સહકાર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા ગુજરાતના વાવ-થરાદ જિલ્લામાં બનાસ ડેરી દ્વારા નવનિર્મિત બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ઉદ્ઘાટન તેમજ 150 ટનના પાવડર પ્લાન્ટનો શિલાન્યાસ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ શ્વેત ક્રાંતિ 2.0 માટે મોટા લક્ષ્યો રાખ્યા છે

રાષ્ટ્રીય ગોકુલ મિશન, એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, પુનર્ગઠિત રાષ્ટ્રીય ડેરી યોજના તથા રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ દ્વારા શ્વેત ક્રાંતિ 2.0 ચોક્કસ સફળ થશે

બનાસ ડેરીએ જે બાયો સીએનજી પ્લાન્ટની પરંપરા ઊભી કરી, તે દેશભરની સહકારી સમિતિઓ માટે આદર્શ બનશે

માતાઓ-બહેનોની અથાક મહેનતથી બનાસ ડેરીનો કારોબાર 24 હજાર કરોડ સુધી પહોંચ્યો

બનાસકાંઠા અને મહેસાણામાં જળ-સંચય તથા પાણીના માધ્યમથી આવેલી સમૃદ્ધિ પર થઈ રહ્યા છે સંશોધન

ડેરી કોઓપરેટિવ્સ હાઈ-વેલ્યુ પ્રોડક્ટ્સના નિર્માણ પર ધ્યાન આપીને વધુ સમૃદ્ધ બનશે

પશુ આહાર પણ કોઓપરેટિવ્સમાં જ બનશે, લાભ સીધો બહેનોના બેંક ખાતામાં પહોંચશે

સર્ક્યુલર ઇકોનોમીથી ડેરી ખેડૂતની આવક 20 ટકાથી વધુ વધી જશે

શ્રી શાહે ડો. ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ પર તેમને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે તેમના આપેલા સંવિધાનના બળ પર એવી વ્યવસ્થા ઊભી થઈ છે કે દલિત, ગરીબ, આદિવાસી અને પછાત વર્ગના લોકો પણ સન્માનપૂર્ણ જીવન જીવી રહ્યા છે

प्रविष्टि तिथि: 06 DEC 2025 5:56PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના વાવ-થરાદ જિલ્લામાં બનાસ ડેરી દ્વારા નવનિર્મિત બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ઉદ્ઘાટન તેમજ 150 ટનના પાવડર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી, કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જર અને શ્રી મુરલીધર મોહોલ, કેન્દ્રીય સહકારિતા સચિવ ડો. આશિષ ભૂટાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા.

IMG_9202.JPG

કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં બનાસ ડેરીની શરૂઆત કરનાર ગલબાભાઈ નાનજીભાઈ પટેલે જે યાત્રા શરૂ કરી હતી, તે ધીમે ધીમે વધીને આ મુકામ પર પહોંચી ગઈ છે કે આજે અહીં 24 હજાર કરોડ રૂપિયા સુધીનો કારોબાર થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે તેઓ દેશભરમાં જ્યાં પણ જાય છે, ત્યાં ગર્વથી કહે છે કે ગુજરાતના ગામડાઓને સમૃદ્ધ બનાવવાનું કામ ગુજરાતની માતાઓ-બહેનોએ કર્યું છે. અહીંના ખેડૂત ભાઈઓ, વિશેષ રૂપે સહકારી આંદોલનના અગ્રણી લોકો, ગામની દૂધ મંડળીઓના ચેરમેન અને બનાસ ડેરીના ડિરેક્ટરોને કદાચ ખબર પણ ન હોય કે તેમણે કેટલો મોટો ચમત્કાર કરી બતાવ્યો છે. તેમણે કહ્યું કે 24 હજાર કરોડ રૂપિયાની કંપની ઊભી કરવી મોટા-મોટા કોર્પોરેટ્સ માટે પણ પરસેવો છોડાવનારું કામ હોય છે, પરંતુ બનાસકાંઠાની બહેનો અને ખેડૂતોએ જોતજોતામાં 24 હજાર કરોડ રૂપિયાની કંપની ઊભી કરી દીધી.

શ્રી અમિત શાહે કહ્યું કે આજે તેઓ પોતાની સાથે દેશની સંસદના બંને ગૃહો— લોકસભા અને રાજ્યસભાના સાંસદોને લઈને આવ્યા છે. તેમણે કહ્યું કે આગામી જાન્યુઆરીમાં સમગ્ર દેશની તમામ ડેરીઓના લગભગ 250 ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બનાસકાંઠાના સહકારી ડેરી ક્ષેત્રમાં થયેલા ચમત્કારને પોતાની આંખોથી જોવા આવી રહ્યા છે. તેમણે કહ્યું કે 1985-87ના દુષ્કાળ પછી જ્યારે તેઓ આ વિસ્તારમાં આવતા હતા અને ખેડૂતોને પૂછતા હતા, ત્યારે જણાવવામાં આવતું હતું કે તેઓ આખા વર્ષમાં માત્ર એક જ પાક ઉગાડી શકે છે, પરંતુ હવે બનાસકાંઠાનો ખેડૂત એક વર્ષમાં ત્રણ-ત્રણ પાક ઉગાડે છે. મગફળી પણ ઉગાડે છે, બટાટા પણ ઉગાડે છે, ઉનાળામાં બાજરી પણ વાવે છે અને ખરીફનો પાક પણ લે છે, જ્યારે પચીસ વર્ષ પહેલાં બનાસકાંઠામાં ત્રણ પાકની ખેતી કરવી એક માત્ર સ્વપ્ન હતું.

IMG_9104.JPG

કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના તે વિસ્તારોમાંથી અહીં પાણીની ઉપલબ્ધતા કરાવવાનું કામ કર્યું, જ્યાં પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હતું. તેમણે કહ્યું કે સુજલામ-સુફલામ યોજના હેઠળ નર્મદા અને મહી નદીનું વધારાનું પાણી બનાસકાંઠા પહોંચ્યું. પહેલા અહીંનો ખેડૂત બીજાના ખેતરોમાં મજૂરી કરતો હતો. આજે તે જ ખેડૂતે પોતાની જમીનને સ્વર્ગ બનાવી દીધી અને આખા બનાસકાંઠાને સમૃદ્ધ બનાવી દીધું.

શ્રી અમિત શાહે કહ્યું કે કોઈ મોટું કામ કરવા પર તેનું સંપૂર્ણ દસ્તાવેજીકરણ કરવું અથવા તેનો ઇતિહાસ લખવો એ આપણી પરંપરા કે આદત રહી નથી. પરંતુ તેમણે બે વિશ્વવિદ્યાલયોને જવાબદારી સોંપી છે કે તેઓ બનાસકાંઠા અને મહેસાણામાં જળ-સંચય તથા પાણીના માધ્યમથી આવેલી સમૃદ્ધિ અને લોકોના જીવનમાં આવેલા પરિવર્તન પર વિસ્તૃત સંશોધન કરે. તેમણે કહ્યું કે બનાસકાંઠાની આ મહેનત સુવર્ણ અક્ષરોમાં લખાશે અને સમગ્ર દેશના ગ્રામીણ વિકાસના ઇતિહાસમાં એક પ્રેરણાસ્ત્રોત બનીને ઊભરશે. તેમણે કહ્યું કે ખુશીની વાત એ છે કે આ મહેનતમાં મહિલાઓનું મોટું યોગદાન છે. શ્રી શાહે કહ્યું કે 24 હજાર કરોડ રૂપિયાના આ વિશાળ કારોબારમાં દૂધ એકઠું કરવાની તમામ મહેનત બનાસકાંઠાની બહેનો, દીકરીઓ અને માતાઓના હાથે થઈ છે. તેમણે કહ્યું કે આ મહિલાઓએ મહિલા સશક્તિકરણની વાતો કરતી વિશ્વની તમામ એનજીઓ (NGOs) સામે સૌથી જીવંત અને સૌથી મોટું ઉદાહરણ પ્રસ્તુત કરી દીધું છે. એવી પારદર્શક વ્યવસ્થા ઊભી થઈ ચૂકી છે કે કોઈ પણ આંદોલન કે કોઈ પણ નારા વગર, સીધા માતાઓ-બહેનોના બેંક ખાતામાં દર અઠવાડિયે તેમના દૂધના પૂરા પૈસા પહોંચી રહ્યા છે.

HMA03093.JPG

કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે બનાસ ડેરી આજે એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક ડેરી બની ચૂકી છે. તેમાં ગલવા કાકાનું મોટું યોગદાન છે. ગલબા કાકા એવા વ્યક્તિત્વ હતા જેમના હૃદયમાં ફક્ત ખેડૂત હિતની ભાવના વસતી હતી. વર્ષ 1960માં વડગામ અને પાલનપુર – ફક્ત બે તાલુકાઓના માત્ર આઠ ગામોની દૂધ મંડળીઓથી શરૂ થયેલી આ યાત્રા આજે 24 હજાર કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે ગલબાભાઈ દ્વારા શરૂ કરાયેલી પરંપરાનો મૂળ મંત્ર ખૂબ જ સરળ હતો કે “આપણી પાસે રૂપિયા તો ઓછા છે, પરંતુ આપણે ખૂબ બધા લોકો છીએ.” શ્રી શાહે કહ્યું કે ઘણા બધા લોકો દ્વારા થોડા-થોડા રૂપિયા એકઠા કરીને મોટું કામ કરવાનો તેમનો વિચાર એક વિશાળ વટવૃક્ષ બની ગયો છે, જે દેશ જ નહીં, વિશ્વના તમામ સહકારી આંદોલનોને પ્રેરણા આપી રહ્યો છે.

શ્રી અમિત શાહે કહ્યું કે આજે બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ છે. તેમણે કહ્યું કે બાબા સાહેબે જે સંવિધાન આ દેશને આપ્યું, તેના બળ પર દલિત, ગરીબ, આદિવાસી અને પછાત વર્ગના લોકો પણ સન્માનપૂર્ણ જીવન જીવી શકે, તેવી મજબૂત વ્યવસ્થા ઊભી થઈ છે. તેમણે કહ્યું કે તેઓ બાબા સાહેબને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. શ્રી શાહે કહ્યું કે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિના ઉપલક્ષ્યમાં આયોજિત કરવામાં આવી રહેલા કાર્યક્રમો હેઠળ ગુજરાતમાં ચાલી રહેલી એક વિશાળ પદયાત્રાનો સમાપન સમારોહ પણ આજે જ છે. તેમણે કહ્યું કે ખેડૂત અને સહકારિતાનો મૂળ વિચાર સરદાર સાહેબનો જ હતો. ગુજરાતે તેને અપનાવ્યો અને આજે તે વિચાર એક વિશાળ વટવૃક્ષ બની ગયો છે.

CR3_1460.JPG

કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે આજે અહીં ઘણી નવી શરૂઆત થઈ છે, જેના હેઠળ બાયો સીએનજી પ્લાન્ટ અને મિલ્ક પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન અને અત્યાધુનિક પ્રોટીન પ્લાન્ટ તેમજ હાઈ-ટેક ઓટોમેટિક પનીર પ્લાન્ટનું લોકાર્પણ થયું. તેમણે કહ્યું કે બનાસ ડેરીએ સર્ક્યુલર ઇકોનોમીના જે અભિનવ પ્રયોગો કર્યા છે, તેનાથી સલાહકાર સમિતિના સભ્ય સાંસદોને માહિતગાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે અત્યાર સુધી અમૂલના નેતૃત્વ હેઠળ ગુજરાતની ડેરીઓ દૂધ એકઠું કરતી હતી, પ્રોડક્ટ બનાવતી હતી, વેચતી હતી અને જે લાભ થતો હતો, તેને સીધા બહેનો અને ખેડૂતોના બેંક ખાતામાં નાખી દેતી હતી. આ બાબતમાં આપણે દુનિયામાં સૌથી આગળ રહ્યા છીએ. પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે ડેરીને સંપૂર્ણપણે સર્ક્યુલર ઇકોનોમી બનાવીએ. તેમણે કહ્યું કે ગાય-ભેંસનું એક ગ્રામ છાણ પણ બરબાદ ન થાય – તેમાંથી જૈવિક ખાતર બને, બાયો-ગેસ બને, વીજળી બને અને તેમાંથી જે કમાણી થાય, તે પણ પાછી ખેડૂત પાસે આવે. તેમણે કહ્યું કે બનાસ ડેરીએ જે બાયો સીએનજી પ્લાન્ટની પરંપરા ઊભી કરી, તે દેશભરની સહકારી સમિતિઓ માટે આદર્શ બનશે. શ્રી શાહે કહ્યું કે દુનિયામાં એવા ઘણા હાઈ-વેલ્યુ ડેરી પ્રોડક્ટ્સ છે જે હજી ભારતમાં બની રહ્યા નથી. તેમણે કહ્યું કે તેઓ આજે જ અમૂલના ચેરમેનને એક આખી યાદી આપી રહ્યા છે જેથી તે પ્રોડક્ટ્સના ઉત્પાદનનું કામ તરત શરૂ થાય. તેમણે કહ્યું કે આ પ્રોડક્ટ્સની કિંમત ખૂબ વધુ મળે છે અને વિશ્વ બજારમાં તેની ભારે માંગ છે. જો આપણે માત્ર દહીં, ઘી, પનીર બનાવવાને બદલે આ હાઈ-વેલ્યુ પ્રોડક્ટ્સ પર ધ્યાન આપીશું, તો આપણા ખેડૂત ભાઈઓ-બહેનોને અનેકગણો વધુ લાભ થશે.

