યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ચેન્નાઈમાં પ્રથમ વર્લ્ડ કપ વિજય બાદ ભારતીય સ્ક્વોશ ટીમનું સન્માન કર્યું


રમતગમત ક્ષેત્રે ભારત ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે. એક પછી એક, આપણે સીમાચિહ્નો સ્થાપિત કરી રહ્યા છીએ: ડૉ. માંડવિયા

प्रविष्टि तिथि: 17 DEC 2025 6:08PM by PIB Ahmedabad

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ બુધવારે ઐતિહાસિક વર્લ્ડ કપ વિજેતા ભારતીય સ્ક્વોશ ટીમનું સન્માન કર્યું હતું. જોશના ચિનપ્પા, અભય સિંહ, વેલવન સેન્થિલકુમાર અને અનાહત સિંહની બનેલી મિશ્ર ટીમે ગયા શનિવારે ચેન્નાઈમાં ઈતિહાસ રચ્યો હતો.

જીત ભારત માટે પ્રથમ સ્ક્વોશ વર્લ્ડ કપ ટાઈટલ હતું, જે 2023 ની આવૃત્તિમાં બ્રોન્ઝ મેડલના તેમના અગાઉના શ્રેષ્ઠ પ્રદર્શનમાં સુધારો કરે છે. ભારતે ટૂર્નામેન્ટની ફાઇનલમાં ટોચના ક્રમાંકિત હોંગકોંગ સામે 3-0 થી વિજય નોંધાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ઇજિપ્ત ધરાવતી ભદ્ર યાદીમાં જોડાઈને સ્ક્વોશ વર્લ્ડ કપ જીતનાર માત્ર ચોથો દેશ બન્યો હતો.

ખેલાડીઓને અભિનંદન આપતા ડૉ. માંડવિયાએ ઉલ્લેખ કર્યો હતો કે "ભારતીય રમતગમત માટે ગર્વની ક્ષણ" છે. "રમતગમત ક્ષેત્રે ભારત ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે. એક પછી એક, આપણે સીમાચિહ્નો સ્થાપિત કરી રહ્યા છીએ. આપણી મહિલા ક્રિકેટ ટીમે પણ તાજેતરમાં વર્લ્ડ કપ જીત્યો છે," તેમણે કહ્યું.

"આપણી સ્ક્વોશ ટીમ આપણી પોતાની ધરતી પર વર્લ્ડ કપ જીતે તે ખૂબ ગર્વની ક્ષણ છે. ટીમે સમગ્ર સ્પર્ધા દરમિયાન એક પણ મેચ ગુમાવી નથી. મને આનંદ છે કે રમતગમત ક્ષેત્રનો વિકાસ દેશ માટે વધુ ગૌરવ લાવવાનું ચાલુ રાખશે," માનનીય મંત્રીએ ઉમેર્યું.

ભારતના ટોચના સ્ક્વોશ ખેલાડીઓને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) ના સમર્થનથી પણ ફાયદો થયો છે, જેણે સતત ઉચ્ચ-પ્રદર્શન ઇનપુટ્સ, આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અને નિષ્ણાત માર્ગદર્શન દ્વારા તેમની તૈયારીઓને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

યુવા ખેલાડી અનાહત સિંહે સમગ્ર ચેન્નાઈ મીટ દરમિયાન પ્રેક્ષકોના સમર્થનને શ્રેય આપ્યો હતો. "મેં મારા સિનિયરો સાથે પહેલીવાર વર્લ્ડ કપમાં રમી હતી. તે એક ઉત્તમ શીખવાનો અનુભવ હતો અને હું સતત સમર્થન માટે ચેન્નાઈના પ્રેક્ષકોનો આભાર માનું છું," તેમ 17 વર્ષીય ખેલાડીએ જણાવ્યું હતું.

ટીમ હવે 2026 એશિયન ગેમ્સ અને અંતે LA 2028 ઓલિમ્પિકના સ્વરૂપમાં આવનારા મોટા લક્ષ્યો તરફ જોઈ રહી છે, જ્યાં સ્ક્વોશ તેની શરૂઆત (ડેબ્યૂ) કરશે.

આવતા વર્ષે જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ પહેલા પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ વિજેતા જોશના ચિનપ્પા આશાવાદી છે. "અમે ઘણા મહિનાઓથી તૈયારી કરી રહ્યા હતા અને વર્લ્ડ કપમાં અનુભવ ઘણો સારો રહ્યો. તે અમને જાપાનમાં એશિયાડ પહેલા ઘણો આત્મવિશ્વાસ આપે છે. હું અંગત રીતે શ્રેષ્ઠ આકારમાં રહેવા અને ગેમ્સ માટે ક્વોલિફાય થવાની આશા રાખું છું," તેમ 39 વર્ષીય ખેલાડીએ જણાવ્યું હતું.

 

SM/BS/GP/JD


(रिलीज़ आईडी: 2205538) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी