નીતિ આયોગ
azadi ka amrit mahotsav

નીતિ આયોગે ‘ભારતમાં ઉચ્ચ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ’ પર અહેવાલ બહાર પાડ્યો

प्रविष्टि तिथि: 22 DEC 2025 8:44PM by PIB Ahmedabad

નીતિ આયોગે આજે ‘ભારતમાં ઉચ્ચ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ: સંભાવનાઓ, ક્ષમતા અને નીતિ વિષયક ભલામણો’ (Internationalisation of Higher Education in India: Prospects, Potential, and Policy Recommendations) શીર્ષક હેઠળ એક વ્યાપક નીતિ અહેવાલ લોન્ચ કર્યો છે. આ અહેવાલ નીતિ આયોગના વરિષ્ઠ નેતૃત્વ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ઉપાધ્યક્ષ શ્રી સુમન બેરી, સભ્ય (શિક્ષણ) ડૉ. વી. કે. પૌલ, સભ્ય ડૉ. અરવિંદ વિરમાણી અને CEO શ્રી બી. વી. આર. સુબ્રહ્મણ્યમનો સમાવેશ થાય છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ ડૉ. વિનીત જોશી અને AICTE ના ચેરમેન પ્રો. સીતારામ પણ રિપોર્ટ લોન્ચિંગમાં સહભાગી થયા હતા.

નીતિ આયોગ અને IIT મદ્રાસની આગેવાની હેઠળના નોલેજ પાર્ટનર્સના કન્સોર્ટિયમ વચ્ચેના સહયોગી પ્રયાસનું પરિણામ એવો આ અહેવાલ ગ્લોબલ સાઉથમાં એક અગ્રેસર પ્રકાશન છે. તે NEP 2020 માં કલ્પના કર્યા મુજબ 'ઘરઆંગણે આંતરરાષ્ટ્રીયકરણ' (internationalisation at home) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે વૈશ્વિક, રાષ્ટ્રીય અને સંસ્થાકીય સ્તરે આંતરરાષ્ટ્રીયકરણના અભિગમોની સાથે છેલ્લા 20 વર્ષોમાં શૈક્ષણિક ગતિશીલતામાં જોવા મળેલા વલણોની તપાસ કરે છે. અહેવાલ વિદ્યાર્થી અને ફેકલ્ટીની ઉન્નત ગતિશીલતા, વધુ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક અને સંશોધન સહયોગ અને ભારતમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ચ કેમ્પસ સ્થાપવાની અને ભારતીય જાહેર તથા ખાનગી યુનિવર્સિટીઓના કેમ્પસ વિદેશમાં સ્થાપવાની સંભાવનાઓ શોધે છે.

અહેવાલ વ્યાપક ગુણાત્મક અને જથ્થાત્મક વિશ્લેષણ પર આધારિત છે, જેમાં 24 રાજ્યોની 160 ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEIs) દ્વારા 100+ પ્રશ્નો ધરાવતા વ્યાપક સર્વેક્ષણના પ્રતિસાદો અને આ વર્ષની શરૂઆતમાં IIT મદ્રાસ ખાતે આયોજિત રાષ્ટ્રીય વર્કશોપમાં 140 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓના પરિપ્રેક્ષ્યો, વિચારો અને અનુભવોનો સમાવેશ થાય છે. 16 દેશોની 30 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિષ્ણાતો સાથે 'કી ઇન્ફોર્મન્ટ ઇન્ટરવ્યુ' (Key Informant Interviews) પણ લેવામાં આવ્યા હતા, જે વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પૂરો પાડે છે.

આ પ્રસંગે બોલતા શ્રી સુમન બેરીએ જણાવ્યું હતું કે ભારતમાં ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણને પ્રોત્સાહન આપવા માટે વ્યાપારી અને રાજદ્વારી બંને કારણો છે, ખાસ કરીને 'સોફ્ટ પાવર'ના સાધન તરીકે.

ડૉ. પૌલે NEP ના અમલીકરણ અને વિકસિત ભારત 2047 ના ભારતના વિઝનના સંદર્ભમાં આ અહેવાલને રજૂ કર્યો હતો. તેમણે કલ્પના કરી હતી કે ભારતે 2030 સુધીમાં કેન્દ્રીય અને રાજ્ય યુનિવર્સિટીઓમાં 1 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ યજમાન બનવાનું લક્ષ્ય રાખવું જોઈએ.

