ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
વરિષ્ઠ નાગરિકોને આત્મનિર્ભર અને સન્માનપૂર્વક જીવન જીવવામાં સહાય કરવાનો સરકારનો સંકલ્પ: ડૉ. વિરેન્દ્ર કુમાર
વયોશ્રી યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં 9,000 લાભાર્થીઓને રૂ. 10 કરોડથી વધુના સહાયક સાધનોનું વિતરણ: નિમુબેન બાંભણિયા
સિહોરમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ 15મા કેમ્પનું આયોજન; 904 વરિષ્ઠ નાગરિકોને 5,000થી વધુ સહાયક સાધનોનું વિતરણ
અમરગઢ ખાતે લખપતિ દીદી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
પોસ્ટેડ ઓન:
01 OCT 2026 4:19PM by PIB Ahmedabad
ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આજે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ 15મા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને વિવિધ સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમાર ઉપસ્થિત રહ્યાં હતા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં આયોજિત થયો હતો.

કેમ્પ દરમિયાન કુલ 904 લાભાર્થીઓને રૂ. 85 લાખની કિંમતના 5,000થી વધુ સહાયક સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં વોકર, શ્રવણયંત્ર, ટોયલેટ ખુરશી, કમર બેલ્ટ, ઘૂંટણના બેલ્ટ સહિતના વિવિધ સહાયક સાધનોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય વયોશ્રી યોજના વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી અને વર્ષ 2017થી તેના લાભો જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકોને જરૂરી સહાયક સાધનો ઉપલબ્ધ કરાવી તેમને વધુ આત્મનિર્ભર બનાવવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, યોજનાનો લાભ માત્ર એક સ્થળ સુધી મર્યાદિત ન રહે અને જિલ્લાના દરેક તાલુકા મથક સુધી પહોંચે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. વરિષ્ઠ નાગરિકોએ પોતાના જીવનના અનેક વર્ષો સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે ત્યારે તેમની સેવા કરવી એ સમાજની જવાબદારી છે.
ડૉ. વિરેન્દ્ર કુમારે વધુમાં જણાવ્યું હતું કે, દરેક તાલુકા મથક તેમજ જિલ્લા કક્ષાએ જરૂરી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવશે, જેથી જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને જરૂરી સહાયક સાધનો સરળતાથી અને નિઃશુલ્ક ઉપલબ્ધ થઈ શકે. તેમણે જણાવ્યું હતું કે, આવી પહેલનો હેતુ વયોવૃદ્ધ અને જરૂરિયાતમંદ નાગરિકોને સન્માનપૂર્વક અને આત્મનિર્ભર જીવન જીવવામાં સહાય કરવાનો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સંકલ્પ સાથે સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
_20261001162159_fa8313.jpeg)
આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, “સમગ્ર ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ ALIMCOના સહયોગથી જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને વિવિધ સહાયક સાધનો નિઃશુલ્ક અર્પણ કરવામાં આવી રહ્યા છે. વડીલ માતા-પિતા સહિત જરૂરિયાતમંદ નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ મળી રહેલી આ સહાય તેમના માટે આશીર્વાદરૂપ બની રહી છે. સહાયક સાધનો મળવાથી અનેક વરિષ્ઠ નાગરિકોના દૈનિક જીવનમાં સરળતા આવી છે અને તેઓ વધુ આત્મનિર્ભર તથા સન્માનપૂર્વક જીવન જીવી રહ્યા છે. સરકારની યોજનાઓનો લાભ સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ તબક્કાવાર કેમ્પો યોજીને અંદાજે 9,000 જેટલા લાભાર્થીઓને રૂ. 10 કરોડથી વધુની કિંમતના વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વોકર, શ્રવણયંત્ર, ટોયલેટ ખુરશી, કમર અને ઘૂંટણના બેલ્ટ સહિતના સહાયક સાધનો જરૂરિયાતમંદ નાગરિકોના જીવનમાં સુગમતા અને સુરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. આવા કેમ્પો માત્ર સાધન સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ વડીલોને આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા સાથે જીવન જીવવા માટે સક્ષમ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.”
ઉપરાંત, સિહોર તાલુકાના અમરગઢ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. વીરેન્દ્રકુમાર અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ સ્વસહાય જૂથ સાથે જોડાયેલી લખપતિ દીદી બહેનો સાથે સંવાદ કરી તેમની આજીવિકા પ્રવૃત્તિઓ, અનુભવો અને સફળતાની જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ડૉ. વીરેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, ભાવનગરની સ્વસહાય જૂથની બહેનો આત્મવિશ્વાસ અને સ્વાવલંબન સાથે વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરી રહી છે. એક બહેનના સશક્તિકરણ સાથે સમગ્ર સ્વસહાય જૂથ અને પરિવારનું આર્થિક સશક્તિકરણ થાય છે, જેનાથી ગ્રામ્ય અર્થતંત્રને પણ મજબૂતી મળે છે.
આ પ્રસંગે શ્રીમતી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ નારી સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. મહિલાઓ આગળ વધે અને આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ પ્લેટફોર્મ અને તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
_20261001162314_12469b.jpeg)
તેમણે જણાવ્યું હતું કે, બહેનોને નાના-નાના વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી તાલીમ, કૌશલ્ય વિકાસ તેમજ બેંક મારફતે ધિરાણની સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોતાની આવડત અને કૌશલ્ય અનુસાર તાલીમ મેળવીને આજે અનેક મહિલાઓ નાના-નાના ઉદ્યોગો સફળતાપૂર્વક ચલાવી રહી છે.
તેમણે લખપતિ દીદી તરીકે આગળ વધી રહેલી બહેનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મહિલા સશક્તિકરણના ધ્યેયને યાદ કરતાં તેમણે ગુજરાતની બહેનો માત્ર લખપતિ જ નહીં, પરંતુ કરોડપતિ દીદી બને તે માટે સૌ બહેનોને આગળ વધવા શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જયશ્રીબેન જરૂ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વિમળાબેન ચૌહાણ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
(રીલીઝ આઈડી: 2317646)
મુલાકાતી સંખ્યા : 31