરિસ્ટ વિઝાની શરુઆત કરીશું.
માનવશક્તિ ગતિશીલતા ફક્ત આપણા લોકોને જ જોડશે નહીં પરંતુ બંને દેશો માટે નવી શક્તિઓ અને તકો પણ ઉભી કરશે. મને ખુશી છે કે આને પ્રોત્સાહન આપવા માટે આજે બે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અમે વ્યાવસાયિક શિક્ષણ, કૌશલ્ય અને તાલીમ પર પણ સાથે મળીને કામ કરીશું. અમે બંને દેશોના વિદ્યાર્થીઓ, વિદ્વાનો અને રમતવીરોના આદાનપ્રદાનમાં પણ વધારો કરીશું.
મિત્રો,
આજે અમે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. ભારતે હંમેશા યુક્રેનમાં શાંતિની હિમાયત કરી છે. આ મુદ્દાના શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ માટે કરવામાં આવતા તમામ પ્રયાસોનું અમે સ્વાગત કરીએ છીએ. ભારત હંમેશા યોગદાન આપવા તૈયાર રહ્યું છે અને આપતા રહેશે.
ભારત અને રશિયાએ લાંબા સમયથી આતંકવાદ સામેની લડાઈમાં ખભે ખભો મિલાવીને સહયોગ કર્યો છે. પહેલગામમાં આતંકવાદી હુમલો હોય કે ક્રોકસ સિટી હોલ પર કાયર હુમલો - આ બધી ઘટનાઓનું મૂળ એક જ છે. ભારત દ્રઢપણે માને છે કે આતંકવાદ માનવતાના મૂલ્યો પર સીધો હુમલો છે, અને તેની સામે વૈશ્વિક એકતા આપણી સૌથી મોટી તાકાત છે.
ભારત અને રશિયાનો UN, G20, BRICS, SCO અને અન્ય મંચો પર ગાઢ સહયોગ છે. ગાઢ સંકલનમાં આગળ વધતા, અમે આ બધા મંચો પર આપણો સંવાદ અને સહયોગ ચાલુ રાખીશું.
મહામહિમ,
મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં, આપણી મિત્રતા આપણને વૈશ્વિક પડકારોનો સામનો કરવાની શક્તિ આપશે - અને આ આત્મવિશ્વાસ આપણા સહિયારા ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવશે.
હું ફરી એકવાર તમારો અને તમારા સમગ્ર પ્રતિનિધિમંડળનો ભારતની મુલાકાત બદલ આભાર માનું છું.
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2199461)
आगंतुक पटल : 16