માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

IIT ગાંધીનગર, ગ્લોબલ ચેમ્બર અમદાવાદ ગિફ્ટ સિટી સંશોધનને વૈશ્વિક બજારો સુધી પહોંચાડવા માટે ભાગીદાર બન્યા


વૈશ્વિક બજારમાં પ્રવેશ, ઉદ્યોગ ભાગીદારી અને IITGN ના સંશોધનને બજાર માટે તૈયાર ઉકેલોમાં રૂપાંતરિત કરવા માટેની સહયોગી પહેલ

પોસ્ટેડ ઓન: 31 AUG 2026 5:34PM by PIB Ahmedabad

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) અને Global Chamber® નેટવર્કનો એક ભાગ એવા ગ્લોબલ ચેમ્બર અમદાવાદ ગિફ્ટ સિટીએ 28 ઓગસ્ટ, 2026 ના રોજ સંશોધનને બજાર માટે તૈયાર ઉકેલોમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા અને IITGN ના વૈશ્વિક નવીનતા અને ટેકનોલોજી વેલિડેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી યુનિવર્સિટી-ઇન્ડસ્ટ્રી-ગ્લોબલ ઇકોસિસ્ટમ ભાગીદારી સ્થાપિત કરવા માટે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.

MoU પરસ્પર હિતની પહેલો પર બંને સંસ્થાઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા અને સહયોગ માટે એક ઔપચારિક માળખું પૂરું પાડે છે. ગ્લોબલ ચેમ્બર અમદાવાદ ગિફ્ટ સિટી વૈશ્વિક ભાગીદારી, બજારમાં પ્રવેશ અને IITGN માટે દ્રશ્યતા (visibility) ને સરળ બનાવવા માટે CEOs, રોકાણકારો અને નીતિ ઘડવૈયાઓના તેના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ઉપયોગ કરશે.

આ સહયોગ ભારતમાં પ્રવેશતી આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી કંપનીઓને ટેકો આપવા અને ભારત માટે વેલિડેશન, સર્ટિફિકેશન અને એડેપ્ટેશન ફ્રેમવર્ક વિકસાવવા માટે સંયુક્ત કાર્યક્રમોની સંભાવનાઓ તપાસશે. તે IITGN ના વૈશ્વિક સ્થાન (global positioning) ને ટેકો આપવાની સાથે અને આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી કંપનીઓ માટે વધુ મજબૂત ઇન્ડિયા-એન્ટ્રી પાઇપલાઇન બનાવવાની સાથે સંયુક્ત સંશોધન, રોકાણો અને ક્રોસ-બોર્ડર સ્કેલિંગને પણ સરળ બનાવશે.

સહયોગની વ્યાપક ક્ષમતા પર ભાર મૂકતા, IIT ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. રજત મુનાએ નોંધ્યું હતું કે, “IIT ગાંધીનગર જેવી સંસ્થા માટે, એ મહત્વનું છે કે અમારા સંશોધનો અને નવીનતાઓ કેમ્પસની બહાર પણ રસ્તાઓ શોધે. આ સહયોગ અમારા કાર્યને ઉદ્યોગ અને વૈશ્વિક ઇકોસિસ્ટમ સાથે જોડવા અને તેને વ્યાપક ઉપયોગો અને અસર તરફ લઈ જવાની તકો ઉભી કરે છે.”

ગિફ્ટ સિટીમાંથી ઉભરી રહેલી વૈશ્વિક તકો પર પ્રકાશ પાડતા, ગ્લોબલ ચેમ્બર અમદાવાદ ગિફ્ટ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી શંકર દામોદરને જણાવ્યું હતું કે, “અમે વિશ્વભરના શહેરોમાં હાજરી ધરાવતા વૈશ્વિક નેટવર્કનો એક ભાગ છીએ, અને અમારું ધ્યાન વ્યવસાયો માટે બજારો વચ્ચે જોડાવાનું સરળ બનાવવાનું છે. ગિફ્ટ સિટીમાં નવી નવી પહેલો આવી રહી છે ત્યારે, અમે IIT ગાંધીનગર સાથે કામ કરવાની અને ગુજરાતમાં વૈશ્વિક ટેકનોલોજીઓ, રોકાણો અને ભાગીદારી લાવવાની નોંધપાત્ર તકો જોઈએ છીએ.”

ભાગીદારીના સંશોધન અને નવીનતાની ક્ષમતા પર ભાર મૂકતા, IIT ગાંધીનગરના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ડીન પ્રો. વિમલ મિશ્રાએ જણાવ્યું હતું કે, “આ સહયોગ સંશોધન અને ટેકનોલોજીને ઉદ્યોગ અને વૈશ્વિક ભાગીદારો સાથે જોડવાની તકોનું સર્જન કરશે, જે આશાસ્પદ નવીનતાઓને વાસ્તવિક દુનિયાના ઉપયોગો તરફ આગળ વધવામાં મદદ કરશે.”

આ ભાગીદારી હેઠળ, IITGN ટેકનોલોજી વેલિડેશન, ડીપ-ટેક અને ઇનોવેશન સપોર્ટ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં તેની ક્ષમતાઓનું યોગદાન આપશે, જ્યારે ગ્લોબલ ચેમ્બર અમદાવાદ ગિફ્ટ સિટી ઉદ્યોગો દ્વારા તેનો સ્વીકાર, વૈશ્વિક ભાગીદારી, આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી ઇન્ક્યુબેશન અને શહેરી નવીનતા અને ઉભરતી ટેકનોલોજીમાં જોડાણોને સરળ બનાવશે.

MoU હસ્તાક્ષર કર્યા પછી સસ્ટેનેબલ અને એનર્જી-એફિશિયન્ટ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તકનીકી વાર્તાલાપ થયો હતો. આ ચર્ચામાં ક્લોઝ્ડ-લૂપ વોટર કૂલિંગ સહિતની અદ્યતન કૂલિંગ ટેકનોલોજી, ઉર્જા અને પાણીનો વપરાશ ઘટાડવાની તેમની ક્ષમતા અને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉકેલોના સંકલનનો સમાવેશ થતો હતો. સહભાગીઓએ જીઓથર્મલ અને અન્ય બિલ્ડિંગ-લેવલના સસ્ટેનેબલ કૂલિંગ અભિગમોની ક્ષમતા પર પણ ચર્ચા કરી હતી.

MoU પર ગ્લોબલ ચેમ્બર અમદાવાદ ગિફ્ટ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી શંકર દામોદરન અને IIT ગાંધીનગરના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ડીન પ્રો. વિમલ મિશ્રાએ હસ્તાક્ષર કર્યા હતા.

આ ભાગીદારી IITGN ના સંશોધન, ટેકનોલોજી અને નવીનતા ક્ષમતાઓને ગ્લોબલ ચેમ્બર અમદાવાદ ગિફ્ટ સિટીના આંતરરાષ્ટ્રીય વ્યવસાય નેટવર્ક સાથે એકસાથે લાવે છે, જે મજબૂત એકેડેમિયા-ઇન્ડસ્ટ્રી જોડાણ, વૈશ્વિક સહયોગ અને સંશોધન વ્યાપારીકરણ માટેની તકો ઊભી કરે છે.

 


(રીલીઝ આઈડી: 2305069) મુલાકાતી સંખ્યા : 29
આ રીલીઝ વાંચો: English