કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે ચૌધરી ચરણ સિંહ કિસાન સન્માન સમારોહમાં ભાગ લીધો


ચૌધરી ચરણ સિંહ કિસાન કલ્યાણ, સમૃદ્ધિ અને ગ્રામીણ વિકાસના પ્રતીક હતા – શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

“વિકસિત ભારત-G RAM G” થી ગ્રામીણ રોજગાર અને વિકાસનું નવું ચિત્ર બનશે - શ્રી ચૌહાણ

“વિકસિત ભારત-G RAM G” માં ખેડૂત અને શ્રમિકો વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ – શ્રી ચૌહાણ

માત્ર માટી ખોદવાના કામથી રોજગાર ગેરંટીની સાર્થકતા સિદ્ધ થઈ શકે તેમ નહોતી - કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણ

નવા કાયદા દ્વારા શાળા, ગટર, રસ્તો, પુલિયા અને ખેતર સુધીના રસ્તા બનાવવાનું કામ પણ કરવામાં આવશે - શ્રી ચૌહાણ

વૈજ્ઞાનિકો સીધા ખેતરોમાં જઈને ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા છે - કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી ચૌહાણ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગરીબ કલ્યાણ અને વિકાસનું કામ કરતા રહીશું - શ્રી શિવરાજ સિંહ

प्रविष्टि तिथि: 20 DEC 2025 8:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં કિસાન ટ્રસ્ટ દ્વારા પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં આયોજિત ચૌધરી ચરણ સિંહ કિસાન સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રીએ પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું અને પ્રગતિશીલ ખેડૂતો તેમજ કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ સંસ્થાઓનું સન્માન કર્યું હતું. સમારોહમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તેમજ ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી જયંત ચૌધરી વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ પ્રગતિશીલ ખેડૂત શ્રી સત્યવાન સહરાવત, કૃષિ રત્ન પુરસ્કાર 2025 અંતર્ગત કૃષિ ઉત્થાન શ્રેણીમાં ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. દેવેન્દ્ર કુમાર યાદવ, કૃષિ ઉદ્યોગસાહસિક શ્રેણીમાં ફ્રુવેટેક પ્રાઇવેટ લિમિટેડ, કિસાન ટ્રસ્ટ સેવા રત્ન શ્રેણીમાં પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન અને કિસાન ટ્રસ્ટ કલમ રત્ન પુરસ્કારથી શ્રી હરવીર સિંહને સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ચૌધરી ચરણ સિંહ હંમેશા જીવનમાં એક આદર્શ તરીકે સ્થાપિત રહ્યા છે. આખો દેશ તેમને આશા અને વિશ્વાસની નજરે જોતો હતો. તેઓ સત્ય, વિનમ્રતા અને દ્રઢતાના પ્રતીક હતા. સાથે જ તેમના હૃદયમાં ગામડાં, ગરીબ અને ખેડૂતોના ઉત્થાન માટેની તડપ હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ ચૌધરી સાહેબ જ હતા જેમણે આખા હિન્દુસ્તાનને કહ્યું હતું કે દેશની સમૃદ્ધિનો માર્ગ ખેડૂતના ખેતરની મેડ (શેઢા) પરથી પસાર થાય છે.

શ્રી ચૌહાણે કહ્યું કે ચૌધરી સાહેબે આઝાદીની લડતમાં પણ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. મહાત્મા ગાંધીજીથી પ્રેરિત થઈને તેઓ મીઠાના સત્યાગ્રહમાં જોડાયા હતા અને હિંડન નદી પાસે જઈને મીઠું બનાવી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. આઝાદીની લડતમાં તેઓ જેલમાં પણ ગયા હતા અને આઝાદી પછી પણ અન્યાય સામે અડીખમ રહ્યા હતા. શ્રી ચૌહાણે જણાવ્યું કે જમીનદારી પ્રથા નાબૂદ કરવામાં જો કોઈનું સૌથી વધુ યોગદાન હોય તો તે ચૌધરી ચરણ સિંહ જ છે.

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે વેરહાઉસમાં અન્ન ભંડારને ગરીબ કલ્યાણ સાથે જોડવાનો અદભૂત પ્રયાસ ચૌધરી ચરણ સિંહે જ કર્યો હતો. 'કામના બદલે અનાજ' યોજનાનો વિચાર રજૂ કરીને ગરીબોના ઘરોમાં સન્માનજનક રીતે અનાજ સુનિશ્ચિત કરવાનું કામ તેમની જ દેન છે.

કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે તાજેતરમાં પસાર થયેલા બિલ 'વિકસિત ભારત- ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' ની પણ ચર્ચા કરી અને કહ્યું કે આ નવા કાયદાના મૂળમાં ગરીબ કલ્યાણનો ભાવ રહેલો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ કાયદા હેઠળ હવે 100 ને બદલે 125 દિવસના રોજગારની ગેરંટીની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે મનરેગા હેઠળ બજેટમાં 88 હજાર કરોડ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી, જે વધીને 1 લાખ કરોડ અને ત્યારબાદ વધીને 1 લાખ 11 હજાર કરોડ સુધી પણ પહોંચી છે. તો શું આટલી મોટી રકમનો ઉપયોગ ગ્રામીણ વિકાસના કાર્યોમાં ન થવો જોઈએ? કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે માત્ર માટી ખોદવાના કામથી મનરેગાની સાર્થકતા સિદ્ધ થતી નહોતી, ભ્રષ્ટાચારના વિકલ્પો ખુલ્લા રહેતા હતા. પરંતુ નવા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા કાયદા હેઠળ 100 ને બદલે 125 દિવસના રોજગારની ગેરંટી આપવામાં આવી છે, સાથે જ ગામડાઓમાં વિકાસનું ચિત્ર બદલવાનું કામ પણ સુનિશ્ચિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ગામમાં કયા કામો થવા જોઈએ તેની યાદી ગામ દ્વારા જ નક્કી કરવામાં આવશે અને તે મુજબ કામ કરવામાં આવશે. નવા કાયદાને ગામના વિકાસ સાથે જોડી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે રોજગાર આપવામાં આવશે અને તે જ રોજગારથી ગામનું ચિત્ર પણ બદલાશે. શાળા, ગટર, રસ્તો, પુલિયા અને ખેતરના રસ્તા બનાવવાનું કામ પણ કરવામાં આવશે.

શ્રી ચૌહાણે કહ્યું કે નવા કાયદા હેઠળ પંચાયતોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. વિકાસ અને રોજગારના આધારે રકમની ફાળવણી કરવામાં આવશે. આ કાયદા હેઠળ વાવણી, લણણી અને કૃષિ પ્રવૃત્તિઓમાં સામેલ શ્રમિકોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેડૂત અને શ્રમિકો વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય કૃષિ મંત્રીએ એમ પણ કહ્યું કે સરકાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બહેતર કામ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવા અને પ્રયોગશાળાઓને બદલે સીધા ખેતરોમાં જઈને ખેડૂતો સુધી સંશોધનની માહિતી પહોંચાડવા માટે 'લેબ ટુ લેન્ડ' વિઝનને આગળ ધપાવવામાં આવ્યું છે. સરકારે નક્કી કર્યું છે કે વર્ષમાં એકવાર વૈજ્ઞાનિકો સીધા ખેતરોમાં જઈને ખેડૂતો સાથે સંવાદ કરશે. આ અંતર્ગત માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોની જરૂરિયાત મુજબ સંશોધન કરવાની વાત પણ કરી હતી.

નકલી ખાતર અને જંતુનાશકો, ખેડૂતોને બાયોસ્ટિમ્યુલન્ટ અને ટેગિંગના નામે અન્ય ખાતર પદાર્થો વેચવા અંગે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે સરકાર આ બધા સામે આયોજનબદ્ધ રીતે કામ કરી રહી છે. આગામી બજેટ સત્રમાં નવો કાયદો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે કડક કાયદો બનાવીને બેઈમાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી ચૌહાણે કિસાન ટ્રસ્ટને આગામી બજેટ સત્ર અને 5 વર્ષની કૃષિ યોજનાઓના નિર્માણમાં સૂચનો આપવા આહવાન પણ કર્યું હતું. ચિંતન શિબિર અંગે પણ વિચારો અને સૂચનો શેર કરવાની વાત કરી હતી.

અંતમાં ફરી એકવાર કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી ચૌહાણે ચૌધરી ચરણ સિંહને આદર્શ તરીકે વ્યાખ્યાયિત કરતા કહ્યું કે ચૌધરી સાહેબના મૂલ્યો અને સિદ્ધાંતો પર ચાલતા સરકાર પ્રધાનમંત્રી શ્રી મોદીના નેતૃત્વમાં ખેડૂત કલ્યાણમાં કોઈ કસર બાકી રાખશે નહીં.

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2207094) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Kannada