ડૉ. વિરમાણીએ અવલોકન કર્યું કે ભારતીય શિક્ષણ પ્રણાલીથી લાભ મેળવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભારતના અને વિશ્વના વિકાસમાં યોગદાન આપી શકે છે. તેમણે વધુ આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા ભારતના ડોક્ટરલ કાર્યક્રમોને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

શ્રી બી. વી. આર. સુબ્રહ્મણ્યમે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થાની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીના આંતરરાષ્ટ્રીયકરણના અનેક હકારાત્મક પરિણામો પર પ્રકાશ પાડ્યો હતો. તે ભારતીય યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમો અને અભ્યાસક્રમની ગુણવત્તામાં સુધારો કરી શકે છે, ફોરેક્સ (વિદેશી હૂંડિયામણ) આઉટફ્લો ઘટાડવામાં સકારાત્મક અસર કરી શકે છે અને સંશોધન ભાગીદારી માટે વધુ તકો પૂરી પાડી શકે છે. તેમણે આંતરરાષ્ટ્રીયકરણને આગળ વધારવામાં ખાનગી યુનિવર્સિટીઓની ભૂમિકા, 3.5 કરોડ મજબૂત ભારતીય ડાયસ્પોરાનો લાભ લેવાની તક અને નિયમનની સરળતા દ્વારા સરકારને ઉદ્દીપક ભૂમિકા ભજવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ડૉ. વિનીત જોશીએ જણાવ્યું હતું કે ભારત ઉચ્ચ શિક્ષણનું વૈશ્વિક હબ બને તે માટે જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. NEP હેઠળની પહેલો એ પ્રારંભિક બિંદુ છે અને UGC નિયમોએ ભારત તરફ લગભગ 13 આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓને આકર્ષવામાં મદદ કરી છે. તેમણે અહેવાલની ગુણવત્તાની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે તેમાં જણાવેલ 76 એક્શન પાથવે 2047 ના આંતરરાષ્ટ્રીયકરણના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક મજબૂત રોડમેપ પૂરો પાડે છે.

AICTE ના ચેરમેન પ્રો. સીતારામએ અવલોકન કર્યું કે ભારતે 'ટેલેન્ટ મેગ્નેટ' બનવું જોઈએ અને તેના એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેનેજમેન્ટના ઉચ્ચ ગુણવત્તાવાળા કાર્યક્રમોમાં ગ્લોબલ સાઉથના વધુ વિદ્યાર્થીઓને આકર્ષવા જોઈએ.

અહેવાલ 22 નીતિ વિષયક ભલામણો, 76 એક્શન પાથવે, 125 પરફોર્મન્સ સક્સેસ ઇન્ડિકેટર્સની સાથે અત્યારે અનુસરવામાં આવતી લગભગ 30 ભારતીય અને વૈશ્વિક પદ્ધતિઓ રજૂ કરે છે. આ ભલામણોનો ઉદ્દેશ્ય વ્યૂહરચના (Strategy), નિયમન (Regulation), નાણાકીય (Finance), બ્રાન્ડિંગ, સંચાર અને આઉટરીચ (Communication & Outreach), અને અભ્યાસક્રમ તથા સંસ્કૃતિ (Curriculum & Culture) સહિતના 5 વિષયવસ્તુ ક્ષેત્રોમાં સુધારો લાવવાનો છે જેથી ભારતને 2047 સુધીમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધનનું વૈશ્વિક હબ બનાવી શકાય.

નીતિ અહેવાલ અહીંથી મેળવી શકાય છે: https://niti.gov.in/sites/default/files/2025-12/Internationalisation_of_Higher_Education_in_India_Report.pdf

નીતિ સારાંશ (policy brief) અહીંથી મેળવી શકાય છે: https://niti.gov.in/sites/default/files/2025-12/Internationalisation_of_Higher_Education_in_India_Policy_Brief.pdf

SM/NP/GP/JD


(रिलीज़ आईडी: 2207573) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi