માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

શા માટે પૃથ્વી સમગ્ર રીતે નથી સુકાઈ જતી : સાથે મળીને વૈજ્ઞાનિકોએ વૈશ્વિક આબોહવાનો પ્રશ્ન ઉકેલ્યો


IIT ગાંધીનગર અને હેલ્મહોલ્ટ્ઝ સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ રિસર્ચના સંશોધકોએ દર્શાવ્યું છે કે કેવી રીતે કુદરતી સમુદ્રી ચક્રો અને વરસાદની પેટર્ન એકસાથે, સમગ્ર પૃથ્વી પરના દુષ્કાળ અને વૈશ્વિક સ્તરે કૃષિ પતનને અટકાવે છે

100 થી વધુ વર્ષોના આબોહવા ડેટાના આધારે, અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જોકે ગ્લોબલ વોર્મિંગ દુષ્કાળની ગંભીરતામાં વધારો કરે છે, પરંતુ સિંક્રોનાઇઝ્ડ (એકસમાન સમયે થતા) દુષ્કાળ અપેક્ષા કરતા દુર્લભ છે, જે કોઈપણ સમયે માત્ર 1.8–6.5% જમીનને અસર કરે છે

દુષ્કાળને એક જોડાયેલ વૈશ્વિક પ્રણાલી તરીકે ગણીને, સંશોધન ટીમે મુખ્ય "દુષ્કાળ હબ" અને વહેલી ચેતવણી આપતા પ્રદેશોની ઓળખ કરી છે જે ખાદ્ય બજારોને સ્થિર કરવામાં મદદ કરી શકે છે

પોસ્ટેડ ઓન: 23 FEB 2026 8:53PM by PIB Ahmedabad

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) ના સંશોધકોએ, આંતરરાષ્ટ્રીય ભાગીદારોના સહયોગથી, દર્શાવ્યું છે કે સમુદ્રના તાપમાનની પેટર્ન દુષ્કાળના વૈશ્વિક પ્રસારને મર્યાદિત કરવામાં મદદ કરે છે. 'કમ્યુનિકેશન્સ અર્થ એન્ડ એન્વાયરમેન્ટ' (Communications Earth & Environment) માં પ્રકાશિત થયેલા આ અભ્યાસે 1901–2020 ના આબોહવા ડેટાનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે સિંક્રોનાઇઝ્ડ દુષ્કાળ વૈશ્વિક જમીનના 1.8% થી 6.5% ની વચ્ચે અસર કરે છે, જે અગાઉના દાવાઓ કરતા ઘણો ઓછો છે કે જેમાં કહેવાયું હતું કે પૃથ્વીનો છઠ્ઠો ભાગ એકસાથે સુકાઈ શકે છે.

ડૉ. ઉદિત ભાટિયાના નેતૃત્વમાં થયેલા આ અભ્યાસમાં, જેમાં IITGN અને હેલ્મહોલ્ટ્ઝ સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ રિસર્ચ - UFZ, લીપઝિગ, જર્મનીના સહ-લેખકો છે, વિશ્વના વિવિધ ભાગોમાં દુષ્કાળ સમયની સાથે કેવી રીતે ગોઠવાય છે અને તેમના ફેલાવાને શું નિયંત્રિત કરે છે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. IITGN માં 'મશીન ઇન્ટેલિજન્સ એન્ડ રેઝિલિયન્સ લેબ' અને 'AI રેઝિલિયન્સ એન્ડ કમાન્ડ (ARC) સેન્ટર' ના મુખ્ય લેખક અને મુખ્ય તપાસકર્તા ડૉ. ભાટિયાએ સમજાવ્યું કે, “અમે દુષ્કાળની શરૂઆતને વૈશ્વિક નેટવર્કની ઘટનાઓ તરીકે ગણી છે. જો બે દૂરના પ્રદેશો ટૂંકા સમયના ગાળામાં દુષ્કાળમાં પ્રવેશ્યા હોય, તો તેમને સિંક્રોનાઇઝ્ડ માનવામાં આવ્યા હતા.”

આવા હજારો જોડાણોનું મેપિંગ કરીને, ટીમે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને ઉત્તર અમેરિકાના ભાગોમાં 'દુષ્કાળ હબ' (Drought hubs) ની ઓળખ કરી છે. સમાંતર રીતે, તેઓએ ઘઉં, ચોખા, મકાઈ અને સોયાબીનની ઐતિહાસિક પેદાશનું વિશ્લેષણ કર્યું જેથી તે જાણી શકાય કે મધ્યમ દુષ્કાળ ખાદ્ય ઉત્પાદનને કેવી રીતે અસર કરે છે.

IITGN ના AI વૈજ્ઞાનિક હેમંત પુનિયા, જેમણે સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં તેમનો અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસ પૂર્ણ કર્યો છે, તેમણે જણાવ્યું હતું કે, “ઘણા મોટા કૃષિ પ્રદેશોમાં, જ્યારે મધ્યમ દુષ્કાળ પડે છે, ત્યારે પાક નિષ્ફળ જવાની સંભાવના ઝડપથી વધે છે — ઘણીવાર 25% થી ઉપર, અને કેટલાક વિસ્તારોમાં, મકાઈ અને સોયાબીન જેવા પાકો માટે 40–50% થી ઉપર.” જો ઘણા પ્રદેશો એકસાથે સુકાઈ જાય તો આ આપત્તિજનક બની શકે છે, પરંતુ અભ્યાસ દર્શાવે છે કે કુદરતી આબોહવા પ્રક્રિયાઓ, ખાસ કરીને પેસિફિક અને અન્ય મહાસાગરોમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં ફેરફાર, દુષ્કાળ કેટલે દૂર અને કેટલી સમાન રીતે ફેલાઈ શકે છે તેને મર્યાદિત કરે છે.

આ ફેરફારોનું એક મુખ્ય કારણ 'અલ નીનો-સધર્ન ઓસિલેશન' (El Niño–Southern Oscillation) છે, જે પેસિફિક મહાસાગરમાં કુદરતી ગરમી-ઠંડીનું ચક્ર છે જે વિશ્વભરમાં વરસાદને નવો આકાર આપે છે. અલ નીનો વર્ષો દરમિયાન, ઓસ્ટ્રેલિયા એક અગ્રણી દુષ્કાળ હબ બની જાય છે, જ્યારે અન્ય પ્રદેશો અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. લા નીના દરમિયાન, દુષ્કાળની પેટર્ન ફરીથી બદલાય છે, જે ઘણીવાર ભૌગોલિક રીતે વધુ વિખરાયેલી બને છે. સહ-લેખક દાનિશ મન્સૂર તાંતરી, જેઓ IITGN ના ભૂતપૂર્વ માસ્ટર વિદ્યાર્થી છે અને નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટી (USA) માંથી PhD કરી રહ્યા છે, તેમણે સમજાવ્યું કે, “સમુદ્ર-સંચાલિત આ ફેરફારો પ્રાદેશિક પ્રતિસાદોનું એક પેચવર્ક (જોડાણ) બનાવે છે, જે એકસાથે અનેક ખંડોને આવરી લેતા એકલ, વૈશ્વિક દુષ્કાળના ઉદભવને મર્યાદિત કરે છે.”

વરસાદ અને તાપમાન વચ્ચેની પરસ્પર અસરનો અભ્યાસ કરીને ટીમે એ સમજવાનો પણ પ્રયાસ કર્યો કે આ બંને પરિબળો દુષ્કાળની ગંભીરતાને કેવી રીતે ચલાવે છે. લેખકોએ શોધી કાઢ્યું કે, તાજેતરના દાયકાઓમાં, દુષ્કાળની ગંભીરતામાં લાંબા ગાળાના ફેરફારોના લગભગ બે-તૃતીયાંશ ભાગ વરસાદમાં ફેરફારને કારણે હોઈ શકે છે, જ્યારે બાકીના એક-તૃતીયાંશ ભાગ ગરમીને કારણે વધતી જતી બાષ્પીભવનની માંગ સાથે જોડાયેલા છે. હેલ્મહોલ્ટ્ઝ સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ રિસર્ચના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને આ અહેવાલના અનુરૂપ લેખક (corresponding author) ડૉ. રોહિણી કુમારે નોંધ્યું કે, “વૈશ્વિક સ્તરે વરસાદ મુખ્ય પરિબળ છે, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકા જેવા પ્રદેશોમાં, પરંતુ યુરોપ અને એશિયા જેવા કેટલાક મધ્ય-અક્ષાંશ પ્રદેશોમાં તાપમાનનો પ્રભાવ સ્પષ્ટપણે વધી રહ્યો છે.”

અભ્યાસ હાઇલાઇટ કરે છે કે વૈશ્વિક કૃષિ ઝોન પર આબોહવાની અસર વિશેનો ડેટા-સંચાલિત સંશોધન વિશ્વના ખાદ્ય પુરવઠાને સુરક્ષિત રાખવાના આપણા અભિગમને બદલી શકે છે. અલગ-અલગ હવામાન અહેવાલોથી આગળ વધીને અને પૃથ્વીને એક પરસ્પર જોડાયેલા નેટવર્ક તરીકે જોઈને, ટીમે સ્થાનિક શુષ્કતા વૈશ્વિક કટોકટી બને તે પહેલાં 'વહેલી ચેતવણી' આપતા પ્રદેશોને ઓળખવા માટેના માર્ગો બનાવ્યા છે.

તેની વ્યાપક અસરો પર પ્રકાશ પાડતા, પ્રો. વિમલ મિશ્રાએ જણાવ્યું હતું કે, “આ તારણો આંતરરાષ્ટ્રીય વેપાર, સંગ્રહ અને સરળ નીતિઓના મહત્વને રેખાંકિત કરે છે. કારણ કે દુષ્કાળ બધા પ્રદેશોમાં એક જ સમયે આવતો નથી, તેથી સ્માર્ટ પ્લાનિંગ દ્વારા વૈશ્વિક ખાદ્ય પુરવઠાને સુરક્ષિત કરવા માટે આ કુદરતી વિવિધતાનો ઉપયોગ કરી શકાય છે.” પ્રો. મિશ્રા IITGN માં પાણી અને આબોહવાના અગ્રણી નિષ્ણાત છે અને ભારતનો સર્વોચ્ચ બહુશાખાકીય વિજ્ઞાન પુરસ્કાર, શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર મેળવનાર છે.

ડૉ. ભાટિયાએ કહ્યું, “અમારું સંશોધન હાઇલાઇટ કરે છે કે આપણે ગરમ થતા ગ્રહની સામે લાચાર નથી. સમુદ્ર, વરસાદ અને તાપમાન વચ્ચેના નાજુક સંતુલનને સમજીને, નીતિ નિર્માતાઓ ચોક્કસ 'દુષ્કાળ હબ' પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને એક પ્રદેશમાં પાકની નિષ્ફળતા બીજા પ્રદેશમાં ભાવમાં વધારો કરે તે પહેલાં વૈશ્વિક બજારને સ્થિર કરવા માટે પાઇપલાઇન્સ બનાવી શકે છે.”

લેખકો અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (SERB) નેટવર્ક ઓફ નેટવર્ક્સ ગ્રાન્ટ, પ્રોજેક્ટ DEAL અને ટકાઉ શહેરોમાં AI Centre of Excellence (AICoE) ના સમર્થનનો સ્વીકાર કરે છે.

SM/NP/GP/JD


(રીલીઝ આઈડી: 2231935) મુલાકાતી સંખ્યા : 97
આ રીલીઝ વાંચો: English