યુવા બાબતો અને રમત મંત્રાલય
અમદાવાદ ખાતે 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક-2036ને ધ્યાન રાખી ભારત સરકારની 25000 જેટલા ખેલાડીઓ તૈયાર કરવાની નેમઃ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં ખેલ પીપલ્સ મૂવમેન્ટ બનીઃ કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી દેશભરમાં જુદા જુદા સ્થળોએ સંસદ ખેલ મહોત્સવમાં સહભાગી બનેલા રમતવીરો સાથે સંવાદ સાધી, ખેલના મેદાનમાં ભારતનો પરચમ લહેરાવવા પ્રેરિત કર્યા
જૂનાગઢમાં પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ - 2025નું સમાપન: પોરબંદર લોકસભાના 7 વિધાનસભા ક્ષેત્રોના ખેલાડીઓએ ફીનાલેમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે રમત કૌશલ્યો દર્શાવ્યા
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ રમતગમતને રોજબરોજના જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે સંકલ્પિત થવા અનુરોધ કર્યો
प्रविष्टि तिथि:
25 DEC 2025 7:24PM by PIB Ahmedabad
કેન્દ્રીય સ્પોર્ટ્સ અને યુવા બાબતોના મંત્રી શ્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ-2025ના સમાપન સમારોહમાં જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક 2036 ને ધ્યાન રાખી ભારત સરકારની 25000 જેટલા ખેલાડીઓ તૈયાર કરવાની નેમ છે, આ માટે ભારત સરકાર જરૂરી રોડમેપ બનાવવામાં આવ્યો છે સાથે જ ખેલાડીઓના કૌશલ્યો વધુ નિખારે તે માટે સ્પોર્ટ્સ ટેકનોલોજીના ઉપયોગ, કોચિંગ સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

જૂનાગઢ ખાતેના સરદાર પટેલ સંકુલ ખાતે આયોજિત આ સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને દેશભરમાં જુદા જુદા સ્થળોએ સંસદ ખેલ મહોત્સવમાં સહભાગી બનેલા રમતવીરો સાથે સંવાદ સાધી, ખેલના મેદાનમાં ભારતનો પરચમ લહેરાવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી, તેમણે રમત ગમતના સંદર્ભમાં યુવા નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ પણ વાત કરી હતી.

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, રમત રમતના ક્ષેત્રમાં કોઈપણ ખેલાડી વિજેતા બને છે અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ભારતનો તિરંગો ફહેરાવે ત્યારે તે ગૌરવ માત્ર ખેલાડી પૂરતું સીમિત ન રહેતા સમગ્ર ભારતના 140 કરોડ લોકો ગૌરવ અનુભવે છે.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સાંસદ ખેલ મહોત્વના માધ્યમથી જન પ્રતિનિધિઓને સીધું રમતવીરો અને યુવાનો સાથે જોડાવાનો અવસર મળ્યો છે, પોરબંદર લોકસભા હેઠળના 7 વિધાનસભા ક્ષેત્રોના 12 થી 82 વર્ષના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક જુદી જુદી રમતોમાં સહભાગી બની ખેલ સંસ્કૃતિને આગળ વધારી છે. આ સાંસદ ખેલ મહોત્સવમાં 38000 જેટલા રમતવીરોએ રજીસ્ટ્રેશન કર્યું હતું.

ખેલ દ્વારા સંસ્કારોનું પણ સિંચન થાય છે, સ્પોર્ટ્સમેન સ્પિરિટ વિકસવાની સાથે રમત હાર પચાવતા પણ શીખવે છે. રમતના મેદાનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મેરીટના ધોરણે વિજેતા બને છે.
તેમણે કહ્યું કે, ખાસ ગ્રામીણ વિસ્તારમાં ખડતલ, મહેનતુ અને મજબૂત બાંધાના લોકો હોવાથી ખેલના મેદાનમાં પંચમ લહેરાવવાની પૂર્ણ ક્ષમતાઓ રહેલી છે, તેને સાંસદ ખેલ મહોત્સવ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, સાંસદ ખેલ મહોત્સવ દરમિયાન ખેલાડીઓના કૌશલ્યોના નિરીક્ષણ માટે સ્પોર્ટ્સ ઓથોરિટીના અધિકારીઓને મોકલવામાં આવ્યા છે, જે કૌશલ્યવાન ખેલાડીઓની નોંધ કરી તેમને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે ભારત સરકાર પૂરતી સહાય અને સુવિધાઓ આપશે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું શાબ્દિક સ્વાગત કરી વર્ચ્યુઅલ કાર્યક્રમનું સંચાલન કરતા કહ્યું હતું કે, ખેલ વિકલ્પ નથી પણ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે, સમગ્ર ભારતમાં 290 સાંસદોએ ખેલ મહોત્સવનું આયોજન કર્યું હતું, તેમાં એક કરોડથી વધુ પ્રતિભાગીઓ જોડાયા હતા. સાથે જ પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી દેશમાં ખેલ પીપલ્સ મૂવમેન્ટ બની છે. તેમ જણાવ્યું હતું.
4T0P.jpeg)
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ રમત રોજબરોજના જીવનનો અભિન્ન ભાગ બને તેવો સંકલ્પ લેવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, શરીરને જેટલી ઊંઘ અને આરામની જરૂર છે, તેટલા જ શ્રમ અને પરસેવો પાડવાની પણ જરૂરિયાત છે, મેદાનમાં રમતો રમવાથી જરૂરથી સ્વાસ્થ્ય સારું બને છે. તેમણે એમ પણ કહ્યું કે, સાંસદ ખેલ મહોત્સવ વગેરે અભિયાન દ્વારા રમત ગમત માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું થયું છે. ખાસ અહીંના સશક્ત અને મહેનતુ લોકોમાં રમત ગમતના ક્ષેત્રે આગળ વધી શકે તે માટે પૂરી ક્ષમતા રહેલી છે.
કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે સાંસદ ખેલ મહોત્સવના વિજેતા ખેલાડીઓ અને ટીમોને પ્રમાણપત્ર ટ્રોફી અને મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ વિજેતા ખેલાડી કુ. પ્રિયંકાબેન ગોસ્વામીની વિશેષ પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા એ શાબ્દિક સ્વાગત અને આભાર વિધિ સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારિયાએ કરી હતી.
આ પ્રસંગે મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, ધોરાજીના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, કમિશનર શ્રી તેજસ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, શાસક પક્ષના નેતા શ્રી મનન અભાણી, ઉપરાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા, જેડીસીસી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, અગ્રણી શ્રી પુનિતભાઈ શર્મા સહિતના પદાધિકારી- અધિકારી અને રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(रिलीज़ आईडी: 2208574)
आगंतुक पटल : 16