શ્રી અમિત શાહે કહ્યું કે હવે આપણે ડેરીની સાથે-સાથે બાયોગેસ બનાવવાની શરૂઆત કરવાની છે, બાયો-સીએનજી બનાવવાની શરૂઆત કરવાની છે. તેમણે કહ્યું કે હવે સમગ્ર ભારતની કો-ઓપરેટિવ ડેરીઓ પશુ આહાર પણ બજારમાંથી નહીં ખરીદે. તેને પણ કો-ઓપરેટિવ સ્તર પર જ બનાવવામાં આવશે અને પશુ આહાર બનાવવાથી જે લાભ થશે, તે પણ સીધો આપણી બહેનોના બેંક ખાતામાં પહોંચશે. તેમણે કહ્યું કે આ આખી વ્યવસ્થા માટે ટેકનોલોજી પણ જોઈએ, ફાઇનાન્સ પણ જોઈએ – આ બધું ભારત સરકારે મોદીજીના નેતૃત્વમાં તૈયાર કરી દીધું છે.

CR3_1460.JPG

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે ખેડૂતો માટે ત્રણ નવી રાષ્ટ્રીય કો-ઓપરેટિવ સોસાયટીઓ બનાવવામાં આવી છે – બીજ ઉત્પાદન અને વિતરણ માટે, જૈવિક ઉત્પાદનોના માર્કેટિંગ માટે અને કૃષિ નિકાસ માટે. વળી, ડેરી ક્ષેત્ર માટે ત્રણ રાષ્ટ્રીય સ્તરની કો-ઓપરેટિવ્સ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ કુલ છ કો-ઓપરેટિવ સંસ્થાઓ મળીને હવે ખેતી સાથે જોડાયેલું દરેક કામ કરશે – ભલે ચીઝ બનાવવું હોય, પ્રોટીન બનાવવું હોય, ડેરી વ્હાઈટનર, માવો, આઈસ્ક્રીમ, બેબી ફૂડ બનાવવું હોય; તેલનું પેકેજિંગ, લોટ, મધ, કોલ્ડ સ્ટોરેજ, બટાકાની ચિપ્સ, બીજ ઉત્પાદન કે પશુ આહાર બનાવવો હોય – બધી વસ્તુઓ ડેરીની ઇકોનોમીના અંતર્ગત આવશે અને તેનો પૂરો લાભ પશુપાલકને મળે, તે ભારત સરકારનો સ્પષ્ટ અને મજબૂત પ્લાન છે. શ્રી શાહે કહ્યું કે તેઓ બનાસકાંઠાના ભાઈઓ-બહેનોને ભરોસો અપાવે છે કે પાંચ વર્ષની અંદર, માત્ર દૂધના વધતા ઉત્પાદનથી જે લાભ થશે તે અલગ રહેશે, પરંતુ આજે જેટલું દૂધ આવે છે તે જ માત્રામાં પણ સર્ક્યુલર ઇકોનોમીથી તમારી આવક ઓછામાં ઓછી 20 ટકાથી વધુ વધી જશે. તેનો પૂરો ડિટેઈલ્ડ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે અને ખૂબ જ સૌભાગ્યની વાત છે કે આ સમગ્ર ડિટેઈલ્ડ પ્લાનિંગનું કેન્દ્ર બનાસ ડેરીનું હેડક્વાર્ટર જ બનશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બનાસકાંઠાની જેમ સમગ્ર દેશના પશુપાલકો અને ખેડૂતોની આવક વધારવાનું આ મોડેલ સફળ થશે.

શ્રી અમિત શાહે કહ્યું કે દરેક ગામની દૂધ મંડળીને માઈક્રો-એટીએમ પણ આપી દેવામાં આવ્યું છે, જેનાથી ફાઇનાન્સનું કામ ખૂબ જ સરળ થઈ ગયું છે. આવનારા દિવસોમાં આ જ માઈક્રો-એટીએમથી ફાઇનાન્સની સુવિધા પણ શરૂ થવાની છે. તેમણે કહ્યું કે મોદીજીએ શ્વેત ક્રાંતિ 2.0 માટે ઘણા મોટા લક્ષ્યો રાખ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે રાષ્ટ્રીય ગોકુલ મિશન, એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, પુનર્ગઠિત રાષ્ટ્રીય ડેરી યોજના તથા રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ, આ ચાર સ્તંભો સાથે શ્વેત ક્રાંતિ 2.0 ચોક્કસ સફળ થશે. તેમણે કહ્યું કે બનાસ ડેરીએ જે પરંપરા ઊભી કરી છે, તે ફક્ત બનાસકાંઠા સુધી સીમિત નહીં રહે. તે સમગ્ર દેશના કરોડો પશુપાલકો માટે સમૃદ્ધિનું માધ્યમ બનશે.

SM/NP/GP/JD


(रिलीज़ आईडी: 2199847) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Odia , Tamil , Kannada