શ્રમ અને રોજગાર મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે પાલિતાણા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરાયું
રૂ.5 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થશે
પોસ્ટેડ ઓન:
12 DEC 2025 3:30PM by PIB Ahmedabad
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના પથિકાશ્રમ સંકુલ ખાતે કેન્દ્રીય શ્રમ-રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે તેમજ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત ભવન, પાલિતાણાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તાલુકા પંચાયત ભવન રૂ. 5 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ નિર્માણ પામનાર તાલુકા પંચાયત ભવનમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ચેરમેનશ્રી તેમજ ગ્રામ વિકાસની ઓફિસો, મિટિંગ હોલ, કોન્ફરન્સ રૂમ, એકાઉન્ટ સ્ટાફ રૂમ, ટોઇલેટ, RO તથા કૂલરની વ્યવસ્થા, વાહન પાર્કિંગની સુવિધા, રોડ-રસ્તા તથા પાણી સ્ટોરેજની સુવિધાઓની સાથે દિવ્યાંગો માટે અલગ ટોઇલેટ તથા રેમ્પની અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

પાલિતાણાના પથિકાશ્રમ ખાતે યોજાયેલા ભૂમિપૂજન કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારીશ્રી જયરાજસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય અને હાઉસીંગ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા, અગ્રણી શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીગરભાઈ વાઘેલા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ પાલિતાણાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
(રીલીઝ આઈડી: 2202928)
મુલાકાતી સંખ્યા : 52