માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ગાંધી જયંતી નિમિત્તે માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં વિભાગો દ્વારા સ્વચ્છતા સંકલ્પ લેવામાં આવ્યો


ઑલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનનાં પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

પોસ્ટેડ ઓન: 02 OCT 2026 10:46AM by PIB Ahmedabad

મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે આજે માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં વિવિધ વિભાગો જેમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB), સેન્ટ્રલ બ્યૂરો ઑફ કમ્યુનિકેશન (CBC), પ્રકાશન વિભાગ (DPD) અને ઑલ ઇન્ડિયા રેડિયો (AIR)ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અને સ્વચ્છતા પખવાડા અંતર્ગત સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપતાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન ઑલ ઇન્ડિયા રેડિયો ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વૃક્ષારોપણ કાર્યક્રમ પૂર્વે ઉપસ્થિત સૌએ સ્વચ્છતા શપથ ગ્રહણ કરી પોતાના કાર્યસ્થળ તેમજ આસપાસના પરિસરમાં સ્વચ્છતા જાળવવા, સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા અને સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ઑલ ઇન્ડિયા રેડિયોનાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રી એન. એલ. ચૌહાણ, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોનાં આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રીમતી સુમન મછાર, AIR નાં કાર્યક્રમ અધિકારી શ્રી હિતેષ માવાણી સહિત PIB, CBC, DPD અને AIRના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અંગેના વિચારોને જનભાગીદારી સાથે આગળ ધપાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ‘સ્વચ્છતા હી સેવા’નાં સંદેશને માત્ર એક અભિયાન પૂરતો મર્યાદિત ન રાખીને દૈનિક જીવનમાં સ્વચ્છતાને આચરણનો ભાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને સ્વચ્છ તથા સ્વસ્થ પર્યાવરણના નિર્માણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનભાગીદારીને એકસાથે જોડીને સ્વચ્છ, હરિત અને જવાબદાર ભારતનાં નિર્માણ તરફ સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપે છે.

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2318051) મુલાકાતી સંખ્યા : 64